ચિન્મય મિશન શિકાગોમાં યોજાયો 35મો વાર્ષિક વેદિક હેરિટેજ સમર કેમ્પ


શિકાગોઃ ચિન્મય મિશન શિકાગોના બદરી સેન્ટરમાં 16મીથી 22મી જુલાઈ દરમિયાન 35મા વાર્ષિક વેદિક હેરિટેજ સમર કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં કેલિફોર્નિયા, ઇન્ડિયાના, મિસુરી, ઓહાયો, ન્યુ યોર્ક, વેસ્ટ વર્જિનિયા, વોશિંગ્ટન સહિત વિવિધ શહેરોનાં 100થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.
શિકાગોથી બહાર વસતાં બાળકોને નિઃશુલ્ક પારિવારિક આવાસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. મિશન વોલન્ટિયર્સ દ્વારા આયોજિત આ કેમ્પનું આયોજન સ્વામી શરણાનંદ અને ધીરેન ખત્રીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. આ કેમ્પને ત્રિનિદાદ એન્ડ ટોબેગોના મુલાકાતી બ્રહ્મચારિણીઓનું સમર્થન મળ્યું હતું. ચિન્મય મિશન શિકાગોના બાલ વિહાર પ્રોગ્રામના ડો. વરુણ ખન્નાએ પણ આ કેમ્પમાં બાળકોને શિક્ષણ આપવાની સહાય કરી હતી.
કેમ્પની શરૂઆત પૂર્ણા કુંભ સમારંભ સાથે થઈ હતી. આ પછી દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અઠવાડિયા દરમિયાન પ્રિ-કે ક્લાસનાં બાળકો ધર્મ, સત્ય, સમર્પણનાં મૂલ્યો શીખ્યાં હતાં, જ્યારે સાતથી બાર ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા ભગવદ્ગીતાના બારમા પ્રકરણના અંશોમાંથી સમર્પણનાં મૂલ્યો વિશે શીખવવામાં આવ્યું હતું. દરેક દિવસની શરૂઆત સ્વામી શરણાનંદના માર્ગદર્શન હેઠળ આયોજિત યોગા સત્ર સાથે થતી હતી. કૃષ્ણાષ્ટકમમાંથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સવારના સત્રમાં લર્નિંગ, ચર્ચા વગેરેનું આયોજન કરાતું હતું, જ્યારે બપોર પછીના સત્રમાં આર્ટ્સ-સ્પોર્ટ્સનું આયોજન થયું હતું. પેઇન્ટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ભજનો ઉપરાંત બાસ્કેટબોલ, ટેનિસ, ક્રિકેટ, ફ્રીસબીની રમતો યોજાઈ હતી.

આ ઉપરાંત શનિવારે ડિબેટ સ્પર્ધાઓ અને ક્વિઝનું આયોજન થયું હતું. રવિવારે આમંત્રિત મહેમાન અમૃત મિત્તલ દ્વારા કેમ્પ યોજાયો હતો. ક્વિઝ અને સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો વિતરણ કરાયાં હતાં.
ચિન્મય મિશન શિકાગો તેના સેન્ટરો બદ્રી (વિલોબ્રુક), યમુનોત્રી (ગ્રેસ્લેક), શિકાગો ડાઉનટાઉન દ્વારા શિકાગો લેન્ડ એરિયામાં 35 વર્ષથી સેવા આપવામાં આવે છે. આ સમુદાયમાં 500 પરિવારો છે.