ચાલતાં રહો, હસતાં રહો, ચા પીતાં રહો!

મારા એક સ્નેહી શહેરના જાણીતા ફિઝિશિયન છે ડો. મુકુલ ઓઝા. મારું હૃદય ચાલતું રહે – ધીમે કે ઝડપથી નહિ, પણ માપસર ચાલતું રહે એ માટે આ ડોક્ટર સ્નેહીનું માર્ગદર્શન મેળવતો રહું છું. એક વાર એમની પાસે જવાનું થયું ત્યારે એ એક દર્દીને સલાહ આપી રહ્યા હતા. એમણે વાતવાતમાં આરોગ્ય માટેનું એક જીવનસૂત્ર પેલા દર્દીને કહ્યુંઃ ‘ચાલતાં રહો, હસતાં રહો, ચા પીતાં રહો.’
આ સાંભળી મને થોડી નવાઈ લાગી. ચાલતાં રહેવાના ફાયદા વિશે તો મેં અનેક લોકો પાસેથી સાંભળ્યું છે અને અનેક પુસ્કોમાં વાંચ્યું છે. અમારા એક શિક્ષક ‘વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ’ એવું હંમેશાં ખુરસીમાં બેઠાં બેઠાં અમને કહેતા. હસતાં રહેવાની વાત પણ રિવાજ મુજબ પહેલાં અમેરિકામાં શરૂ થઈ અને હવે ત્યાંથી આયાત કર્યા પછી અહીં પણ કહેવાવા માંડી છે, પરંતુ ચા પીતાં રહેવાની વાત મારે માટે નવી હતી. ચા પીતો થયો ત્યારથી આજ સુધીમાં મેં હંમેશાં ચાની નિંદા જ સાંભળી છે. એસએસસીમાં આવ્યો ત્યારે મેં પહેલવહેલી વાર ચા પીધેલી. પહેલા ધોરણની વાચનમાળાના પહેલા પાઠમાં ‘બા, ચા પા.’ એવું સુંદર વાક્ય આવતું હતું. ‘ચા ન પિવાય, ચા પીવાથી હાડકાં ગળી જાય.’ એવું કહી બાએ ચા પીવાની ના કહી ત્યારે મેં મારી વાચનમાળામાંથી ‘બા, ચા પા.’ એ વાક્ય બાને બતાવ્યું અને મોટેથી વાંચી પણ સંભાળાવ્યું, પણ મારાં બા પેલા પાઠ લખનારનાં બા જેવાં નહોતાં એટલે એમણે કહ્યું, ખબરદાર! ક્યારેય ચા પીવાનું નામ લીધું છે તો’ અને આ સૂચના મને કાયમ યાદ રહે એ માટે મારા ગાલ પર એક થપ્પડ પણ લગાવી દીધી. ચા પીવાથી હાડકાં ગળી જાય છે એમ બા કહેતાં હતાં; પણ, રોજ ચાર વાર ચા પીનારાં બાનાં હાડકાં ગળી નથી ગયાં, ઊલટાં વધુ મજબૂત થયાં હતાં એવું એમની થપ્પડ પરથી મને લાગ્યું હતું, પણ આ અંગે બાનું ધ્યાન દોરવા જતાં કદાચ એમનાં હાડકાંની મજબૂતાઈનો બીજી વાર અનુભવ કરાવે, એ બીકે હું ચૂપ રહ્યો. છેક એસએસસીમાં આવ્યો અને વાંચવા માટે ઉજાગરા કરવાના આવ્યા ત્યારે માતૃહૃદય પીગળ્યું અને મને ચા પીવાની છૂટ મળી, પરંતુ થોમસ હાર્ડી નામના નવલકથાકારે એમની એક નવલકથામાં કહ્યું છે કે જીવન દુઃખથી જ ભરેલું છે, સુખ એ તો માત્ર પ્રાસંગિક ઘટના હોય છે.’ ચાસુખની ઘટના પણ મારે માટે પ્રાસંગિક જ નીવડી. એસએસસીમાં પાસ થઈ કોલેજમાં ગયો ત્યારે જ્ઞાતિની બોર્ડિંગમાં રહેવાનું થયું. બોર્ડિંગમાં પણ ચા પીવાની મનાઈ હતી! સ્કૂલમાં ભણતો ત્યારે મારા ગામના વ્યાયામમંદિરમાં નિયમિતપણે જતો હતો. વ્યાયમમંદિરમાં રમવાની બહુ મજા પડતી’તી, પણ ત્યાંય ચા પીનારાઓ માટે પ્રવેશ નહોતો. આમ, જીવનમાં મને અત્ર-તત્ર-સર્વત્ર ચાના શત્રુઓ જ મળ્યા છે. એક નિષ્ણાત ડોક્ટર પાસેથી ચા પીવાની વાત હું જીવનમાં પહેલી વાર સાંભળી રહ્યો હતો. મેં ડોકટરને પૂછ્યું, ‘ચા પીવાથી તબિયત ખરેખર સારી રહે?’
‘ચોક્કસ, આ તો સાબિત થયેલી વાત છે.’ એમ કહી એમણે ચા કેવી રીતે આરોગ્ય માટે લાભકર્તા છે એ દાક્તરી ભાષામાં મને સમજાવ્યું, જે રાબેતા મુજબ હું સમજી ન શક્યો, પરંતુ એ સમજવાનું જરૂરી પણ નહોતું. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રેમનું શાસ્ત્ર સમજવાની જરૂર પણ નથી. ‘પ્રેમરસ પા ને, તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે’ એમ કહી નરસિંહ મહેતા જેવા મહાન કવિએ પરમાત્મા વિશેનાં શાસ્ત્રોની જાણકારી મેળવવા કરતાં પરમાત્માનો પ્રેમ ઝંખવાનું કહ્યું છે, પણ; મનુષ્યનો સ્વભાવ એવો છે કે પ્રેમતત્ત્વ કરતાં તત્ત્વપ્રેમ પાછળ એ વધારે ભટકે છે. એક યુવાન એક યુવતીના પ્રેમમાં પડ્યો. યુવતીને પણ એ પ્રેમ મંજૂર હતો. પરસ્પર પ્રેમનો સ્વીકાર થયા પછી યુવાન-યુવતી એકાંતમાં મળ્યાં. માંડ અર્ધા કલાક પૂરતું આ પ્રથમ મિલન ગોઠવાયું હતું. યુવતીનું મન થનગન થનગન થતું હતું, પણ પેલા યુવાનના ધ્યાનમાં એ થનગનાટ કંઈ આવ્યો નહિ. એ તો પેલી વિશે પોતાના હૃદયમાં કેવો ગાઢ-પ્રગાઢ પ્રેમ છે એ વિશે એંસી પાનાંનો નિબંધ લખી લાવ્યો હતો. એ નિબંધ એણે વાંચવો શરૂ કર્યો. પેલીએ મનમાં કહ્યું, ‘ડોબા! મારા માટે કેવો પ્રેમ છે એની વાત કરવાને બદલે પ્રેમ જ કર ને!’ પણ પેલો ડોબો તો તત્ત્વનું ટૂંપણું ટૂંપતો જ રહ્યો. પંદરેક મિનિટના શ્રવણ પછી પેલીની ધીરજ ખૂટી. કંટાળીને એ ઊભી થઈ ગઈ અને બોલી ‘હું ઘેર જાઉં છું. નોટ મને આપી દો, ઘેર જઈને વાંચી લઈશ.’ પેલો ડોબો એને જતી જોઈ રહ્યો. એટલે ચા આરોગ્ય માટે કઈ રીતે લાભદાયી છે એ મને ભલે ન સમજાયું, પણ ડોક્ટરની વાત સાંભળી મારા ચાપ્રેમમાં એકદમ ભરતી આવી ગઈ. દવાખાનેથી ઘેર જઈને મેં બે કપ ચા પીધી. જીવનમાં પહેલી જ વાર મુક્ત મનથી મેં ચા પીધી.
વર્ષોથી રોજ સવારે પાંચ વાગ્યે ઊઠું છું. ફ્રિજમાંથી દૂધ લઈ ચા બનાવું છું. એકાદશીની જેમ મારી ચા નિર્જલા (પાણી વગરની-એકલા દૂધની) હોય છે. અનિમેષ નયને ચાને પરિપક્વ થતી જોઈ રહું છું. ચાદર્શનમાં કેટલીક વાર એટલોબધો તલ્લીન થઈ જાઉં છું કે ચાના ઊભરાતા પ્રેમની મને સૂધબૂધ રહેતી નથી. મારા હૃદયમાં સમાઈ જવા ચા ઊભરાઈને તપેલીની બહાર ઢળી પડે છે. રોજ સવારે મોટો કપ ભરીને ચા પીઉં છું તો પણ ચા મને હંમેશાં ઓછી જ પડે છે. કવિ કાન્તનાં ચક્રવાક-ચક્રવાકી જે હૃદયભાવ અનુભવે છે એ જ હૃદયભાવ ચા વિશે હું દરરોજ અનુભવું છુંઃ
પ્રણયની પણ તૃપ્તિ થતી નથી,
પ્રણયની અભિલાષ જતી નથી.
– મોટો કપ ભરીને ચા પીઉં છું તોય મને તૃપ્તિ થતી નથી ને વધુ ચા પીવાની ઇચ્છા મનમાંથી જતી નથી. એટલે ચા ઊભરાઈ જાય છે ત્યારે તાજું દૂધ આવવાને વાર હોવાને કારણે ઓછી ચા પીવી પડે છે, પણ ‘હમ દોનોં’ ફિલ્મના નાયકની જેમ ‘દિલ અભી ભરા નહિ’ એવો ભાવ અનુભવતો હું બહારથી તાજું દૂધ લઈ આવી ફરી નવી ચા બનાવી સરવાળે પોણા બે કપ ચા પીઉં છું. કવિ દયારામના એક પદમાં આલિંગન દેવા તત્પર કૃષ્ણનું આલિંગન સ્વીકારવાની રાધા ના પાડે છે. આનું કારણ આપતાં રાધા કહે છે, ‘તું કાળો છે ને હું ગોરી છું. તને અડતાં હું કાળી થઈ જાઉં.’ રાધાના આ તર્કનો લાભ લઈ કૃષ્ણ કહે છેઃ
મુજને અડતાં તું શ્યામ થા,
તો હું ક્યમ ન થાઉં ગોરો?
ફરી મળતાં રંગ અદલાબદલી મુજ મોરો તુજ તોરો!
કૃષ્ણ કહે છે, ‘મને અડતાં તું કાળી થઈ જા તો પછી તને અડતાં હું ગોરો થઈ જાઉં ને! એટલે ફરી આલિંગન દઈશ ત્યારે તને તારો ગોરો રંગ પાછો મળી જશે ને મને મારો કાળો રંગ પાછો મળી જશે!’ રાધા એક આલિંગનની ના કહે છે તો કૃષ્ણ બે આલિંગનનો પ્રબંધ કરે છે! ચા ઊભરાતી નથી ત્યારે હું સવારે એક જ વાર ચા પીઉં છું, પણ ઊભરાય છે ત્યારે તરત ને તરત બીજી વાર ચા પીવાની મળે છે!
ચા તૈયાર થયા પછી અત્યંત કોમળતાથી કપમાં ગાળું છું. રકાબીમાં મૂકેલો ચા-ભરેલો પ્યાલો લઈ બાલ્કનીમાં આવું છું. સવારે સાડા-પાંચ પોણા છ વાગ્યે ઝાકમઝોળ હિંડોળા પર બેસી ચાનું પાન કરું છું. વાતાવરણની તાજગીમાં ચાની તાજગી ઉમેરાય છે, અને અદ્ભુત આહ્લાદનો અનુભવ થાય છે!
ચાનું આવું પાન તો વર્ષોથી કરું છું, પણ પહેલાં મનમાં ગુનાનો ભાવ રહેતો, પણ હવે ડોક્ટર સ્નેહીએ હૈયાધારણ આપ્યા પછી મુક્ત મને ચાનો આસ્વાદ લઉં છું. વહેલી સવારે આસપાસના નીરવ વાતાવરણમાં પ્રકૃતિની સાક્ષીએ ચાનું અમૃતપાન કેવું આનંદદાયી હોય છે એ તો કેવળ અનુભવથી જ સમજાય એવું છે. આવી રીતે ચા પીતાં-પીતાં હું જગતને સંદેશ પાઠવું છું ઃ ચાલતાં રહો, હસતાં રહો, ચા પીતાં રહો!

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.