ચારુતર આરોગ્ય મંડળનો સ્થાપના દિનઃ 100 બેડનું ક્રિટિકલ કેર સેન્ટર સ્થપાશે


ચારુતર આરોગ્ય મંડળના 46મા સ્થાપના દિવસની ઉજવણી 27મી જુલાઈના રોજ કરવામાં આવી. સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમની શરૂઆત સંસ્થાનાં અધ્યક્ષ ડો. અમૃતા પટેલ, માનદમંત્રી જાગૃત ભટ્ટ, ગવર્નિંગ બોડીના ચૂંટાયેલા સભ્યો અતુલ પટેલ, વિક્રમ પટેલ અને શાંતિભાઈ પટેલે દીપપ્રાગટ્યથી કરી હતી. (જમણે) સંસ્થામાં 25 વર્ષ પૂર્ણ કરેલા 15 કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને અને અંગવસ્ત્રમ્ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. (બન્ને ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

કરમસદઃ ચારુતર આરોગ્ય મંડળના 46મા સ્થાપના દિવસની ઉજવણી 27મી જુલાઈના રોજ કરવામાં આવી. વર્ષ 1972માં સંસ્થાની સ્થાપના સ્વ. ડો. એચ. એમ. પટેલે સમાજના દરેક વર્ગના લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર પોસાય તેવા દરે મળી રહે તે સંકલ્પ સાથે કરી હતી. આજે પણ સંસ્થા અનેક પડકારો વચ્ચે પણ સમયાંતરે નવી સેવાઓ, નવાં ઉપકરણો અને નવી સુવિધાઓનો ઉમેરો કરીને દર્દીઓને એકસમાન ધોરણે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી રહી છે. સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમની શરૂઆત સંસ્થાનાં અધ્યક્ષ ડો. અમૃતા પટેલ, માનદમંત્રી જાગૃત ભટ્ટ, ગવર્નિંગ બોડીના ચૂંટાયેલા સભ્યો અતુલ પટેલ, વિક્રમ પટેલ અને શાંતિભાઈ પટેલે દીપપ્રાગટ્યથી કરી હતી.
કાર્યક્રમને સંબોધતાં સંસ્થાના સીઈઓ સંદીપ દેસાઈએ જણાવ્યું કે સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. ટૂંક સમયમાં જ 100 પથારી ધરાવતું ક્રિટિકલ કેર સેન્ટર કાર્યરત થશે, જે રાજ્યનું સૌથી વધુ પથારી ધરાવતું ક્રિટિકલ કેર સેન્ટર તરીકે ઊભરી આવશે. મંડળની સાહસિક પહેલ – સમાજના જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓના લાભાર્થે હોસ્પિટલની કુલ 800 પથારીમાંથી 450 પથારીમાં આશીર્વાદ વોર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર શરૂ કરવામાં આવી, જેના પરિણામરૂપ ગત વર્ષે આગલા વર્ષ કરતાં વધુ 3000 કુટુંબોએ આશીર્વાદ વોર્ડ હેઠળ સારવારનો લાભ લીધો. આમ મંડળની તમામ રાહતદરની યોજના દ્વારા હોસ્પિટલની 25 ટકા આવક એટલે કે 21 કરોડ રૂપિયા દર્દીઓને રાહત આપવા પાછળ ખર્ચ કરવામાં આવ્યા.
સંસ્થાના માનદ મંત્રી જાગૃત ભટ્ટે જણાવ્યું કે, આ વર્ષે સંસ્થાએ સાહસિક પગલું ભરીને સ્થાપના વર્ષ પછી સૌપ્રથમ વખત બંધારણમાં પણ બદલાવ લાવ્યો અને 18 સભ્યોની ગવર્નિંગ બોડી બનાવવામાં આવી, જેથી સંસ્થાના વહીવટમાં સરળતા રહે. સંસ્થાનું સ્થાપના વર્ષ એટલે કે સંસ્થાના કર્મચારીઓને પોતાની આંતરિક ખૂબીઓ રજૂ કરવાનો પ્રસંગ. સંસ્થાના કર્મચારીઓ, તેમના કુટુંબીજનો તથા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈને સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ તથા ગીતની પ્રસ્તુતિ કરી આનંદ ઉઠાવ્યો.
સંસ્થાના સર્જનમાં તથા સંસ્થાના વૃદ્વિમાં અનેક લોકોનો ફાળો છે, જેને કારણે આજે સંસ્થાએ વધુ વાઇબ્રન્ટ બનીને નામના મેળવી છે. સંસ્થામાં 25 વર્ષ પૂર્ણ કરેલા 15 કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને અને અંગવસ્ત્રમ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત સંસ્થાના દરેક કાર્યમાં તથા દર્દીઓની સારવારમાં મદદરૂપ થતાં દાતાઓને તથા હોસ્પિટલમાં તજ્જ્ઞ સારવાર માટે દર્દીઓને અનેક સેન્ટર પરથી મોકલતા ડોક્ટર્સ અને વિવિધ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે સંસ્થાના એલુમિની ડોક્ટર્સને સન્માનિત કરાયા. આ પ્રસંગે સંસ્થાની પ્રવૃતિઓ અને વૃદ્વિ વિશે પોતાના અનુભવની ગાથા રજૂ કરતા સંસ્થાના ડોક્ટર્સ, કર્મચારીઓ, દાતાઓ તથા સારવાર લીધેલા દર્દીઓના વિડિયો રજૂ કરવામાં આવ્યા.