ચાંદની

(પ્રકરણ – 4)
એક્સિડેન્ટલ ડ્રાઉનિંગ. આત્મીય વાગોળી રહ્યો –
માધુરીને સૂતાં પહેલાં બાથ લેવાની ટેવ હતી. થોડો નશો કરાવી એને બાથટબમાં ડુબાડી દેવાની યોજના આત્મીયને ફુલપ્રૂફ જણાઈ હતી.
માધુરીમાંય એવો બદલાવ નહોતો કે નિર્ણય બદલવાનું મન થાય! આર્થિક સંકટમાં ફસાયેલા પતિને પાનો ચડાવવાને બદલે મહેણાંથી વીંધી પોતે અળખામણી ઠરી રહી છે એની ભનક પણ નહોતી માધુરીને. આત્મીયને લાગતું પત્નીનો કંકાસ જ મારી પડતીનું કારણ છે!
યુ હેવ ટુ ગો, માધુરી!
– અને એ રાત આવી પહોંચી.
આમ તો માધુરી આલ્કોહોલ ખાસ લેતી નહિ, પણ એ રાત્રે આત્મીયે બહુ પ્રેમથી ત્રણેક પેગ પીવડાવ્યા. એ હાલતમાંય એનાં વ્યંગબાણ ખમી ખાધાં. એની પાછળ બાથરૂમમાં ગયો ત્યારે માધુરીએ જુદું જ વિચાર્યું – યુ નોટી બોય! બાથરૂમમાં શીદ આવ્યો?
‘તને પોઢાવવા.’
માધુરીને સમજાય એ પહેલાં ગરદને ચોપ મારી આત્મીયે એને બેભાન કરી, બાથટબના પાણીમાં એ રીતે ડુબાડી કે બેલેન્સ ગુમાવતાં પાણી ભરેલા બાથટમબાં પડી માધુરી ડૂબી મર્યાનું જ પુરવાર થયું.
મારું દેવું-સંસારનું દેખાતું સુખ મોઘમ રહ્યું છે; એથી પણ કોઈને ખૂનીખેલ ગંધાવાનો નહિ. એવું જ થયું. મિડિયામાં નમાયા બનેલા આવિને આગળ કરી આત્મીયે જનતાની સહાનુભૂતિ મેળવી. નાની વયે અકસ્માત્ મૃત્યુને કારણે પોલીસતપાસ થયેલી, પણ નિવેડો તો ફેવરમાં જ આવ્યો. ઇન્શ્યોરન્સવાળાએ પણ ક્લેમ મંજૂર રાખવો પડ્યો અને આર્થિક ગાડી ફરી પાટે ચડી ગઈ… આવિષ્કારનું મુખ એના નમાયા બન્યાનું દર્દ યાદ અપાવ્યા કરે એના કરતાં એને બોર્ડિંગમાં મૂકી અપરાધભાવમાંથી મુક્ત થવાનું ફાવી ગયું આત્મીયને.
જિંદગી ફરી ધબકતી થઈ, પછી ચાંદનીનો પ્રવેશ…
ચાંદનીને આત્મીયે ‘નાગિન’ માટે કાસ્ટ કરેલી એની પાછળ સફળતાની અપેક્ષા જ મહત્ત્વની હતી. કશુંક હતું ચાંદનીમાં જે એને નોખી બનાવતું. સેટ પર સાવ નિસ્તેજપણે બેઠેલી ચાંદની ‘એક્શન’ના સાદ સાથે વીજળીનો ચમકારો દાખવતી ને આત્મીય મંત્રમુગ્ધ બનતો. પોતાને ગમતી હિરોઇન લકી નીવડી એથી માંહ્યલો વધુ બંધાયો… જોકે ચોથી મુવી માટે ઇનકાર જતાવ્યો, પંદરસોળ વર્ષ અગાઉ ફેશન ડિઝાઇનરની પાર્ટીમાં મળ્યા ત્યારે માધુરી રહી નહોતી, ચાંદનીનાં હિરોઇન તરીકે વળતાં પાણી હતાં… છતાં પોતાના માટે તો એ એટલી જ આકર્ષક હતી. કદાચ એ જ અસરમાં એના ઇનકારની ચોટ ભૂલી પરણવાનો પ્રસ્તાવ મૂકી બેઠો. મુવી માટેના ઇનકાર પાછળ જોકે માધુરીની એસિડ ધમકી હતી એ જાણ્યા પછી પ્રેમ ઊલટો વધ્યો હતો. ના, માધુરીએ આવું કર્યું હોઈ શકે એમાં શંકા નહોતી, લગ્ન પછી પતિની મૃત પત્ની માટે જૂઠ બોલવાનું ચાંદની પાસે કારણ નહોતું.
આત્મીયને એની દરેક શરત મંજૂર હતી. ધામધૂમથી પરણ્યાં, સુહાગરાતે કદી એકાંત ભડકાવી જતી હુશ્નપરીને મન ભરી માણી હતી.
સૌંદર્ય બાબત એની સભાનતાનો અંદેશો લગ્ન પછી આવ્યો. ઓફસ્ક્રીન પણ સુપરસ્ટારની જેમ જીવવા માગતી ચાંદનીના ઓરતા પૂરા કરવામાં આત્મીયે પાછી પાની નથી કરી.
પણ પાછલાં બેએક વરસથી ફરી નબળાઈનો દોર ચાલ્યો છે. બીજી બાજુ ચિરયૌવના રહેવાની ચાંદનીની ઘેલછા ગજવાને ડંખે છે…
પત્નીના સંસ્કાર પતિના દુઃખમાં પરખાતા હોય છે. દેવામાં ડૂબેલા આત્મીયથી ખુદની લકઝરી છોડાતી નહોતી, ચાંદની-આવિને તકલીફમાં મૂકવા માગતો નહોતો, પણ પત્નીનો બ્યુટી ટ્રીટમમેન્ટ પાછળનો ખર્ચો બિનજરૂરી લાગતો, ખાસ કરીને કપરા સમયમાં તો ચાંદનીએ સમજવું જોઈએ, પણ એ તો કહે છે મન મારવાનું જ હોય તો મોટા નિર્માતાને પરણવાનો ફાયદો શું?
પત્ની જો ફાયદો જોતી હોય તો મારે પણ મારો ફાયદો કેમ ન જોવો!
લાગે છે બીજી પત્નીનો વીમો પકાવી નાખવાનો સમય આવી ગયો!
પાછલા 2-4 માસથી ચિત્તમાં ઘૂમરાતો વિચાર હવે પરિપક્વ થઈ પ્લાનિંગનો તબક્કો પણ વટાવી ચૂક્યો છે.
ના, ચાંદનીને બાથટબમાં નથી મારવી, સામાન્ય માણસને પણ એ જોગાનુજોગ ગળે નહિ ઊતરે…
મોરેશિયસનો દરિયો ચાંદનીને ગમતો. ભલેને આખરી દિવસો ત્યાં વિતાવતી! એને માટે શનિ-રવિની ક્રૂઝની સરપ્રાઇઝ પ્લાનિંગ કરી છે, પોતે ક્રૂઝના આગલે દહાડે જ પહોંચવું હતું. છેવટના સહેવાસમાં મારો નિર્ણય ફસકી જાય એવું ન થવું જોઈએ! ક્રૂઝમાં એના એસ્કોર્ટસ નહિ હોય, માધુરીની જેમ બેહોશ કરી ચાંદનીને દરિયામાં ફંગોળી દઉં પછી સીધી પેટાળમાં!
શનિની રાત્રે, હિન્દી ફિલ્મોની સુપરસ્ટાર જળસમાધિ લેવાની છે એની ત્રીજા કોઈને ક્યાં ખબર છે?
આત્મીયએ ઊંડો શ્વાસ લીધો.

મારી આ કાયા! ગુરુની સવારે આયનામાં પોતાના રૂપને નિહાળતી ચાંદનીની કીકીમાં અકથ્ય ભાવ ઊપસ્યો.
ગઈ કાલે પોતે સ્પામાં ગઈ, શોપિંગ કર્યું તોય દિમાગમાં તો આગલી રાતની ડો. સ્મિથસન સાથેની ચર્ચા ઘૂમરાતી હતી.
પોતાની વીઆઇપી ક્લાયન્ટ સાથે વિડિયો ચેટ યોજી ડોક્ટરે સમસ્યા સમજી હતી, બેચાર ટેસ્ટ તાત્કાલિક કરાવવા કહ્યા. એ પોતે કાલે જ કરાવી લીધા. જોકે એના પરથી નિદાન તારવવાની અહીં કોઈની લાયકાત નહોતી. રિપોટ્઱્સ આવ્યા પછી સ્મિથસન સાથે બે વાર લાંબી વાતો થઈ. એમાં અંતિમ નિદાન એવું આવ્યું કે –
અને ઇન્ટરકોમની ઘંટડી રણકી.
મળસકેના સ્મિથસનના છેલ્લા ફોન પછી છવાયેલી સ્તબ્ધતાનું આવરણ જાણે તૂટ્યું. ત્રીજી વારની રિંગે રિસીવર ચકવું પડ્્યું.
‘સોરી ટુ ડિસ્ટર્બ યુ મેડમ,’ રિસેપ્શનિસ્ટે અદબ દાખવી, ‘બટ યુ હેવ એ વિઝિટર-’
વિઝિટર! જરૂર કોઈ ફેન કે પ્રેસવાળો હશે… પણ અત્યારે હું કોઈને મળવાના મૂડમાં નથી. ચાંદની ઇનકાર જતાવે એ પહેલાં –
‘મેમ, ધીસ ઇઝ ઇન્સ્પેક્ટર અક્ષત શાહ ફ્રોમ મુંબઈ પોલીસ. મારે તમારી સાથે એક સિક્રેટ શેર કરવું છે મે’મ, તમારા પતિ બાબત.’
હેં. હવે ચાંદની અલિપ્ત ન રહી શકી. રિસેપ્શનિસ્ટ સમજી ન શકે એ માટે આ વાક્ય અક્ષત હિન્દીમાં બોલ્યો એ સમજાય એવું છે. એની આ ચેષ્ટા જ સૂચવે છે કે એ મારા હિતેચ્છુ તરીકે મળવા માગે છે… એના સ્વરની ગંભીરતા સૂચક છે.
‘ઠીક છે.’
એની સંમતિએ બીજે છેડે અક્ષતે રાહત અનુભવી.
જ્વાલાસિંહની કબૂલાત પછી પોતે દોઢેક દાયકો જૂના કેસની ફાઈલ ફંફોસી, ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ મુદ્દો અછૂતો રહ્યાનું લાગ્યું નહિ. નેચરલી પોલસે એમ જ ક્લીનચિટ નહિ જ આપી હોય… એમ જ્વાલાસિંહે આત્મીય બાબત જૂઠ બોલવાનું કોઈ કારણ નહોતું. પત્નીની હત્યાનો વિચાર આત્મીયને આવેલો. જે માણસ કોન્ટ્રેક્ટ કિલરને હાય2 કરવા સુધી જાય એ છ-સાત મહિના પછી જાતે જ ખૂન કેમ ન કરે?
જરૂર છે મોટિવની. પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ ક્યાંય ગંધાયો નથી, એમનો સંસાર સુખી ગણાતો.. આત્મીયે માધુરીને મારવાની જરૂર કેમ પડે?
આડો સંબંધ? માધુરીના ‘અકસ્માત્’ મૃત્યુના થોડા સમયમાં એ ચાંદનીને ધામધૂમથી પરણ્યો હતો. શક્ય છે બેઉનું અફેર રહ્યું હોય ને માર્ગના કાંટા જેવી પત્નીને આ રીતે દૂર કરવી આત્મીયને વધુ અનુકૂળ લાગ્યું હોય… ડિવોર્સ મોંઘા પણ પડે ને બાળકની કસ્ટડીનો પણ ઇશ્યુ થાત. સવાલ એ છે કે આમાં ચાંદની સામેલ હોઈ શકે ખરી?
અક્ષતને ફિલ્મોમાં ખાસ દિલચશ્પી નહોતી. ચાંદનીના લેજન્ડરી સ્ટેટસ બાબત એને દ્વિધા નહોતી, પણ એથી એ કાયદાથી પરેહ હોય એવુંય એ માનતો નહિ.
છતાં આ શક્યતા ધૂંધળી લાગી. એની ફિલ્મોનો ટ્રેક રેકોર્ડ તપાસતાં તારવી શકાયું કે એણે ખરેખર તો મહેતા બેનર્સની ત્રણ ફિલ્મો પછી આત્મીય જોડે કામ કર્યું જ નથી. ખાસ્સા લાંબા ગાળે બેઉ પરણ્યાં, ટોચની હિરોઇનનું પ્રેમપ્રકરણ મિડિયાથી આટલો સમય ખાનગી ન જ રહ્યું હોય. મતલબ, માધુરીની વિદાય પછી બેઉ નિકટ આવ્યાં હોય એ વધુ સંભવ લાગ્યું અક્ષતને.
આડા સંબંધની બાદબાકી કરો તો કયું કારણ રહે છે? આર્થિક?
એ દિશામાં તપાસ કરતાં માલુમ પડ્યું કે માધુરીની બહુ મોટી ઇન્શ્યોરન્સ પોલિસી હતી, જે અવસાન પછી આત્મીયને મળી છે. એ સમયે આત્મીય નુકસાનીમાં હોય ને વીમાની રકમનો ફાયદો મેળવવા પત્નીને પતાવી દીધી હોય!
આ સંભાવના એ સમયે પણ ચકાસાઈ જ હશે, પરંતુ હવે જ્વાલાસિંહના બયાન પછી સંદર્ભો બદલાઈ જાય છે.
એમ તો આત્મીયે ચાંદનીની પણ 75 કરોડની પોલિસી ઊતરાવી છે! હમણાંની એની આર્થિક હાલત કથળેલી છે એ પોતે તો બે દિવસમાં પામી શક્યો છે… તો શું ચાંદની જોખમમાં છે? સંભવતઃ વીમાને કારણે એક પત્નીને પતાવનારો ફરી એ જ હેતુથી બીજું ખૂન ન કરે એની ખાતરી ખરી!
અલબત્ત, પોતાની પાસે નક્કર પુરાવા નહોતા, એમ જ્વાલાસિંહનું સચ ચાંદનીને સચેત કરવા પૂરતું હતું.
– અને એ મોરિશિયસ હોવાની જાણ થતાં એટલે જ ઉપરીને વિશ્વાસમાં લઈ પોતે મોરિશિયસની ફલાઇટ પકડી હતી.
આત્મીય આવે એ પહેલાં ચાંદનીને ચેતવી દેવી ઘટે!
અત્યારે, એણે પોતાને મળવાની તૈયારી દાખવી એમાં શુભસંકેત જ જણાયો અક્ષતને.

અને કલાક પછી અક્ષત ચાંદનીના રૂમમાંથી નીકળ્યો. ચાંદનીને લાગતું હતું એ સ્તબ્ધતા બમણી કરી ગયો.
એણે આયના સામે દષ્ટિપાત કર્યોઃ ઇટ્્સ ઓલ ઓવર… રિયલી… ઇટ્્સ ઓલ ઓવર!

‘જાન, તને ખબર છે, મોરેશિયશમાં તારા આગમન પૂર્વેના દિવસો મેં બહુ આળસાઈમાં વિતાવ્યા… કેવા ગાંડાઘેલા વિચારો કરતી રહી, જેમ કે…. ’ ચાંદનીએ ચપટી વગાડી, ‘મેં ‘શોલે’ બનાવ્યું હોત તો ગબ્બરસિંહનું નામ જ્વાલાસિંહ રાખ્યું હોત!’
હસી નાખતા આત્મીયની કમરમાં સટાકો બોલ્યો- જ્વાલાસિંહ!
ગુરુની રાત્રે પોતે આવ્યો ને શનિની આજની સાંજ સુધીમાં ચાંદની મને બદલાયેલી કેમ લાગે છે?
ના, એ મને ભેટી ઉમળકાથી, પણ બોલી’તી કેવું – પંચોતેર કરોડની તમારી પત્ની તમારું ભાવભીનું સ્વાગત કરે છે!
75 કરોડ? આત્મીયની કીકીમાં પ્રશ્નાર્થ ઝળક્યો. જવાબમાં એ હસી, ‘ધારો કે હું મરી જાઉં તો મારા વીમાના તમને 75 કરોડ મળેને!’
આત્મીય મલકી નહોતો શક્યો. ના, હું ચાંદનીને મારી એનો વીમો પકવવા માગું છું એવું તો એને સ્વપ્ને પણ કેમ ગંધાય?
‘માધુરીનો વીમો કેટલાનો હતો?’
આત્મીય ધૂંધવાયેલો. ચાંદની વીમા પાછળ કેમ પડી છે?
‘જવા દો. મર્યા પછી પણ પત્ની પતિના કામમાં આવે એટલે જ એને ગૃહલક્ષ્મી કહેતા હશે.’
ત્યારે તો વાત વળી ગઈ, પણ પછી મારી સાથે એ પણ ડ્રિન્ક લેવા બેઠી, બીજી સવારથી એણે જે રીતે ફ્રાઇડ ચીઝથી ભરપૂર હાઈકેલેરી ફૂડ ખાવા માંડ્યું ધેટ વોઝ વેરી અનયુઝઅલ, અત્યંત સ્ટ્રિક્ટ ડાયટમાં માનતી ચાંદનીને આમ ખીતીપીતી તમે કલ્પની ન શકો!
‘જિંદગી કેવળ શિસ્તપાલન માટે નથી હોતી એ મને મોડું મોડું સમજાયું છે…’ ક્યાંક ખોવાતી એ મલકી પડે, ‘મોત અણધાર્યું ત્રાટકી જીવનકથાનો ધ એન્ડ આણી દે ત્યારે અફસોસ ન રહેવો જોઈએ.’
મોત! આત્મીય પ્રસ્વેદ લૂછતો, હસવાનો પ્રયત્ન કરતાં ‘આ શું મોતની વાતો લઈ બેઠી.’
‘શું કરું, તારી કંપનીમાં એવા જ વિચારો વધુ આવે છે.’
આત્મીય સમસમી જતો. ચાંદની એને પંપાળી લેતી, ‘તેરી બાંહો મેં મર જાયે હમ’
નહિ, આ કેવળ રોમાન્સીઝમ નહોતું. કંઈક તો ઘૂંટાય છે ચાંદનીના ચિત્તમાં. ક્રૂઝ પર જવાની સરપ્રાઇઝ પણ એને ગમી નહિ. – નો, હું આ રૂમ છોડી હવે ક્યાંય જવાની નહિ!
ત્યારે તો આત્મીય જરા ભડકી ગયેલો – જ્યાં મારે એનું ખૂન કરવાનું છે ત્યાં જ જવાનો ચાંદની ઇનકાર કરે એ કેવું! નહિ, એણે મરવાનું તો છે જ. તો શું એનો અંત હોટેલની રૂમમાં લખ્યો હશે? નશો કરાવી કરાવી અંતે બાલ્કનીમાંથી ફંગોળી હોય તો…
‘જાન’ ગઈ રાતના સહશયનમાં એણે ગજબ કર્યું. મિલનની નાજુક ક્ષણે આંખમાં આખ પરોવી પૂછી બેઠી, ‘માધુરીને બાથટબમાં તમે ડુબાડી હતી?‘
હેં! ઉત્તેજના નિચોવાઈ ગઈ. ધૂંધવાતી નજરે એને નિહાળી પોતે ચહેરો ફેરવી લીધેલો – શું બકે છે! મારી આ જ કિંમત? હું હત્યા કરું, એ પણ માધુરીની? કહી ગળગળા થઈ પોતે (બનાવટી) રડીયે લીધેલું!
‘અરે, તમને તો માઠું લાગી ગયું!’ ચાંદની ખડખડાટ હસતી રહી. ‘મેં તો અમસ્તું જ પૂછ્યું-’
ચાંદની તીક્ષ્ણ નજરે પોતાને નિહાળી રહી હોવાનો અણસાર હતો આત્મીયને. એથી તો ભૂમિકામાં કસર નહોતી છોડવી પોતે.
(જોકે એ જાણતો નથી કે એની એ ચેષ્ટાએ ચાંદનીમાં શકની ગુંજાઈશ રાખી નથી – તમે નિર્માતા ખરા, આત્મીય, અચ્છા અભિનેતા ક્યારેય નહોતા. તમારા અભિનયમાં રહેલી બનાવટ સત્યનો પુરાવો છે! પોતે જેનું પડખું સેવ્યું એ આદમી ખૂની નીકળ્યાનો ધક્કો પચાવી ચાંદની ખડખડાટ હસી હતી )
નહિ, આમાંની કોઈ ચેષ્ટા અમસ્તી નહોતી… ચાંદની અત્યારે જ્વાલાસિંહને ઉલ્લેખે છે એમાં પણ મને બૂ આવે છે – મારું પાપ એને પરખાયાની બૂ. બટ હાઉ?
– અને હવે? (ક્રમશઃ)

લેખક સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here