ચાંદની

(પ્રકરણ – 1)
શબનમ કા યે કતરા હૈ…
અનાયાસે જ હોઠે ચડી આવેલું લતાજીનું ગીત ચાંદની ગણગણી રહી.
ના, 48 વરસની જિંદગી કંઈ શબનમના કતરા સમી તો નહોતી જ…
જુહુના આલીશાન પેન્ટહાઉસની વિશાળ ટેરેસના હીંચકે બેસી ડૂબતી સંધ્યા નિહાળતી બોલીવૂડની એક સમયની સુપરસ્ટાર એક્ટ્રેસ ગતખંડમાં ડૂબકી મારી ગઈ.
‘ભણવાથી કોઈનો ઉદ્ધાર નથી થયો… તું મારી સાથે ફિલ્મ સ્ટુડિયો આવવા માંડ.’
મા કહેતી એ બેબી મલારમનમને બહુ રુચતું નહિ. છ વરસની બાળકીને શાળામાં મજા આવતી. એનો ગ્રાસ્પિંગ પાવર અદ્ભુત હતો. કક્કો-બારાખડી હોય કે ગણિતના ઘડિયા, ફટાફટ શીખી લેતી. ટીચર્સ એનાથી ખુશ હતા.
પરંતુ ઘ2ની ગરીબી દુશ્મન નીકળી. દારૂડિયો બાપ બેકાર, તમિળ ફિલ્મોમાં એક્સ્ટ્રાનું કામ કરતી મા શુભલક્ષ્મીની આવક નિશ્ચિત નહિ, છોગામાં મલારમનમથી નાની બે દીકરીઓ પણ ખરી. સંજોગો જ એવા હતા કે માએ એને છ વરસની ઉંમરે કામમાં જોતરાવી દેવી પડી…
બેબી મલારમનમને શાળા છોડવાનું પહેલાં તો આકરું લાગ્યું, પણ પછી સ્ટુડિયોમાં પણ એને મજા આવવા માંડી. મોટા ભાગે મા સાથે અવનવા કોસ્ચ્યુમ્સમાં ટોળામાં ઊભા રહેવાનું હોય. દિગ્દર્શકનો મદદનીશ દશ્ય સમજાવી જાય એ બહુ ધ્યાનથી સાંભળે. લાઇટ-કેમેરા-એક્શનની પોકારે ભીતર ક્યાંક ઝણઝણાટી પ્રસરી જતી. કડકડાટ ડાયલોગ બોલી જતાં હીરો-હિરોઇનને એ અચંબાથી નિહાળી રહેતી. નવરાશના સમયે જે-તે દહાડે સાંભળેલા ડાયલોગ કે ગીતની નકલ કરતી રહેતી.
આ નકલ જ ભાગ્યનાં દ્વાર ખોલવામાં નિમિત્ત બની. સેટના નિરીક્ષણ માટે નીકળેલા તમિળ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના મહાન નિર્માતા-નિર્દેશક ભાગ્યમૂર્તિની નજર ઘાઘરો-ચોળી પહેરી ચપચપ જયાસુધાના ડાયલોગ બોલતી બાળકી પર પડી.
એ સમયે એમના મનમાં જોડિયા બહેનોની કથા પરથી ફિલ્મ બનાવવાનો વિચાર ઘૂમરાતો હતો. સરખી દેખાતી બે બાળકીઓ એમનાં અલગ રહેતાં મા-બાપને એક કરવાનું કામ કરે એ મતલબનો પ્લોટ પોતે અપ્રૂવ કરી ચૂક્યા હતા, અત્યારે એ બાળકીઓ એમને મલારમનમમાં દેખાઈ!
મોભો છોડી તેઓ એની પાસે ગયા, બાળકીને તેડી, ‘મારી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરીશ?’
બેબીએ ડોક ધુણાવી, શુભલક્ષ્મીનાં અશ્રુ વહી રહ્યાં, ચિત્તમાં પડઘો ઊઠ્યો – હાશ, હવે અમારા દિવસો બદલાવાના!
અને ખરેખર મલારમનમની આઠની ઉંમરે રિલીઝ થયેલી ફિલ્મે રેકોર્ડબ્રેક કમાણીનો વિક્રમ સર્જ્યો. એક શરમાળ અને બીજી તોફાની બાળકી એમ બે વિરુદ્ધ પ્રકારના કિરદાર એક જ ફિલ્મમાં બખૂબી નિભાવી બેબી ઘરઘરની લાડકી બની ગઈ. હવે એ તમિળ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ચાઇલ્ડ સ્ટાર હતી. ઝૂંપડામાંથી પરિવાર ફ્્લેટમાં પહોંચ્યો. શુભલક્ષ્મીએ હવે કામ પર જવાની જરૂર ન રહી, બલકે, દીકરીના કોન્ટ્રાક્ટ્્સનાં કામકાજ એ સંભાળતી. નાની બહેનો ‘દીદી દીદી’ કરતી; એકમાત્ર પિતા અરુણકુમાર એટલા ખુશ ન લાગતા મલારમનમને.
‘જે કાદવમાં તારી મા ડૂબી એમાં તું કમળ બની ખીલવા માગે છે, બેટા, પણ છેવટે તો કમળે એ જ કાદવમાં મૂરઝાઈ જવાનું હોય છે, દરેકના ભાગ્યમાં ઈશ્વરના ચરણે અર્પણ થવાનું નથી લખાયું હોતું.’
એમની વાણી ન સમજાતી, પણ એટલો અણસાર હવે આવતો કે પિતાના દારૂડિયા બનવા પાછળ કશુંક દર્દ છે… એન્જિનિયરના બેકારપણા પાછળ કદાચ કોઈ કહાણી છે!
‘મારાં-તારી મમ્મીનાં પ્રેમલગ્ન હતાં. તારી મમ્મી કંઈ ઓછી રૂપાળી છે! ઠીક ઠીક સારી કહી શકાય એવી મારી નોકરી હતી, પાકું ઘર હતું… બે જણના સુખી સંસારને એક જ ગ્રહણ નડ્યું – તારી મમ્મીને ફિલ્મનાયિકા બનવાનો અભરખો! તારા જન્મ પછી પણ, શુભલક્ષ્મીના હિરોઇન બનવા માટેનાં વલખાં ચાલુ રહ્યાં. લોભિયા હોય ત્યાં ધુતારા પણ હોવાના જ, એમાં શુભાએ જાણીતા બેનરની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મેળવવાના પ્રલોભનમાં આપણું બધું લૂંટાવી દીધુ… એ નાલેશી મને બેકાર-દારૂડિયો બનાવી ગઈ. તારી માએ એક્સ્ટ્રા તરીકે કામ શરૂ કરવું પડ્યું.’
દસની થયેલી બાળકીની સમજશક્તિ વિસ્તરી હતી.
‘હું તો એવી અવસ્થામાં જ નથી કે કંઈ કહી-કરી શકું… પણ તું યાદ રાખજે કે, તું હવે તારી માની સ્વપ્નપૂર્તિનો રસ્તો બની ગઈ છે… ચેતેલી રહેજે.’
‘આમાં ચેતવા જેવું શું છે, પપ્પા?’ બાળકી ખભા ઉલાળતી, ‘મને તો લાગે છે સિનેમા મારા લોહીમાં છે. કદાચ માના ધાવણમાંથી જ આવ્યું હશે. મને ફિલ્મો કરવાની મજા આવે છે, પપ્પા. ચિંતા ન કરો, હું મમ્મીના દબાણમાં નથી.’
ત્યારે હળવો નિઃશ્વાસ નાખી અરુણકુમારે વાતનો વીંટો વાળી દીધેલો.
’શું કહેતો હતો તારો બાપ?’ ચાઇલ્ડ સ્ટાર બન્યા પછી મલારમનમને એવું લાગતું જાણે માની હજાર આંખો છે. પોતે ક્યાં છે – શું કરે છે – માથી કશું અજાણ્્યું નથી રહેતું! જોકે પિતા પ્રત્યેનો માનો તુચ્છકાર એને હવે સ્પર્શતો નહિ. માનાં સ્વપ્નો માટે પિતાએ ઓછું નથી વેઠ્યું. કદાચ માનો અપરાધભાવ જ એને પપ્પા પ્રત્યે આળી થવા પ્રેરતો હશે… ખેર, ભૂતકાળમાં જે બન્યું એ બન્યું. મા એની નવી ભૂમિકાથી ખુશ છે, નાની બહેનો વિજયાવતી અને સુંદરા સારામાં સારી સ્કૂલમાં ભણતર મેળવે છે. પપ્પાને પણ ખુશ રહેવા સમજાવી મલારમનમ સુખનો અહેસાસ માણતી.
જોકે સુખ ક્યાં કદી કાયમ રહ્યું છે? છેવટે એ તબક્કો પણ આવી પહોંચ્યો…
‘હવે તમારી દીકરી 13ની થઈ… બાળકલાકાર તરીકે ચાલે નહિ અને હિરોઇનની ભૂમિકા માટે નાની પડે…’ શુભલક્ષ્મીને ધીરેધીરે ઇન્ડસ્ટ્રીમાંથી આવા ફીડબેક મળવા માંડ્યા. હવે પહેલાં જેવી ડિમાન્ડ નહોતી. ઘરે બેસવાનું મલારમનમને અડવું લાગતું.
ત્યાં એક રાત્રે મા-પિતાને ઝઘડતાં સાંભળી એની નીંદર ઊડી ગઈ. એનો રૂમ અલાયદો હતો. ચુપકેથી ઊઠી એ હોલમાં આવી, દબાતે પગલે મા-પિતાના કમરા આગળ ગઈ. પિતા પીતા, પણ એથી ઝઘડા જેવી ઓછી હરકત કદી કરી નથી. આજે શું બન્યું?
‘રાહ તો મારેય જોવી હતી કે દીકરી એની મેળે મોટી થાય, પછી હિન્દી ફિલ્મોમાં જ ઝબકાવી છે… ’ મા.
તમિળના પ્રાદેશિકપણા સામે હિન્દીનો વ્યાપ વિશ્વભરના ભારતીયોમાં પ્રવર્તે એનો અણસાર હતો મલારમનમને.
‘પણ પછી સમજાયું કે યૌવન બેસવાનો ચાર-છ વરસનો ગાળો બહુ મોટો ગણાય, લોકો ક્યાંય બેબી મલરમનમને ભૂલી જશે – એવું ન થાય એટલે અમુક દવાથી દીકરીને વહેલી જુવાન બનાવી દેવી છે મારે…. દીકરીના હિતનું જ વિચારું છું હું.’
‘નહિ તું તારા સ્વાર્થનું વિચારે છે શુભા-’ અરુણકુમાર કાળઝાળ હતા, ‘સારું થયું તારી ડોક્ટર સાથેની વાતચીત મેં સાંભળી લીધી. મારી બેટી તારા પ્રયોગનું સાધન નહિ બને.’
મલારમનમ ડઘાઈ. મા આ શું કરવા માગે છે? પપ્પાને મારી કેટલી કાળજી છે! ‘ચેતેલી રહેજે’ -એમનો સંદર્ભ હવે સમજાયો.
‘તમને વિરોધનો હક નથી, અરુણ. દારૂ પીધા સિવાય તમે કર્યું છે શું? દીકરી પાછળ ઉજાગરાની મહેનત મેં કરી છે. મા છું એની.’
આ પણ સાચું. મલારમનમ બેઉ પલડે ઝોલાં ખાતી રહી ને માએ બીજા દહાડાથી શરૂ કરેલી દવા વિના પૃચ્છા એ લેતી 2હી. વરસમાં તો એ માંસલ અંગો ધરાવતી કન્યા જેવી દેખાવા માંડી. એટલું જ નહિ, એ વરસે એને સાઉથના સુપરસ્ટાર ગણાતા શ્રીશાંત સાથે બાકાયદા હિરોઇન તરીકે પહેલી ફિલ્મ મળી, ને એની સફળતા પછી મલારમનમને જલદી યુવાન થવાનો વસવસો ક્યારેય રહ્યો નહિ!
બલકે બ્યુટી ટ્રીટમેન્ટ એની કારકિર્દીમાં અગ્રેસર રહ્યું; ખાસ કરીને હિન્દી ફિલ્મોમાં પ્રવેશ પછી.
તમિળમાં ત્રણેક સુપરહિટ ફિલ્મો આપ્યા પછી શુભલક્ષ્મીએ દીકરી માટે બોલીવુડમાં અવસર તરાશવા માંડ્યા. જોગાનુજોગ ભાગ્યમૂર્તિએ જ એને હિન્દીમાં બ્રેક આપવાનું નક્કી કરાવ્યું. બેબીને નવું નામ પણ એમણે જ આપ્યું – ચાંદની!
બોલીવુડના દિગ્ગજ ધીરેન્દ્ર સાથેની એ હિન્દી ફિલ્મ સુપરડુપર હિટ નીવડી.
એન્ડ ધેન ધેર વોઝ નો લુકિંગ બેક!
માંડ અઢાર વરસની વયે મળેલી ભવ્ય સફળતાએ રાતોરાત ચાંદનીને યુવા દિલોની હાર્ટબીટ બનાવી દીધી.
પરિવાર મદ્રાસથી મુંબઈ શિફ્્ટ થઈ ગયો. ધીરેન્દ્ર સાથે એની જોડી જામી. એની સાથે રસિક દશ્યો ભજવતાં યૌવન ચટકા ભરતું. પોતાનાથી ડબલ ઉંમરનો હીરો બરાબરનો લટ્ટુ બન્યો હતો એ ગમતું. હસવું આવતું એમ ગલીપચી પણ કરી જતું. અત્યંત રૂપાળા, અનુભવી ધીરેન્દ્રે જ એને કળીમાંથી ફૂલ બનાવી, ત્યાર પછી બીજા બે પુરુષ જીવનમાં આવ્યા-ગયા. ચાંદની માટે આશ્વાસન હોય તો એટલું જ કે પોતે કદી કેરિયરના સ્વાર્થ ખાતર કોઈની પથારી ગરમ નહોતી કરી, પણ જેવી કોઈની નજીક જવા જાય કે મા આંખ રાતી કરેઃ ધીરેન્દ્ર તારાથી કેટલો મોટો. હવે એની કેરિયર કેટલાં વરસ!
માને કંઈ ને કંઈ વાંધો પડતો, પણ એની સલાહ-સૂઝે કારકિર્દી પૂરઝડપે ચાલી રહી હતી એટલે ચાંદની મામાં વિશ્વાસ મૂકી એ પ્રમાણેના જ નિર્ણયો લેતી.
‘હિરોઇને લગ્નને છેલ્લી પ્રાયોરિટી આપવી, પરણેલા બૈરાંનો અહીં કોઈ ભાવ નથી પૂછતું. તું આજે હિન્દુસ્તાનની બહાર છે. તારે આ જાહોજલાલી છોડવી છે?’
અને ચાંદની દરેક સંબંધમાંથી પીછેહઠ કરી લેતી. જાણતી, પિતાને એ નથી ગમતું, પણ શું થાય? ફિલ્મો વિના હું જીવી નહિ શકું…
‘પરણ્યા પછી, મા બન્યા પછી તારું રૂપ આવું નહિ રહે… અને રૂપ છે તો તું છે!’
આ વાક્ય સજ્જડપણે ચોંટી ગયેલું. ચાંદની ચુસ્ત ડાયટ ફોલો કરતી, ડ્રિન્ક-સ્મોકિંગથી દૂર રહેતી. લેટ નાઇટ પાર્ટીઝમાં પણ જવાનું નહિ. રોજ સવારે ઊઠી અડધો કલાક નિરાંતે અરીસામાં પોતાની કાયા નિહાળતી – ક્યાંક ચરબી તો નથી ચડીને. ડાઘાડૂઘી, રિંકલ્સ નથીને!
દરમિયાન એની સફળતાની યાત્રા નિરંતર ચાલુ હતી. પચીસની વયે એમાં એક ટર્નિંગ આવ્યો.
નાગ-નાગણવાળી એક ફિલ્મની ઓફર એણે સ્વીકારી. ‘નાગિન’ની કથા નાયિકાપ્રધાન હતી. હીરો કોઈ જુનિય2 હતો અને લતાજીએ ગાયેલા પરાકાષ્ઠા ગીત પરનો એનો સ્નેકડાન્સ એટલો વખણાયો કે એ ગીત પર ફિલ્મ કરોડોની કમાણી રળી ગઈ. પ્રતિપાદિત થયું – ફિલ્મને હિટ કરવા ચાંદનીને હીરોની જરૂર નથી!
પછી તો ચાંદની પોતાની ભૂમિકા પ્રત્યે સજાગ બનતી ગઈ. એના નામ પર પ્રોજેક્ટ લોન્ચ થઈ ભવ્ય સફળતા પામતા. કારકિર્દીના પ્રથમ દાયકામાં ત્રણ ત્રણ બેકઅપ્સ પછી હવે એને લવ-લફરાંની પણ જરૂર ન વર્તાતી. મિડિયા સાથે એ સંયત રહેતી. બધાને એ ઉષ્માસભર લાગતી, પણ અંતરંગ કોઈ જોડે થતી નહિ. પોતાની પ્રાઇવસી, પોતાની સ્પેસ જાળવતાં એને આવડતું. પરફેક્શનને કારણે વિધિવત્ તાલીમ લીધા વિના એ ડાન્સક્વીન ગણાતી. શીખેલું આત્મસાત્ કરવામાં એની માસ્ટરી હતી. પછી તો એ ઇંગ્લિશ પણ વાંચતી-લખતી થઈ, ડિગ્નિફાયડ રહેવાનું એને કોઈએ શીખવવું ન પડ્યું.
હું, મારું રૂપ, મારી ફિલ્મો – સદાકાળ રહેવા સર્જાયા છીએ! રોજ પાઠ ઘૂંટતી. જરા જેટલી ચરબી વધે તો જાણે ભૂખહડતાળ પર ઊતરી જતી. ભૂખ લાગે જ નહિ એની દવા લેતી. હોલીવૂડની નટીઓમાં કોસ્મેટિક સર્જરી સામાન્ય છે એવું જાણ્યા પછી કેલિફોર્નિયાના એમના વિશ્વાસુ ડો. સ્મિથસનની એપોઇન્ટમેન્ટ મેળવી એ પણ સમયાંતરે હોઠ-નાક ઠીકઠાક કરાવી આવતી.
માય બોડી શુડ બી ઇન બેસ્ટ શેઇપ!
‘આ બધું ક્યાં સુધી, કોના માટે?’ પપ્પા ક્યારેક પૂછતા,
મા હજીયે મેન્ટ2 હતી, ‘બેબી’ની ડેટ્્સથી માંડી પેમેન્ટ સુધીનો હિસાબકિતાબ શુભા જ સંભાળતી. ચાંદની એ બધામાં પડતી નહિ. એને મતબલ સ્ક્રિપ્ટ સાથે, પોતાની ભૂમિકા, પોતાના કોસ્ચ્યુમ્સ, પોતાના સોંગ્સ સાથે… હા, પિતા સાથે બેસવાની નવરાશ મળે તો એ પોતાની કન્સર્ન જતાવતા,
‘એકથી એક ચડિયાતાં માગાં આવે છે તારા માટે. તારાથી નાની બહેનોને તેં પરણાવી, આજે બેઉ મુંબઈમાં જ ઠરીઠામ છે, એમનેય છોકરાંવ છે… તારું શું? કદી વિચાર્યું? આ નામ, સહોરત કાયમી નહિ હોય દીકરી.’
અરુણકુમારની કાળવાણી થથરાવી જતી.
– યાદોંની સફરમાં પડાવ પાડતી હોય એમ ચાંદનીએ ઊંડો શ્વાસ લીધો. એવા જ દાંત તડતડ્યા.
ઓહો.., પરાણે જડબાંની કુદરતી ક્રિયાને અંકુશમાં લેતી ચાંદનીએ આજકાલ દિવસમાં 2-4 વાર થઈ જતી હલચલ પર ફોકસ કરી મૂડ સ્પોઇલ નહોતો કરવો.
લેટ્્સ પેકિંગ. કાલે મંગળની સવારે મારે મોરિશિયસની ફ્્લાઇટ પકડવાની છે અને હજી બેગ્સ પેક કરવાનાં ઠેકાણાં નથી!
એ રૂમમાં આવી, એવી જ નજર હોલના ફુલસાઇઝ મિરર પર ખોડાઈઃ વોટ અ બ્યુટી!
જોનારા આભા બની જાય એ રૂપને ચાંદની તો સચેતપણે જ નિહાળતી – એમાં ક્યાંક વધઘટ તો નથી વર્તાતીને!
અંહ, ચાંદનીએ સંતોષ જતાવ્યો. પ્રતિબિંબ બોલી ઊઠ્યું – યુ લુક એઝ બ્યુટિફુલ એઝ યુ વેર, એઝ યુ આર, એન્ડ એઝ યુ વિલ બી! તારું સૌંદર્ય શાશ્વત રહેવા માટે જ સજાર્યું છે – લગ્નના દોઢ દાયકે પણ પતિને હનીમૂન માટે પ્રેરે એવું!
પતિ. ચાંદનીની નજર દીવાનખંડમાં લટકતી વિશાળ તસવીર પર ખોડાઈ.
ફિલ્મ પ્રોડ્યુસર આત્મીય મહેતા અને સિને સુપરસ્ટાર ચાંદની સજોડેના પોઝમાં કેવાં ખુશનુમા જણાય છે!
ખુમાર છવાયો. ચાંદની મોરિશિયસના પેકિંગમાં પરોવાઈ ત્યારે જાણ નહોતી કે આ યાત્રા પોતાની અંતિમયાત્રા બની રહેવાની! (ક્રમશઃ)

લેખક સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here