ચાર બહેનપણીઓના સંબંધોની સમસ્યાઓ વર્ણવતી ‘વીરે દી વેડિંગ’


જો તમે કોઈ બોરિંગ લગ્ન નિહાળ્યા ન હોય તો ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ તમારા માટે છે. આ ફિલ્મમાં સંગીત-ડાન્સ ઢંગધડા વગરનાં છે. યુવાન અને ભણેલાંગણેલાં યુવક-યુવતીઓના સંબંધોથી બળવો, ‘તૂ નહિ તો કોઈ ઔર સહી’ની વિચારસરણી, આજે લગ્ન, કાલે છૂટાછેડા, સિગારેટ-શરાબ સાથે મિત્રતા, બિંદાસ સેક્સની વાતો તમે અગાઉ સેંકડો ફિલ્મમાં નિહાળેલી છે. ચાર બહેનપણીઓની વાર્તા સિવાય અહીં કશું છે જ નહિ.
આ ફિલ્મ યુવાપેઢી માટે છે, જે ફિલ્મનાં પાત્રોનો સંઘર્ષ અને તેમની વચ્ચેના સંવાદો સાથે પોતાને જોડે છે. નિધિ મહેરા-મેહુલ સૂરિની પટકથા અને શશાંક ઘોષનું ડિરેક્શન પ્રભાવ છોડતું નથી.
વાર્તામાં દમ નથી. ચાર બહેનપણીઓ સ્કૂલથી સાથે છે. કાલિન્દી પુરી (કરીના કપૂર), અવનિ (સોનમ કપૂર), મીરા (શિખા તલસાણિયા) અને સાક્ષી (સ્વરા ભાસ્કર) પોતાના સંબંધો સાથે જોડાયેલા મુદ્દાઓથી ઘેરાયેલી છે.
કાલિન્દીને તેના લિવ-ઇન પાર્ટનર રીષભ (સુમિત વ્યાસ)એ લગ્ન માટે પ્રપોઝલ મૂકી, પરંતુ કાલિન્દીએ પોતાનાં માતાપિતા વચ્ચે ઘણા ઝઘડા જોયેલા હોવાથી લગ્ન તેના માટે બરાબર છે કે નહિ તેની મૂંઝવણમાં છે.
અવનિ વકીલ છે અને તેને લગ્ન કરવાં છે, પરંતુ તેને યોગ્ય સાથી મળતો નથી. મીરાએ ભાગી જઈને વિદેશી સાથે લગ્ન કરેલાં હોવાથી તેનાં માતાપિતા તેનાથી અલગ થઈ ગયાં છે, જ્યારે સાક્ષીના છૂટાછેડા થયેલા છે. આ ચારેય બહેનપણીઓ પોતાની સમસ્યાનો કેવી રીતે સામનો કરે છે તે જોવું હોય તો આ ફિલ્મ જોવા જઈ શકાય. સિડનીમાં વસતી કાલિન્દીનો પ્રેમી સુમિત વ્યાસ ત્રણ વર્ષ પછી તેની સાથે રહેવા માટે રાજી થાય છે. આ બહેનપણીઓ આ લગ્ન માટે ભેગી થાય છે.
ફિલ્મની ચાર અભિનેત્રીઓ ગમે ત્યારે દારૂના નશામાં કે વાત કરતી વખતે ગાળો બોલતી જોવા મળે છે. કરીના કપૂરે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. સ્વરા ભાસ્કરનું પાત્ર બીજી અભિનેત્રીઓની સરખામણીમાં સારું છે અને અભિનય પણ એટલો જ સારો છે. ફિલ્મનું સૌથી નબળું પાસું સોનમ કપૂર છે.
ઝાકમઝાળ અને રંગબેરંગી લાઇટોવાળો લગ્નનો સેટ, ડિઝાઇનર કપડાં, ડિઝાઇનર જ્વેલરી, સિડની અને ફુકેટના દરિયાકિનારાનાં દશ્યો આકર્ષણરૂપ છે.
રાબેતા મુજબની ફિલ્મો કરતાં મહિલાઓને ફિલ્મમાં અલગ રીતે દર્શાવવાની ક્રેડિટ ડિરેકટર ઘોષને આપવી જોઈએ.
શાશ્વત સચદેવ અને વિશાલ મિત્રાનું સંગીત અને ગીતો ‘તારીફા’ અને ‘સજદા’ લોકપ્રિય થયેલાં છે. ફિલ્મની ગતિ ધીમી છે. ફિલ્મમાં રોમાન્સ કે કોમેડી નથી.