ચારધામ યાત્રામાં ભક્તોની સંખ્યા 50 લાખને પાર

દહેરાદૂનઃ હિંદુઓની પવિત્ર ચારધામ યાત્રાએ છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષે સૌથી વધુ 46 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબની મુલાકાત લીધી હતી, જ્યારે આ વર્ષે 2023માં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા છે. ચારધામના કપાટ બંધ થવામાં હજુ લગભગ 1 મહિનો બાકી છે, તેથી ભક્તોની સંખ્યામાં હજુ વધારો થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષએ ઉત્તરાખંડની ચારધામ યાત્રાના સફળતાપૂર્વક સંચાલનમાં ઉત્તરાખંડ પોલીસે મહત્વની ભૂમિકા નિભાવી છે. હરિદ્વારથી સમગ્ર ચાર ધામ યાત્રા રૂટના દરેક સ્તરે પોલીસે શ્રદ્ધાળુઓની યાત્રાને સુખદ અને સરળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા છે. ચારધામ યાત્રાની સફળતા અને પોલીસ પ્રશાસનની તત્પરતા પર ખુશી વ્યક્ત કરતાં ઉત્તરાખંડના ડીજીપીએ પણ પોલીસ દળને શાબાશી આપી તેમનું મનોબળ વધાર્યું હતું. ચારધામ યાત્રાએ અગાઉના વર્ષોનો રેકોર્ડ તોડ્યો હોવાથી પોલીસ વિભાગ ઉપરાંત રાજ્ય સરકારમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. નવરાત્રીના શુભ અવસર પર કેદારનાથ ધામમાં હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે અને દર્શને આવતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ચારધામ એ હિંદુઓનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. જીવનમાં એક વાર તો આ પવિત્ર ધામની મુલાકાત લેવાનું દરેક હિંદુઓનું સપનું હોય છે.