ચારુતર વિદ્યામંડળને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જવા તત્પર ચેરમેન ભીખુભાઈ પટેલ

0
918

વિદ્યાનગરને શા માટે શૈક્ષણિક નગરી કહેવામાં આવે છે, તેનો ખ્યાલ એક વાર તેની મુલાકાત લીધા પછી જ આવે. વલ્લભ વિદ્યાનગરની વિશ્વવિખ્યાત શૈક્ષણિક સંસ્થા ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)નું નામ દેશવિદેશમાં અગ્રેસર છે. ચારુતર વિદ્યામંડળના સૌપ્રથમ ચેરમેન ભાઈકાકા બન્યા હતા. ત્યાર પછી ભીખાભાઈ પટેલ, ડો. એચ. એમ. પટેલ અને ડો. સી. એલ. પટેલ ચેરમેન બન્યા. ચારુતર વિદ્યામંડળના નવા ચેરમેન તરીકે તાજેતરમાં ભીખુભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે. ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ ભાઈલાલભાઈ પટેલ મૂળ ભરોડાના વતની છે. ભરોડા આણંદ જિલ્લાનું સૌપ્રથમ સ્માર્ટ વિલેજ છે, જે ફ્રી વાઈ-ફાઈ સુવિધા સાથે જોડાયેલું છે. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ભાઈલાલભાઈ સોમાભાઈ પટેલ હતા, જેઓ આજીવન પોતાના જીવનકાળ દરમિયાન સરપંચ તરીકે સતત સર્વાનુમતે ચૂંટાતા હતા.
ભીખુભાઈ પટેલે વિદ્યાનગરની બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાંથી બી. ઈ. સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. પોતાના શિક્ષણ દરમિયાન, તેમણે ચરોતર વિસ્તારમાં કન્સ્ટ્રકશનનો વ્યવસાય અપનાવ્યો હતો. શિક્ષણ પ્રત્યે તેમ જ સામાજિક પ્રવૃત્તિઓ પ્રત્યેના તેમના સમર્પણના કારણે તેમના ગામનો, ચરોતર પ્રદેશ તેમ જ સમગ્ર આણંદ જિલ્લાનો વિકાસ થયો છે.


ભીખુભાઈ વણસોલ 27 ગામ પાટીદાર સમાજના પ્રમુખ હોવાથી તેમણે અમેરિકા અને યુકેથી કરોડો રૂપિયાનું દાન લાવી ભાલેજ નજીક અદ્યતન સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યું છે.
આ સિવાય ભીખુભાઈ પટેલ સમગ્ર ચરોતર પ્રદેશના વણસોલ પાટીદાર સમાજના સક્રિય અને ઉત્સાહી પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે. વણસોલ પાટીદાર સમાજમાં તેઓ પોતાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી સમર્પિત છે, જેમાં સમુદાયનાં સમૂહલગ્નો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, સર્જનાત્મક કૃષિલક્ષી પહેલનો પરિચય, મહિલાઓની સલામતી માટે મહિલા જાગૃતિનું ધ્યેય, યુવા સંગઠનની સ્થાપના, સમગ્ર પટેલ સમાજના કલ્ચરલ સેન્ટરના વિકાસ માટે ફાળો ઉઘરાવવાનો સમાવેશ થાય છે.
ભીખુભાઈ પટેલ સામાજિક સશક્તીકરણમાં જ સંકળાયેલા નથી, પરંતુ તેઓ ભરોડા કેળવણી મંડળ, સરદાર પટેલ ફેડરેશનના પ્રમુખ તરીકે સેવા આપે છે. તેઓ સીવીએમની ગવર્નિંગ બોડીના સભ્ય તરીકે પણ સેવા આપી છે અને ત્રણ ટર્મ માટે સરદાર પટેલ યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્ય તરીકે પણ સેવા આપી છે.


ભીખુભાઈ પટેલે નવા ચેરમેનપદે ચૂંટાયા પછી તરત જ ચારુતર વિદ્યામંડળને રૂ. એક કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. તેમણે વિદ્યાનગર સ્થાપના દિન નિમિત્તે ઘણી એકેડેમિક-રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે, જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ડિઝાઇન, ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, હેલ્થ કેર, રૂરલ મેનેજમેન્ટ, એવિયેશન એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. તેઓ ‘ઓછું બોલવામાં અને વધુ કાર્ય કરવામાં’ માને છે.
ભીખુભાઈના પરિવારના 500થી વધારે પરિવારજનો, મિત્રો અમેરિકામાં વસે છે. ભીખુભાઈ પટેલનો પરિવાર ઓહાયો ઇન્ડિયાના રાજ્યમાં વસે છે. તેઓ સતત 24 વર્ષથી અમેરિકાના પ્રવાસે 40 વાર જઈ આવ્યા છે. ચારુતર વિદ્યામંડળના ચેરમેનપદની ચૂંટણીમાં મત આપવા માટે ભીખુભાઈના સ્નેહીજનો અમેરિકાથી ખાસ આવ્યા હતા.
ભીખુભાઈ પટેલ આઠમી એપ્રિલથી 17મી એપ્રિલ દરમિયાન સામાજિક-સંસ્થાકીય હેતુસર અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે તેમણે ચારુતર વિદ્યામંડળ સંસ્થાની ઓફિસમાં ‘ગુજરાત ટાઇમ્સ’ને ખાસ મુલાકાત આપી હતી, જેમાં સંસ્થાના વિકાસ માટે, ભાવિ આયોજન વિશે, અમેરિકા-યુકે સહિત વિદેશમાંથી એનઆરઆઇ દાન એકઠું કરવા સહિતની વાતો કરી હતી.
આટલી મોટી સંસ્થાના ચેરમેન તરીકે ચૂંટાયા પછી આપ કેવી લાગણી અનુભવો છો?
મતદારોએ આટલી મોટી જવાબદારી સોંપી છે એટલે આ જવાબદારી સ્વીકારવાનું અને સંસ્થાની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અત્યારે સંસ્થાની સેવા કરવાની તક મળી છે તે વાતનો આનંદ છે. આ જવાબદારી આનંદ સાથે સ્વીકારી છે.
ચૂંટાયા પછી તમે કઈ બાબતોને અગ્રિમતા આપશો?
અમે રિસર્ચ, ડેવલપમેન્ટ, એવિયેશન ક્ષેત્રે આગળ વધવા માગીએ છીએ. એડીઆઇટી એન્જિનિયરિંગ કોલેજ જેવી વિવિધ સંસ્થાઓ સ્થાપવી છે. જે સંસ્થાઓ કાર્યરત છે તેને ભવિષ્યમાં વિકસાવવાનો ઉદ્દેશ છે. અમે વિવિધ કાર્યોને આગળ ધપાવીશું.
મંડળની શૈક્ષણિક સંસ્થાઓના માળખામાં કે સંચાલનમાં ફેરફાર થવાની શક્યતા છે?
જરૂર પડશે તો અમે ચર્ચાવિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈશું.
અમેરિકા સહિતના વિવિધ દેશોમાંથી એનઆરઆઇ ડોનેશન આવતું રહે છે ત્યારે ભવિષ્યમાં નવાં નવાં ડોનેશનો લાવવા માટે કયાં પગલાં લેશો?
ભૂતકાળમાં આ સંસ્થાને વિવિધ એનઆરઆઇ દાતાઓ દ્વારા માતબર દાન આપવામાં આવ્યાં છે. ભવિષ્યમાં પણ આ સંસ્થાને માતબર દાન પ્રાપ્ત થતું રહે તે માટેના પ્રયાસો જારી રહેશે. વધુ દાન મળે તે માટે પ્રયત્નશીલ રહીશું. અમારા પરિવાર તરફથી ચારુતર વિદ્યામંડળને તાજેતરમાં જ રૂ. એક કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું છે. સંસ્થાના વિવિધ પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખીને પ્રોજેકટ પ્રમાણે દાન ઉઘરાવીશું.
સીવીએમના ભાવિ વિકાસ માટે આપનું શું સપનું છે? હાલમાં વિદ્યાનગર અને ન્યુ વિદ્યાનગરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છે, નવી નવી સંસ્થાઓ માટેની જમીન કેવી રીતે સંપાદન કરશો?
સંસ્થાને મજબૂત કરવા માટે નવા પ્રોજેકટો શરૂ કરવામાં આવશે એ માટે ચર્ચાવિચારણા થશે. તાત્કાલિક ધોરણે જ્યાં જગ્યા ઉપલબ્ધ હશે ત્યાં પ્રોજેક્ટ શરૂ કરીશું. ભવિષ્યમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન છે. આ ઉપરાંત નવી નવી કોલેજો શરૂ કરવાનો પ્રયાસ રહેશે.
આપની સફળતાનું રહસ્ય શું છે?
આત્મવિશ્વાસ, દઢ મનોબળ અને પ્રામાણિકતાથી કાર્ય કરવું. હકારાત્મક અભિગમ અપનાવવો અનેે દરેકને સાથે રાખીને કામ કરવું. મને મારા પરિવારનો સાથસહકાર સતત મળે છે.

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.