ચાર વર્ષનું મોદી – શાસન કેવું રહ્યું?

0
1171
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં ચીનની સરહદની નજીક ભારતીય સૈન્યના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. (ફાઈલ ફોટો)

ભારતમાં નરેન્દ્ર મોદીના શાસનનાં ચાર વર્ષ પૂરાં થયાં છે ત્યારે એ ચાર વર્ષનો ન્યુટ્રલ હિસાબ માંગવાનો ભારતની પ્રજાને સંપૂર્ણ અધિકાર છે.
વિરોધી રાજકીય પક્ષો તો નરેન્દ્ર મોદીની સાચી સિદ્ધિઓને પણ નહિ ગણકારે અને ન કરી હોય એવી ભૂલો શોધીશોધીને એમનો વિરોધ જ કરશે! જડ વિરોધીઓ તો એમ કહેશે કે અત્યારે ઉનાળામાં ગરમી વધારે પડે છે એનું કારણ પણ નરેન્દ્ર મોદીનું શાસન જ છે!
મોદી-શાસન શરૂ થયા પછી કાશ્મીર સિવાય ભારતના અન્ય કોઈ પણ રાજ્યમાં કે શહેરમાં કોઈ આતંકવાદી હુમલો થયો નથી, એ મારે મન બહુ મોટી સિદ્ધિ છે. એમાંય મહત્ત્વની વાત એ છે કે કાશ્મીરમાં જેટલા આતંકવાદીઓ મોદી-સરકારમાં સેનાએ ઠાર કર્યા છે, તે સંખ્યા નાનીસૂની નથી. ખાસ માર્ક કરવા જેવી વાત એ છે કે નરેન્દ્ર મોદીના આવ્યા પછી એક પણ આતંકવાદી જીવતો પકડાયો નથી! આતંકવાદીને જીવતો પકડવો અને પછી વર્ષો સુધી ન્યાયના બહાને તેને જેલમાં રાખીને એને ખવડાવવા-પીવડાવવાનો ખર્ચ સરકારે ભોગવવો પડે એવું નરેન્દ્ર મોદીનું આયોજન નથી. આ વાત તરફ પણ દરેક દેશપ્રેમીનું ધ્યાન જવું જોઈએ.
નરેન્દ્ર મોદી જાતજાતના શો અને પ્રચાર પાછળ કરોડો રૂપિયાનો વાહિયાત ખર્ચ કરે છે, એવો બકવાસ વિરોધીઓ કરતા રહે છે. એક વાત સ્પષ્ટ છેઃ ‘જો દિખતા હૈ વહ બિકતા હૈ’!’ નરેન્દ્ર મોદીએ વિશ્વભરના દેશોમાં ભારતની પ્રતિષ્ઠા વધારી છે. આજ સુધી ભારત એટલે જાણે ગરીબ-ભિખારીઓનો અને ભ્રષ્ટાચારથી ખદબદતો દેશ એવી છાપ હતી. એ છાપ મોદીના પ્રયત્નોથી સંપૂર્ણપણે સુધરી છે અને વિશ્વભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે.
મોંઘવારીનો મુદ્દો પણ વિરોધીઓ ખોટી રીતે ચગાવી રહ્યા છે. દર વર્ષે લગભગ દરેક ચીજમાં પાંચથી દસ ટકા ભાવવધારો થતો જ હોય છે, મોદીરાજમાં એથી જરા પણ વધારે મોંઘવારી વધી નથી એ સ્પષ્ટ છે. ઊલટાની બેન્કલોન સસ્તી થઈ છે, અનાજ-કઠોળ અને કરિયાણાની ઘણી ચીજો સસ્તી થઈ છે, ઘર-મકાનના ભાવમાં વધારો તો નથી જ થયો – પણ નહિવત્ ઘટાડો અવશ્ય થયો છે.
નોટબંધી પછી મોદીના શાસનમાં નેટ બેન્કિંગ અને ઈ-પેમેન્ટનો પ્રચાર વ્યાપક બન્યો. આ કારણે ભ્રષ્ટાચાર અને કરન્સી છાપવા માટેનો ખર્ચ બન્ને ઘટ્યા છે. ભારતદેશ ડિજિટલ વિશ્વમાં સામેલ થઈ શક્યો. ટેલિફોનનું બિલ ભરવાનું હોય, વીજળીનું બિલ ભરવાનું હોય કે અન્ય કોઈ ટેક્સ ભરવાના હોય અથવા ઇન્કમટેક્સનું રિટર્ન ફાઈલ કરવાનું હોય – એ દરેક બાબતમાં ઓનલાઇન સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે એ કારણે લોકોનો સમય બચ્યો છે અને સરળતા વધી છે! પ્રવાસની રિઝર્વેશન ટિકિટ મેળવવા માટે પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.
વિરોધીઓ હંમેશાં કહે છે કે મોદીને અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓ સાથે સારી મિત્રતા છે જે જોખમરૂપ છે. મોદી-સરકાર ગરીબો માટેની સરકાર નથી, માત્ર ઉદ્યોગપતિઓ માટેની સરકાર છે એવા પાયાહીન આક્ષેપો થતા રહે છે, પરંતુ પ્રજાનો અનુભવ આ આક્ષેપો કરતાં તદ્દન ઊલટો છે. અંબાણી સાથેના એ સંબંધને કારણે ભારતના સામાન્ય માણસને પણ જિયોનું ખૂબ સસ્તું નેટવર્કિંગ મળતું થયું. કોંગ્રેસના શાસનમાં મોબાઇલ ફોન વગેરે પાછળ ભારતના સામાન્ય નાગરિકને દર મહિને 500થી 2000 રૂપિયાનો ખર્ચ થતો હતો, તે હવે માત્ર 150થી 300 સુધીનો થઈ ગયો છે. એ જ રીતે અદાણીના કારણે સમગ્ર ગુજરાતમાં ગેસની પાઇપલાઇનોની સુવિધા ઉપલબ્ધ થઈ અને ગેસનો ખર્ચ ઘણો ઓછો થયો. દર મહિને ગેસના બાટલા મગાવવાના અને બાટલામાં ગેસ ઓછો હોવાની ફરિયાદો કરવાની વગેરે પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે.
આમ મોદી-શાસનમાં દેશનો વિકાસ થઈ રહ્યો છે. યંગ જનરેશન અને એજ્યુકેટેડ માણસો આ બધું જુએ છે અને મોદીની ફેવર કરે છે. માત્ર અભણ, અજ્ઞાની અને લાલચુ માણસો મોદીનો વિરોધ કરી રહ્યા છે.
નવી જનરેશનને તો એ વાતનું પણ ગૌરવ છે કે આપણા વડા પ્રધાન છેલ્લાં ચાર વર્ષમાં એક પણ દિવસની રજા રાખ્યા વગર સતત અઢાર કલાક કામ કરે છે. અનેક જવાબદારીઓ સંભાળવાની, આટઆટલા વિરોધો વેઠવાના અને છતાં પોતાના ધ્યેયને મક્કમપણે વળગી રહેવાનું મોદીજીનું સાહસ નવી જનરેશનને વહાલું લાગે એમાં કોઈ જ આશ્ચર્ય નથી. દરેક વખતે દિવાળીની રજાઓમાં નરેન્દ્ર મોદી આપણા ફોજી જવાનો પાસે પહોંચી જઈને તેમને નૈતિક બળ પૂરું પાડે છે. આવું ભૂતકાળમાં કોઈ વડા પ્રધાને ક્યારેય કર્યું હોય એવું જાણવા મળ્યું નથી.
મોદીજી એક તરફ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા કટિબદ્ધ છે એ વાત પણ મારી દષ્ટિએ ખૂબ મહત્ત્વની છે. હિન્દુ-મુસ્લિમના ભેદભાવ ન હોવા જોઈએ એ સાચી વાત છે, પરંતુ સેક્યુલરીઝમના બેનર હેઠળ માત્ર મુસ્લિમોનું તુષ્ટિકરણ કરીને કોંગ્રેસે વર્ષોથી હિન્દુઓને અન્યાય કર્યો છે. મુસ્લિમોને લઘુમતીના નામે જે લાભો આપવામાં આવ્યા છે તે કેટલા ઉચિત છે એનો વિચાર હવે તો કરવો જોઈએ ને? મૂળ સવાલ તો એ છે કે લઘુમતી કોને કહેવાય? દેશની કુલ વસ્તીના દસ ટકા કરતાં જે જાતિ કે ધર્મના લોકોની વસ્તી ઓછી હોય તેને લઘુમતી કહી શકાય. ભારતમાં મુસ્લિમોની વસ્તી આજે લગભગ 18થી 22 ટકા સુધીની હોવાનું જાણવા મળે છે. તો પછી તેને લઘુમતીના લાભ આપી જ કેવી રીતે શકાય? સાચી વાત તો એ છે કે આ પૃથ્વી ઉપર જેટલા મુસ્લિમ દેશો છે ત્યાં પણ મુસ્લિમોને જેટલા અધિકારો નથી મળતા એના કરતાં અનેક ગણા વધારે અધિકારો ભારતમાં વસતા મુસલમાનોને આપવામાં આવે છે અને એ કારણે હિન્દુઓને સતત અન્યાય અને અપમાન વેઠવાં પડે છે. તે અન્યાય અને અપમાન દૂર કરવામાં વળી શું ખોટું છે? ‘હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ’ જેવાં સૂત્રો નારા ગજવવા માટે સારાં લાગે છે, પરંતુ એવા જાતિભેદને કારણે જ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા તે ન ભૂલવું જોઈએ.
ઘણા વિરોધીઓ એવો આક્ષેપ પણ કરે છે કે અત્યારે ભારતમાં શિક્ષણજગત સાવ ખાડે ગયું છે. એની ગુણવત્તા સાવ નબળી પડી ગઈ છે. આ આક્ષેપ ખોટો નથી જ. પણ એનું ખરું કારણ સમજવું જરૂરી છે. વિદેશોમાં શિક્ષકોની ભરતી ગુણવત્તાને આધારે થાય છે, આપણે ત્યાં અનામતના આધારે. આ વાત થોડી કડવી જરૂર લાગશે, પરંતુ એમાં રહેલી સચ્ચાઈને અવગણી શકાશે નહિ. શિક્ષણનું કાર્ય જ અજવાળું પાથરવાનું છે. જેની પાસે સો ગ્રામ અજવાળું હશે તે એક કિલો અજવાળું પાથરશે કઈ રીતે? દલિત પરિવારોને શિક્ષણ માટે ભરપૂર સહાય આપવી જોઈએ અને સમાન સામાજિક અધિકારો પણ આપવા જ જોઈએ, પરંતુ સમગ્ર દેશનું હિત દાવ પર મુકાઈ જાય એ રીતે સરકારી નોકરીઓમાં અનામત આપવાની પરંપરા આપણે ત્યાં તદ્દન ખોટી પેસી ગયેલી છે અને હવે એનાં મૂળ એટલાં બધાં ઊંડાં ગયાં છે કે તે દૂર કરી શકાય તેમ નથી. એટલે શિક્ષણજગતમાં ગુણવત્તા ઓછી છે એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ જ નથી.
આ ઉપરાંત મોદી-સરકારે દેશમાં શૌચાલય અને સ્વચ્છતા માટે જે અભિયાન આદર્યાં છે તેની પણ પ્રશસ્તિ થવી જોઈએ. વિરોધીઓ તો આ અભિયાનનીય ઠેકડી ઉડાડે છે અને કહે છે કે આપણા વડા પ્રધાન શૌચાલય જેવી ફાલતુ બાબતો પાછળ દેશને ગુમરાહ કરી રહ્યા છે. ભારતની પ્રજાએ સમજવાનું છે કે એક વખત મંદિર થોડું મોડું બનશે તો ચાલશે, પણ શૌચાલય તો અનિવાર્ય છે! કોઈ વ્યક્તિ લાઇફટાઇમ દેવાલય કે મંદિરમાં ન જાય તો કદાચ કશો વાંધો ન આવે, પણ શૌચાલયમાં ન જાય તો ચાલે ખરું?
મોદી-શાસનમાં દેશના ગામડે-ગામડે અને ખૂણાખાંચરાના વિસ્તારોમાં પણ પાકા રોડ-રસ્તા તેમ જ વીજળી પહોંચી ગયાં છે એ વાતની ક્રેડિટ આપણે મોદી સરકારને કેમ આપતા નથી? વિરોધીઓ તો એમ પણ કહે છે કે જીએસટી લાગુ કરવાનો કન્સેપ્ટ તો કોંગ્રેસનો હતો! એ જ રીતે એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે કોંગ્રેસની ઘણી યોજનાઓ મોદી-સરકારે બીજા નામે શરૂ કરી દીધી છે! મને એમાં કશું ખોટું લાગતું નથી. જે કામ કોંગ્રેસની સરકાર ન કરી શકી અથવા જે કામ કોંગ્રેસની સરકારે અધૂરાં છોડ્યાં તે કામ મોદીની સરકાર કરી બતાવે તો એ એની ક્રેડિટ ગણાય કે ડિસક્રેડિટ?
આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે નરેન્દ્ર મોદી માણસ છે, પોલિટિશિયન છે. એ કોઈ અવતારી આત્મા નથી! એટલે એમની પાસેથી ખોટી અપેક્ષાઓ ન જ રાખી શકાય! તેઓ રાતોરાત કોઈ ચમત્કાર કરી દેશે અને દેશની તમામ સમસ્યાઓ દૂર કરી નાખશે એવો ભ્રમ આપણે ન જ સેવી શકીએ. હા, તેમની નીયતમાં ખોટ હોય તો પ્રજાએ એમને માફ ન કરવા જોઈએ, પરંતુ જો એમની નીયત સાચી હોય તો એમના નેતૃત્વનો હૃદયથી આદર કરવો જોઈએ અને તેમને પૂર્ણ સહયોગ આપવો જોઈએ, આવું નવી જનરેશન તો સંપૂર્ણપણે સમજે છે!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.