ચિન્મય મિશન દ્વારા કોરોનાકાળમાં પાંચ કરોડથી વધુની સહાય

 

અમદાવાદઃ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે વિશ્વસ્તરે વિખ્યાત ચિન્મય મિશન દ્વારા કોરોના મહામારીના વિકટ સમયમાં પાંચ કરોડથી વધુનાં તબીબી સાધનો અને દવાઓની મદદ પૂરી પાડવામાં આવી. મુંબઈ ખાતે વડું મથક ધરાવતી ચિન્મય મિશન સંસ્થાએ દેશનાં ૧૫ રાજ્યોમાં ‘દરેક જણ પહોંચે એક જણ સુધી’ એવા ખાસ અભિયાન દ્વારા ૬૩ હોસ્પિટલ અને ૪૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ પ્રકારની સહાય પહોંચાડી છે.

મિશનના વિશ્વપ્રમુખ સ્વામી સ્વરૂપાનંદજીએ કોરોનાકાળમાં Each one Reach oneનો સંદેશ આપ્યો હતો જેમાં સંસ્થાના દુનિયાભરમાં ફેલાયેલા સભ્યોએ તન- મન-ધનથી સેવા આપી હતી. સંસ્થાએ જુદાં જુદાં ચિન્મય મિશન કેન્દ્રોની મદદથી ૧,૩૪,૫૫૧ લોકો સુધી અલગ અલગ રીતે સહાય પહોંચાડી હતી. જેમાં અત્યાર સુધીમાં એક ઓક્સિજન પ્લાન્ટ, ૫૦૦૦ રેપિડ એન્ટિજન કિટ, ૩૦,૦૦૦ જેટલા માસ્ક, ૭૦૦ પીપીઈ કિટ, ૮૦૦૦ જેટલા ગ્લવ્સ, ૧૫૦૦ ડિસ્પોઝેબલ ગાઉન, ૧૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, ૬૧ થર્મલ સ્કેનર્સ, ૬૧૦ પલ્સ ઑક્સિમીટર, ૪ વેન્ટિલેટર, ૨ ઇસીજી મશીન, ૬૦ ડિજિટલ બીપી મશીન્સ, ૬૦ ગ્લુકોમીટર, મોટી સંખ્યામાં દવાઓ-ઇંજેક્શન અને જીવનજરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવ્યાં. 

બેંગાલુરુ ખાતેની ચિન્મય મિશન હોસ્પિટલમાં ૫૦ ટકા બેડ ગંભીર કોવિડ દર્દીઓ માટે અલગ રાખવામાં આવ્યા હતા. આ મહામારીમાં સ્વજનો ગુમાવ્યાં હોય તેમને આઘાતમાંથી બહાર આવવામાં મદદરૂપ થવા ઑનલાઇન ગ્રીફ મેનેજમેન્ટ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો. ૮ મે એ સંસ્થાના સ્થાપક સ્વામી ચિન્મયાનંદજીની ૧૦૫મી જન્મજયંતીએ આ કાર્યક્મ શરૂ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે મિશનના વિશ્વભરમાં આવેલાં ૩૦૦ કેન્દ્રોના સભ્યોએ ગયા વર્ષે પીએમ કેર ફંડમાં ત્રણ કરોડનું યોગદાન આપ્યું હતું.