ચિન્મય મિશન અમદાવાદ દ્વારા ભિક્ષુગીતા પર જ્ઞાનયજ્ઞ

 

અમદાવાદઃ કોરોના મહામારીએ ફરી પાછો હાહાકાર મચાવ્યો છે અને લોકોમાં ભવિષ્યની, પરિવાર અને નોકરીધંધાને લગતી ચિંતા, ડર અને અસલામતીનો ભય જાગ્યો છે ત્યારે આધ્યાત્મિક ચિંતન-મનન અને સત્સંગની મદદથી તેનો સામનો કરવાનું બળ મળી શકે છે એવા ઉમદા હેતુ સાથે ચિન્મય મિશન અમદાવાદ દ્વારા ૧૯મી નવેમ્બરથી ૩ ડિસેમ્બર સુધી ૧૫ દિવસના ઓનલાઇન જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત પર આધારિત ભિક્ષુગીતા પરના આ જ્ઞાનયજ્ઞના વક્તા સ્વામી અવ્યયાનંદ છે જેઓ ગુજરાતી ભાષામાં અત્યંત રસાળ શૈલીમાં, રોજબરોજના જીવનને સાંકળી લેતું પ્રવચન આપે છે. 

ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પરમ મિત્ર-ભક્ત ઉદ્ધવજીને મનુષ્યજીવનનું ઉચ્ચ લક્ષ્ય શું છે, તેને કઈ રીતે પામી શકાય અને જીવનમાં અનેક ચડતીપડતી વખતે પણ મનને શાંત અને એકાગ્ર કઈ રીતે રાખી શકાય તે વિશે ઉપદેશ આપ્યો હતો તે ભિક્ષુગીતા તરીકે પ્રસિદ્ધ છે. ભગવાને આ ગીતા દ્વારા ધનના સદુપયોગ વિશે એટલે કે વેલ્થ મેનેજમેન્ટ વિશે પણ અત્યંત અસરકારક સમજ આપી છે જે અત્યારના કપરા કાળમાં ખૂબ ઉપયોગી બની શકે છે. ઈશ્વરનો સાક્ષાત્કાર ફક્ત મહામાનવો જ કરી શકે એવું નથી, સામાન્ય માણસ પણ જ્ઞાનના માર્ગે ચાલીને પરમ તત્ત્વને સમજી શકે છે, પામી શકે છે એવો સંદેશ પણ ભગવાને આ ગીતા દ્વારા આપ્યો છે. 

કોરોનાકાળમાં નકારાત્મક વિચારોને સાચી દિશા મળે અને સમાજમાં સકારાત્મકતા વધે તેવા ઉદ્દેશથી ચિન્મય મિશન અમદાવાદ દ્વારા આ ઓનલાઇન જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ ને વધુ લોકો આ જ્ઞાનયજ્ઞમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈને જ્ઞાનનો લાભ લઈ શકે તે માટે ચિન્મય મિશન અમદાવાદ યુ-ટ્યૂબ ચેનલ પરથી દરરોજ સાંજે ૬.૩૦થી ૭.૩૦ વાગ્યા સુધી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. વિશ્વભરમાં ૩૫૦ જેટલાં કેન્દ્રો દ્વારા સમાજની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉન્નતિ માટે કાર્યરત ચિન્મય મિશન સંસ્થાના અમદાવાદ કેન્દ્રે કોરોનાની મહામારીના કપરા સમયમાં આદિ શંકરાચાર્યજીના સાધન પંચકર્મ, સંત તુલસીદાસજીના સંકટમોચન હનુમાન અષ્ટકમ્, શ્રીમદ્ ભાગવત સ્તુતિમાલા જેવા ઓનલાઇન જ્ઞાનયજ્ઞોનું આયોજન કર્યું હતું જેને દેશવિદેશમાં ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here