ચાઇનીઝ કંપની હુવાવેનાં ઉપકરણો દૂર કરવા બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ વોડાફોનની જાહેરાત

 

લંડનઃ વિવાદાસ્પદ ચાઇનીઝ ગુ્રપ હુવાવેનાં ઉપકરણોને ફાઇવ-જી યુરોપિયન એક્ટિવિટીમાંથી બાકાત રાખવા માટે અમને આગામી પાંચ વર્ષમાં ૨૨.૧ કરોડ ડોલરનો ખર્ચ કરવો પડશે, એમ બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ વોડાફોનના સીઇઓ નીક રિડે એક નિવેદનમાં જણાવ્યું છે કે યુરોપિયન યુનિયનની ભલામણો અને બ્રિટન સરકારના નિર્ણયને પગલે અમે હુવાવે ઉપકરણોને દૂર કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે હુવાવેનાં ઉપકરણોને હટાવવામાં પાંચ વર્ષનો સમય લાગશે અને અમને ૨૨.૧ કરોડ ડોલરનો ખર્ચ થશે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ બ્રિટિશ સરકારે ફાઇવ-જી નેટવર્કમાંથી હુવાવેનાં ઉપકરણોને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. 

આ અગાઉ બ્રસેલ્સે પણ જણાવ્યું હતું કે તે યુરોપિયન યુનિયનમાં ફાઇવ-જીમાં હુવાવેને મર્યાદિત ભૂમિકા જ આપશે. બ્રસેલ્સની આ જાહેરાતના થોડાક સમય પછી બ્રિટને પણ હુવાવેનાં ઉપકરણો દૂર કરવાનો નિર્ણય લીધો હતો. વોડાફોનના નીક રિડે વધુમાં જણાવ્યું હતું કે અમારા કોર યુરોપિયન ઇન્ફ્રાસ્ટ્રકચરમાં હુવાવે ટેક્નોલોજીનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. જોકે તેમણે ચેતવણી આપી હતી કે હુવાવેનાં ઉપકરણો સંપૂર્ણપણે દૂર કરવા માટે પાંચ વર્ષનો સમય લાગશે. બ્રિટિશ સરકારે હુવાવેનો મહત્તમ માર્કેટ શેર ૩૫ ટકા સુધી મર્યાદિત રાખવાનો પણ નિર્ણય લીધો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ વોશિંગ્ટને પણ અમેરિકામાં ફાઇવ-જી નેટવર્ક માટે હુવાવે પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાનો આરોપ છે કે હુવાવે કંપની સંપૂર્ણપણે ચીનની સરકારના અંકુશમાં છે અને તે આ કંપનીનાં ઉપકરણો દ્વારા જાસૂસી કરી શકે છે.