ચાર વર્ષની મનુશ્રીના હૃદયમાં કાણું હતુંઃ ગૌતમ અદાણી મદદે આવ્યા

 

નવી દિલ્હીઃ દુનિયાના ત્રીજા અને ઍશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રશંસા થઈ રહી છે. ખરેખર આર્થિક તંગીને કારણે જીવન-મૃત્યુ સાથે લડી રહેલી ઍક માસૂમ બાળકી માટે ગૌતમ અદાણી ઍક ફરિશ્તાની જેમ સામે આવ્યા અને તેની સંપૂર્ણ સારવારનો ખર્ચ ઊઠાવવાનો વાયદો કરી દીધો. અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીઍ લખનઉમાં રહેતી જે ૪ વર્ષની બાળકીની મદદ માટે મદદનો હાથ લંબાવ્યો હતો તે જન્મની સાથે જ તેના હૃદયમાં કાણાં સાથે જન્મી હતી અને સારવાર ન મળી શકવાને કારણે તે જીવન અને મૃત્યુ સામે લડી રહી છે. લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુઍટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડોક્ટરોઍ તેની સારવાર માટેનો ખર્ચ ૧.૨૫ લાખ રૂપિયા જણાવ્યો હતો. તેના પરિવાર સામે આર્થિક તંગી હોવાથી આ રકમ ઍકઠી કરવી મુશ્કેલ હતી. તેના પછી અમુક લોકોઍ તેની મદદ માટે સોશિયલ મીડિયા પર મદદ માગી અને લોકોને અપીલ કરી હતી. આ મેસેજ ગૌતમ અદાણી સુધી પહોંચી ગયો અને તેમણે આ મામલે બાળકીની મદદ કરવા હાથ આગળ વધારી દીધો. ગૌતમ અદાણીઍ ટ્વિટ કરીને લખ્યું કે મનુશ્રી જલદી જ ઠીક થઈ જશે, મેં અદાણી ફાઉન્ડેશનને માસૂમ બાળકીના પરિવારનો સંપર્ક સાધવા અને તેમની દરેક સંભવ મદદ કરવા કહ્નાં છે. મનુશ્રી જલદી જ સ્કૂલે પાછી ફરી શકશે અને તેના મિત્રો સાથે રમી શકશે.