ચિપકો આંદોલન જ્યાં શરૂ થયું હતું એ રૈની ગામ તબાહ

 

નવી દિલ્હીઃ આ સમયે દેશ ઉત્તરાખંડના ચમોલીમાં દુર્ઘટના વિશે વાત કરી રહ્યો છે, પરંતુ આ સ્થાન સાથે જોડાયેલી એક મહત્ત્વની બાબત એ છે કે જે સ્થળ પર આ દુર્ઘટના થઈ છે તે ગામની મહિલાઓએ પ્રખ્યાત ચિપકો આંદોલન માટે નોંધપાત્ર ફાળો આપ્યો છે.

અહીંની મહિલાઓ જ્યારે ઝાડ કપાતા હતા ત્યારે કુહાડીની સામે પોતાને મૂકી દીધી હતી. એક સમયે ચમોલીના રૈની ગામની મહિલાઓએ પર્યાવરણ બચાવવા આંદોલન શરૂ કર્યું હતું, તે જ ગામ આજે આપત્તિનો સામનો કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાના કેન્દ્રમાં ચમોલીનું રૈની ગામ છે. ગ્લેશિયર તૂટી પડવાને લીધે આ વિસ્તારમાં ભારે વિનાશ થયો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત તપોવન પાસેના આ ગામની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા.

૧૯૭૦ના દાયકામાં ચિપકો આંદોલન ચમોલીના રૈની ગામમાં શરૂ થયું હતું. તે સમયે, સરકારના આદેશને પડકારતા મહિલાઓ ઝાડ સાથે ચપકી ગઈ હતી. જેથી કોઈ પણ વૃક્ષ કાપી ન શકાય. સરકારના કર્મીઓ જ્યારે કુહાડી લઇને ઝાડ કાપવા આગળ ધસ્યા ત્યારે મહિલાઓએ પોતાને આગળ મૂકી દીધી હતી.

ભારે વિરોધને પગલે ઝાડ કાપવાનો નિર્ણય પાછળથી મુલતવી રાખવામાં આવ્યો હતો. રૈની ગામની ગૌરા દેવીએ ચિપકો આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ આજે રૈની ગામ આ આફતનો સામનો કરી રહ્યું છે