ચિન્મય મિશન દ્વારા અમદાવાદનો અનોખો સંકટમોચન હનુમાન હવન

 

અમદાવાદઃ અમદાવાદમાં ઇસરોની સામે આવેલા ચિન્મય મિશન કેન્દ્ર દ્વારા અનોખા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોનાના સંકટને લીધે લોકોમાં હતાશા વ્યાપી ગઈ છે તેને ધ્યાનમાં લઈને મિશન દ્વારા જુલાઈ મહિનાથી ‘સમસ્યા અનેક ઉપાય એક’ શીર્ષક હેઠળ સંત તુલસીદાસજી રચિત સંકટમોચન હનુમાન અષ્ટકમ્ વિશે ઓનલાઇન જ્ઞાનયજ્ઞ યોજવામાં આવ્યો હતો. સ્વામી અવ્યયાનંદજીએ હનુમાનજી આપણને કપરી પરિસ્થિતિમાં કઈ રીતે માર્ગદર્શન આપે છે તે વિશે ઉદાહરણો સાથે આ આઠ શ્લોકના સ્તોત્રનો ગહન અર્થ સમજાવ્યો હતો. સંસ્થાની પરમધામ યુ-ટ્યૂબ ચેનલ પરથી આ પ્રવચનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને તેની પૂર્ણાહુતિના અવસરે હનુમાનજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને વિશ્વને કોરોનામુક્ત કરવાની પ્રાર્થના માટે આ હવન કરવામાં આવ્યો હતો. પાંચમી સપ્ટેમ્બરે વહેલી સવારે પરમધામ મંદિરમાં યોજાયેલા હવનમાં ચિન્મય મિશનના ગ્લોબલ હેડ સ્વામી સ્વરૂપાનંદજીએ કોઇમ્બતુરથી ઓનલાઇન આશીર્વચન આપ્યાં હતાં.