ચાડિયાઓની એક કોમ હતી એક જમાનામાં

એમ કહેવાય છે કે અમદાવાદમાં સૂબાના સમયમાં ચાડિયાનું ટોળું થયું હતું. એ ચાડિયા ગામના દરેકની દરેક જાતની ચાડી ખાતા. કોઈના ઘરની ગમે એવી વાત કરતા. કોઈની પૂંજી કેટલી છે અને ફલાણો ઢીંકણો ધનવાન છે એમ સૂબાને કહેતા. સૂબાને એટલું જ જોઈતું હતું, કારણ કે કોઈ પણ પ્રકારે દાનપુણ્ય કર્યા વગર ઇજારાના રૂપિયા ખાઈ જતા લોકો પાસેથી રૂપિયા પડાવવાની એની દાનત હતી. એટલે કોઈ પૈસાદાર છે એવી ખરી કે ખોટી ખબર પડતાં એ આસામીને બોલાવી અમુક રકમની માગણી કરે અને તે ન આપે તો એની છાતીએ પથ્થર મૂકે અગર અંધારી ઓરડીમાં પૂરી દે. આવા ચાડિયાનું ટોળું એટલું વધી ગયું હતું કે એક વખતે બાર મણ દૂધનો દૂધપાક એ લોકો ખાઈ ગયા હતા. આ ચાડિયા મહાજનમાં એક ઓતિયો (ઉત્તમચંદ) નામે ચાડિયો સૂબાની મૂછનો વાળ હતો.

વાંચતાં વાંચતાં મરકી જવાય છે. આ હાસ્યકથાનો ફકરો નથી. ઇતિહાસનો ફકરો છે, તો પણ એક વાચકમિત્ર, નામે અશોક જોશી પોતે ક્યાંકથી લાવેલા તે ગ્રંથ ગુજરાતનું પાટનગર અમદાવાદ લગભગ બળજબરીથી કહું તો બળજબરીથી વાંચવા મૂકી ગયા. સવા આઠસો પાનાંનો આ ગ્રંથ આખો વાંચી શકાય તેવી કોઈ સ્થિતિ સંજોગ નથી. થોડો સમય કાઢ્યો તે એમાં સુરેશ દલાલે મોકલેલા ઇમેજ પબ્લિકેશનના પીટર બ્રુકના મહાભારત (અનુવાદઃ ઉત્પલ ભાયાણી) પુસ્તકે ધાડ પાડી, પણ એ પ્રલોભક પુસ્તકને તું તો ઘરનું છે, ઘરમાં જ રહેવાનું છે. તારો વારો પછી, કહીને થોડા સમયમાં થોભી જવા સમજાવી લીધું ને પેલા મહેમાન પુસ્તકને હાથમાં લીધું. પુસ્તકના લેખક રત્નમણિરાવ ભીમરાવ જોત! (જોતે ખોટું લખાય છે) હતા તો વેપારી, પણ સંસ્કૃતના વિદ્વાન અને ઇતિહાસજ્ઞ હતા. 1955માં અવસાન પામ્યા. તેમના વિશે ક્યારેક અલગથી લખવાની ઈચ્છા છે. તેમના પુત્ર સ્વ. તારક મહેતાના બનેવી દીપક જોત, તે મારા મિત્ર હતા. આ પુસ્તક વિશે અનેક વાર વાતો થયેલી. તેમના બહોળા પરિવાર સમુદાય વચ્ચે આ પુસ્તકની હવે એક જ નકલ બચી છે. બાકી હવે ક્યાંય આ પુસ્તક જોવા મળતું નથી. 1929માં ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદે પોતાના પચીસમા મહોત્સવ પ્રસંગે એ છપાવેલું અને છ રૂપિયાની કિંમતે વેચેલું. પ્રવીણ પુસ્તક ભંડાર જેવા આવા દુર્લભ ગ્રંથો ફરી છાપનાર તરીકે પંકાયેલા પ્રકાશક તૈયાર થાય ત્યારે થશે, પણ હાથમાં આવ્યું છે તો જરા જોઈ તો જવું જ એમ માનીને પાનાં ફેરવ્યાં તો મનુષ્યસ્વભાવની એ રંધાય ત્યાં સુધી એમાંથી રાંધી લેવાની વૃત્તિ જોર કરી ગઈ અને બીજી સામગ્રી ઉપરાંત ઉપરનું ચાડિયાવાળું લખાણ એકદમ આકર્ષી ગયું. નાનપણમાં ચાડી ફૂંકનાર કોઈ ભેરુભાઈબંધ નીકળે તો એનો ભારે ઉપહાસ કરતા અને એનું સ્થાન નજરમાંથી ચાર તસુ નીચે ઊતરી જતું. ચાડિયો (કે ચાડિયણ બાલસખી) નજીક ફરકે ત્યારે મારી પાસે કેટલી કોડીઓ છે કે કેટલા આંબલીના કચૂકા છે તેવી ગોપનીય વાતોની ચર્ચા બંધ થઈ જતી. એ બધું સ્મૃતિને તળિયે જઈને કટાવા માંડ્યું હતું. ત્યાં જ ઇતિહાસમાં દટાઈ ગયેલા (પણ હજી પણ એક યા બીજા સ્વરૂપે શેરી કે શહેર સ્તરે, રાજ્ય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જીવતા રહેલા) એ મહાપુરુષોના સંપ્રદાય વિશે ત્રણ ચાર પાનાં વાંચવા મળ્યાં અને મનોમન મરકી જવાયું.

આજથી બસોઆઠ વર્ષ પહેલાંના કાળમાં (1810)માં પણ ગાયકવાડ સરકારના સૂબા તરીકે આવેલા રાઘુ રામચંદ્ર નામના સૂબાના અમલમાં જાહેરમાં ચાડિયા તરીકે માન્ય એવા મહાજનો (રત્નમણિરાવે આ શબ્દ વાપર્યો છે) એટલી બહોળી સંખ્યામાં હતા કે તેમને જમાડવા માટે બાર મણ દૂધનો દૂધપાક બનાવડાવવો પડતો. રત્નમણિરાવ પોતે પોતાના અગાઉના ઇતિહાસકાર મગનલાલ વખતચંદના લખેલા ઇતિહાસના આધારે લખે છે કે આવી મિજબાની લાલા વજેસંગની વાડીમાં થતી હતી. આગળ લખે છે કે… ચાડિયા લોકો શહેરની સ્ત્રીઓની ખોટી ચાડી ખાતા અને એવી સ્ત્રીઓને સરકારમાં પકડી મગાવી તને સાડીચોળી અપાવીને કાઢી મુકાવીશું એમ લાલચ આપી કે પછી જોરજુલમથી એના સંબંધમાં આવેલા ખરાખોટા પુરુષોનાં નામ લખી લેતા અને પછી એ નામવાળા પુરુષોને બોલાવી દંડ કરાવતા. આટલું લખ્યા પછી એક ચોંકાવનારી વાત ઇતિહાસકાર એ લખે છે કે એ દંડમાં સરકાર સાથે ચાડિયાનો ભાગ પણ રહેતો અને બીજા પૈસા પણ ખાઈ જતા.
અત્યારે કસ્ટમ ડિપાર્ટમેન્ટ બાતમીદારને પકડાવેલા માલ ઉપર અમુક ટકા કમિશન આપે છે અને એથી કેટલાક જાણભેદુઓએ બાતમીદાર (ઇન્ફોર્મર) તરીકેનો વ્યવસાય સ્વીકારીને લાખોની કમાણી કરી લીધી છે એ વાત સાથે ઉપરની બસોઆઠ વર્ષ પહેલાંની વાતનો કંઈક તાળો બેસે છે.

પણ અત્યારે જેમ એવા બાતમીદારોની ગેન્ગસ્ટરો બૂરી વલે કરે છે અને ક્યારેક જાહેરમાં ગોળીઓનો વરસાદ વરસાવી એમનાં ઢીમ ઢાળી દે છે, એવું તો રોજ છાપાંઓમાં વાંચીએ છીએ, પણ નિર્દોષ લોકોની ચાડી ફૂંકીને એમાંથી પૈસા કાંતી લેનાર એ જમાનાના ચાડિયાઓની કેવી વલે થતી?

એનો એક દાખલો ઇતિહાસને પાને છે. રત્નમણિરાવે જેને સૂબાની મૂછના વાળ તરીકે એટલે કે પરમપ્રિય ચાડિયા તરીકે ઓળખાવ્યો એ ઓતિયા (ઉત્તમચંદ) નામના ચાડિયાની વાત વિગતે આલેખી છે. એનો નમૂનોઃ
એક વખત ઓતિયાએ એવી ચાડી ખાધી કે એક ભાટની સદુબા નામની સ્ત્રી અમુકની સાથે ખાય છે (સંબંધમાં છે). આ સાંભળીને સૂબાએ સદુબાને પકડવા માણસો મોકલ્યા. સદુબાએ આ વાત સાંભળીને પોતાના પતિને કહ્યું કે હું નિર્દોષ છું અને મારી બેઆબરૂ થશે માટે મારું માથું કાપી નાખો. પતિએ ના પાડી એટલે એ સ્ત્રી ભારે હઠ લઈને બેઠી. તેથી ભાટે એનું માથું કાપી નાખ્યું. આ સાંભળીને ભાટ લોકો ઉશ્કેરાયા. એમને લાગ્યું કે આજે આનો વારો તો કાલે આપણો, એમ વિચાર કરીને સદુબાનું શબ ઝોળીમાં ઘાલીને ભાટનું ટોળું કારંજના કોટવાલી ચબૂતરે ગયું. એક દિવસ અને એક રાત ત્યાં લાંઘ્યું (એટલે કે ઉપવાસ પર ઊતર્યું). ઓતિયાએ આ વાત સાંભળી ત્યારે એ ભદ્રમાં સૂબાના ઘરમાં ભરાયો અને બીજા ચાડિયા બીજે સંતાઈ ગયા. ભાટોએ સૂબાને કહેવડાવ્યું કે સદુબાની વાત સાબિત કરો અને ન થાય તો ઓતિયાને સોંપી દો. એમ નહિ કરો તો અમે બધા મરીશું અને વાત ભારે થઈ પડશે. આ રીતે એક દિવસ અને એક રાત ભદ્ર આગળ રાહ જોઈને બેઠા. ત્રીજે દિવસે ઘણા દિવસની કકળેલી પ્રજા ત્યાં ભેગી થઈ ગઈ અને વધારે ઉશ્કેરાઈ.

એવામાં ગોંધિયો (ગોરધન) નામનો બીજો એક ચાડિયો જાતે વીસા નાગર સુરદશાની પોળનો રહેનાર ત્યાં થઈ જતો હતો. કોઈએ બૂમ મારી કે ઓ ચાડિયો જાય. એથી ચિડાઈને એણે ગાળ ભાંડી. એટલે રૈયત એના ઉપર તૂટી પડી. ચાડિયો નાઠો અને બચવાને પાનકોરને નાકે કૂવામાં પડ્યો. લોકોએ એમાંથી કાઢીને એને મારી નાખ્યો અને બજાર વચ્ચે એની લાશ નાખી. એ પછી લોકો ગામમાં (બીજા) ચાડિયાઓને ખોળવા નીકળ્યા. એ સાંભળીને એક બીજો ગોધિયા નામનો ચાડિયો કોઈ પાસે પોતાના ઘરને તાળું મરાવી ઘરમાં ભરાઈ રહ્યો. એનું ઘર લાલભાઈની પોળમાં હતું. લોકોએ તાળું દેખી પાછા વળવા માંડ્યું, પણ એ જ વખતે ચાડિયાએ જાળીમાંથી જોયું અને કોઈ દેખી ગયું. આ વાતની લોકોને ખબર પડતાં ઘર ફોડીને ગોધિયાને બહાર કાઢ્યો અને મારીને બજારમાં નાખ્યો, પણ એ મરણ નહોતો પામ્યો. મડદાની પેઠે પડી રહ્યો હતો. એમ ને એમ એ પડી રહ્યો હોત તો એ બચી જાત, પણ જરા હાલ્યો એટલે ફકીરે ડંગોરા મારીને એને મારી નાખ્યો.
પણ પેલા આ બધાના મૂળમાં રહેલા ઓતિયા ચાડિયાનું શું થયું?

રત્નમણિરાવ લખે છેઃ હવે રૈયત અને ભાટ ભદ્રમાં (કિલ્લામાં) પેઠાં અને ઓતિયા માટે માગણી કરી. આખા શહેરની પ્રજાને ઉશ્કેરાયેલી દેખી સૂબો મામલો પામી ગયો અને ગમે તેમ કરો, પણ મારી નાખવો નહિ એ શરતે લોકોને ઓતિયો સોંપ્યો. એટલે લોકો એક ગધેડું લાવ્યા અને ઓતિયાનું માથું બોડાવી, મેશ લગાડી ખાસડાંનો હાર પહેરાવી અવળે ગધેડે બેસાડી બાર દરવાજા ફેરવવા લઈ ગયા. રા. મગનલાલ વખતચંદ મશ્કરીમાં લખે છેઃ ઓતમશાની જાનમાં તમામ રૈયત સાજનમાં આવી હતી. સરકારના સિપાઈઓએ ઓતમશાની ઉપર ઢાલોના છડા ધર્યા હતા ને અઢારે વરણ ઇટાળા ને ઢેખાળાના ફૂલથી વધાવતી હતી. હેવી (એવી) શોભા સહિત ઊતર્યો ઓતમશાનો વરઘોડો કાળુપુર દરવાજા બહાર. જે વખતે ઓતિયો ગધેડેથી ઊતર્યો એટલે તમામ રૈયત હોહોહો કરીને ઈંટો મારવા માંડી ને સરકારના સિપાઈઓએ વાર્યા, પણ લાખો માણસના મ્હો (મોં) આગળ એ સિપાઈઓનો શો ભાર! લોકે દાદા હરિરની વાવ સુધી જતાં ઈંટોથી અધમૂઓ કર્યો અને એ જમીન પર પડ્યો એટલે ઈંટો મારીને મારી નાખ્યો અને દાટી દીધો.

એક સતીચરિત્ર સ્ત્રીના ચારિત્ર્ય પર આળ મૂકનાર અને પતિના હાથે એની હત્યા કરાવવામાં કારણભૂત એવા ઓતિયા ચાડિયાના એ વખતની પ્રજાએ આ હાલ કર્યા. જ્યારે એ સ્ત્રી સદુબાની બાબતમાં ફાર્બસ સભામાં એક હસ્તલેખિત નોંધ અને લાવણી છ, જે અક્ષરશઃ નીચે મુજબ છેઃ સંવત 1872ના વરસે ભાદરવા વદી 4ને દિને બારોટ હરિસિંગને ઘરે સદુબા આવી અને તે દિને દેવલોક પામ્યાં! સંવત 1873ના વરસે અષાઢ સુદી 2 ને રોજ સદુબાની દેઅડી (દેવડી-દેરી) કરી છે ને તેના સામો તુળસીક્યારો બનાવ્યો છે. આ સદુબા સતી તરીકે તરીકે પૂજાવા લાગી અને શાહપુરમાં ભાટવાડામાં એની દેરડી હાલ પણ છે. એની બાધા-આખડી ચાલતી હતી.
ઇતિહાસ માત્ર સમયની જ નહિ, મનુષ્ય સ્વભાવની પણ આરસી છે, જે દરેક કાળમાં, દરેક સ્થળમાં અન્ય સમાજમાં એનાં લક્ષણોને વ્યક્ત કરી આપે છે.
માહિતી માટે સામાન્ય માણસ ઇતિહાસ વાંચે, જ્યારે રાજ્યકર્તા ઇતિહાસ વાંચે તો એ એના માટે ઉપદેશગ્રંથનું કામ કરે!

લેખક સાહિત્યકાર અને પત્રકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here