ચિત્રકાર કનુ પટેલની સર્જનયાત્રા એટલે રંગો દ્વારા કેન્વાસ પર વ્યક્ત થયેલી વૈચારિક અભિવ્યક્તિ

0
1113


કોઈ એક વ્યક્તિ જ્યારે સર્જન કરવા ઇચ્છે છે ત્યારે તે તેના માધ્યમની પસંદગી કરે છે. આ માધ્યમ કોઈ પણ હોઈ શકે. સર્જકને માટે મહત્ત્વની છે તેની અભિવ્યક્તિ, પણ આ અભિવ્યક્તિ જ્યારે ચિત્રકલાના માધ્યમમાં પ્રગટ થાય છે ત્યારે તેમાં ફક્ત કેન્વાસ નહિ, તેના ઉપર ચિત્રિત થયેલો ખ્યાલ રંગ અને આકૃતિ દ્વારા વર્ણવાય છે. એટલે વિચાર માત્ર મહત્ત્વનો નથી, પણ એ વિચાર કઈ રીતે વ્યક્ત થયો છે તે પણ અત્યંત મહત્ત્વનો  છે .

 


ચિત્રકાર કનૈયાલાલ પટેલ, વધુ તો કનુ પટેલથી જાણીતા છે, પણ કનુ પટેલ એટલે એક વ્યક્તિથી વિશેષ એક ચિત્રકાર, કહો કે કલાકાર. તેઓ વિવિધગામી છે. એટલે એમની ઓળખાણ પણ વિવિધ કલા માધ્યોમાં અલગ અલગ રીતે અપાય છે. એક સર્વાંગ કલાકાર. એક અભિનેતા પણ છે એટલે તેઓ નાટક, ટેલિવિઝન સિરિયલ અને સિનેમામાં પણ કાર્યરત છે. એટલે તેઓ એક અભિનેતા તરીકે પણ જાણીતા છે. તેઓ બહુ સારા સંવાહક પણ છે, અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને પૂર્વે એક ફાઇન આટ્઱્સ કોલેજના વિદ્યાર્થીપ્રિય પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યા છે અને એક ડિઝાઇનર, ચિત્રકાર તરીકે પણ તેઓ જાણીતા છે, પણ આ બહુઆયામી વ્યક્તિત્વને આજે તો હું એક ચિત્રકાર તરીકે ઓળખાવવા માગું છું.
મુંબઈમાં 10મીથી 16મી એપ્રિલ દરમિયાન જહાંગીર આર્ટ ગેલેરીમાં આયોજિત પ્રદર્શનમાં, એમનાં કેટલાંક છેલ્લાં વર્ષોનાં ચિત્રોને તેઓ રજૂ કરી રહ્યા છે. આ ચિત્રો એટલે એમની વૈચારિક અભિવ્યક્તિ, કહો કે કવિતા, જે રંગો દ્વારા કેન્વાસ પર વ્યક્ત થઈ છે. આ ચિત્રોમાં રંગ અને રેખા દ્વારા અનેક શબ્દો વ્યક્ત થયા છે. ‘અતીતરાગ’, ‘રેઇનસ્કેપ’, અને ‘માસ્ક’ વિષય પરના એમનાં ચિત્રો પછીનું આ કામ છે.
માનવીય ચિત્તતંત્ર પર પડેલા સદીઓના સંસ્કારોને એક કલાકાર તરીકે પ્રતિનિધિરૂપ કનુ પટેલ વ્યક્ત કરે છે. આપણા દેશનો ધર્મ, ઇતિહાસ, સાહિત્ય અને કલાના આ બધા વારસાને તેઓ અનુભવે છે અને આ બધું કંઈ એક પ્રાંત કે ભાષા પૂરતું મર્યાદિત ન રહેતાં સમગ્ર દેશકાળને આવરી લે છે. એટલે જ એમની ઇષિકા આ પરવતી સંદર્ભોના રંગોમાં ઝબોળાયેલી છે અને એટલે જ એમનાં ચિત્રો સમકાલીન શૈલીના હોવા છતાં આપણા સદીઓના વારસાને વ્યક્ત કરે છે.
પરંપરાગત રીતે એક ધાર્મિક વ્યક્તિઓના તેઓ પ્રતિનિધિ છે. એટલે જાતે ધાર્મિક હોવું મહત્ત્વનું નથી, પણ આપણી પ્રણાલીને તેઓ અનુસરે છે. ભગવાન ક્રિષ્ન આપણા આરાધ્ય દેવ છે. કૃષ્ણ માત્ર આધિદૈવિક તત્ત્વ જ નથી. એટલે જ અહીં શ્યામ કૃષ્ણ ઘેરા બ્લુના પાર્શ્વમાં ઊપસ્યા છે. બ્લુ તે પ્રેમનો રંગ છે. અને આપણા સૌનું એક વ્યક્તિ, ભક્ત તરીકે પ્રતિનિધિત્વ કરે છે. મારે એને કોઈ નામ નથી આપવું. એને વ્યક્તિગત રીતે પણ નથી ઓળખાવવું. એટલે જ એ કલાકાર ચિત્રકાર પોતે પણ હોઈ શકે, તેમ ભાવક પણ હોઈ શકે. અને એટલે જ આપણા સૌનું સામૂહિક પ્રતિનિધિત્વ કરે છે. આપણને જ પ્રતીકાત્મક રજૂ કરે છે. આ જ પરંપરામાં એમને એમનું ગામ યાદ આવે છે. ત્યાંની હનુમાનજીની મૂર્તિ યાદ આવે છે અને તે બધા સંદર્ભો એમને આપણી રામાયણની કથનકલા સાથે જોડી દે છે. આપણાં પુરાણો ભોજપત્ર પર લખાતાં. એ જ ભોજપત્ર પર આ સમગ્ર કથનાત્મકતા રજૂ થઈ છે. રામ તો છે, પણ સંપૂર્ણ અવતારોને આપણા દૈવિક પુરોગામીઓ તરીકે જોડી દે છે. આ ચિત્રની મજા એ છે કે અહીં રામની સાથે જ એ બધાને બ્લુ રંગમાં વ્યક્ત કર્યા છે.
પણ ધર્મની સાથે સાથે જ આપણો ઇતિહાસ અને પરંપરાઓ સંકળાયેલી છે. આપણા દેશમાં થયેલું વિદેશીઓનું આક્રમણ, એમણે તોડેલી આપણી કલાકૃતિઓ વગેરે પણ એમના ચિત્તમાં છે. એટલે તેઓ નટરાજને જ્યારે ખંડિત અવસ્થામાં ચીતરે છે ત્યારે તેની સાથે જ સંકળાયેલા ઇતિહાસને પણ સાંકળી લે છે. અને તે પણ લીલા રંગમાં તે સંદર્ભો રજૂ થયા છે. એક કલાકારને માટે તો બસ આવો નિર્દેશ કરવો જ પૂરતો છે. અહીં પણ પાર્શ્વમાં ભોજપત્ર છે અને ભોજપત્ર એ આપણાં પુરાણોને રજૂ કરતું એક માધ્યમ છે.
આ બધા પૌરાણિક અને ઐતિહાસિક સંદર્ભોની સાથે સાહિત્ય કેમ ભુલાય. સાહિત્ય એ એક કથનકલા છે તેમ જ ચિત્રકલા પણ કથનાત્મક છે અને એક કથક બીજા કથકને પ્રભાવિત ન કરે તેવું બને જ નહિ. એટલે એમના ચિત્રમાં રહેલા શબ્દો અને તેના સ્વામી એવા રવીન્દ્રનાથ ટાગોર પણ નાટકોમાં અભિનય કરતા હતા અને કનુ પટેલ એક ચિત્રકારની સાથે એક ખૂબ સારા અભિનેતા પણ છે અને એમણે અનેક નાટકોની સાથે ફિલ્મ અને ટેલિવિઝન સિરિયલમાં અભિનયનાં ઓજસ પાથર્યાં છે, તેમ રવીન્દ્રનાથ ટાગોર સર્જિત નાટકો પણ એમણે કર્યાં છે અને રવીન્દ્રનાથની ભૂમિકા પણ એમણે ભજવી છે, પણ આપણે તો અહીં એમનાં ચિત્રોની વાત કરીએ છીએ. અહીં આ રવીન્દ્રનાથ ટાગોરને કેન્દ્રમાં રાખીને થયેલાં ચિત્રોમાં રવીન્દ્રનાથ એક સાહિત્યકાર તરીકે તો એમના ચિત્તમાં છે, પણ કેન્વાસ પર જે ઊભરી આવ્યા છે તે અભિનેતા રવીન્દ્રનાથ ટાગોર છે.
રવીન્દ્રનાથ ટાગોરે વાલ્મીકિનું પાત્ર એમના નાટકોમાં ભજવેલું. એક ચિત્રકાર તરીકે કનુ પટેલે એ જ પાત્રને પોતાના ચિત્રમાં પ્રવેશ આપ્યો છે. તેમ તેમની પ્રિય કવિતા તો છે તેમ સાથે જ વિજયા તરીકે ઓળખાયેલી વિક્ટોરિયા ઓકામ્પો પણ છે. અને તે પણ એક નાટકીય અદામાં. ભારતીય સાહિત્યમાં રવીન્દ્રનાથ ટાગોરનું જે સ્થાન અને માન છે તેવું અન્યને નથી મળ્યું. રવીન્દ્રનાથ ટાગોર ચિત્રાવલીમાં ત્યાં પહોંચવા માગતા સર્જકોનો પણ નિર્દેશ થયો છે. 19મી સદીનો પ્રારંભનો આ કાળ ભારતીય કલા માટે પુનરુત્થાનનો હતો, તેમ નવજાગૃતિનો પણ હતો. રવીન્દ્રનાથ ટાગોરે જે કેટલાં બધાં કલા માધ્યમો પર પ્રભાવ પાડ્યો, પણ કનુ પટેલ એક ચિત્રકાર તરીકે જ્યારે આ સમયગાળાને જુએ ત્યારે તેમના ચિત્તમાં અમૃતા શેરગિલ પ્રગટે છે
કલાના ક્ષેત્રમાં એ સમયે જે બદલાવ આવેલો તેનો આ ચિત્રમાં સંદર્ભ છે. ભારતીય ચિત્રકલામાં જ્યારે અમૃતા શેરગિલનો પ્રવેશ થયો ત્યારે તે પોલ ગોગાથી પ્રભાવિત હતી. અમૃતા શેરગિલ એ પ્રથમ ભારતીય ઇમ્પ્રેશનિષ્ટ ચિત્રકાર, પણ જ્યારે સર્જન થયું ત્યારે તેનાં પાત્રો ભારતીય થઈ ગયાં. આમ તેમની અભિવ્યક્તિમાં પાત્ર પરિવેશ સંપૂર્ણતઃ ભારતીય છે. ભલે તેનો એક છેડો પશ્ચિમને સ્પર્શતો હોય. અહીં પણ ચિત્રની રજૂઆત પણ એ જ ઇમ્પ્રેશાનિષ્ટ શૈલીમાં થઈ છે અને ત્યારના સમયના અને અમૃતાની સાથે સંકળાયેલા સંદર્ભો પણ અહીં સમાવિષ્ટ પામ્યા છે.
માણસ એ સતત અને સહજ કોઈ ને કોઈ પાઠ ભજવતો હોય છે. એવું જરૂરી નથી કે કોઈ પાઠ ભજવવા સ્ટેજની જરૂર પડે. જીવનથી મોટું કોઈ સ્ટેજ નથી. એટલે જ એ મુખવટાની અંદર છુપાયેલો હોય છે. એ અલગ અલગ માસ્ક પહેરીને અલગ અલગ રોલ કર્યા કરે છે. એ મુખવટાની પાછળ રહેલા માણસને કેમ ઓળખવો? એટલે એ જ રીતે માણસને માસ્ક સાથે કેટલાંક ચિત્રોમાં રજૂ કરવામાં આવ્યા છે. માસ્ક એ માણસે પહેરેલો માસ્ક માત્ર નથી, કલાને રજૂ કરવા માટે પણ એક ‘માસ્ક’ની જરૂર હોય છે અને ચિત્રકલા એ સંપૂર્ણ દશ્યના કોઈ એક ભાગ કે ખ્યાલનું ‘માસ્કિંગ’ જ છે, જે મૌન રહી ઘણું બધું કહી જાય છે.
આમ આપણામાં વ્યાપેલી આપણી પરંપરાઓ ધર્મ, દૈવિક તત્ત્વો, ઇતિહાસ, કલા અને ચિત્રકલા તથા સાહિત્યનાં કેટલાંક ચૈતસિક સ્વરૂપો કનુ પટેલની ચિત્રકલામાં વ્યક્ત થયાં છે. આ નરી અભિવ્યક્તિ નથી, પણ ક્રમિકપણે વિકસેલા વિચારોનું રંગો દ્વારા વ્યક્ત થયેલું સ્વરૂપ છે. કોઈ કલાકાર ક્યારેય કોઈ એકદંડી મહેલમાં રહીને સર્ર્જ ન કરી શકે. એની સાથે ્નએના દેશકાળનો સમગ્ર પરિવેશ સંકળાયેલો હોય છે અને એ કનુ પટેલનાં ચિત્રોમાં વ્યક્ત થાય છે.

લેખક કળા-સંગીત અને ફિલ્મસમીક્ષક છે.