ચાંદની

(પ્રકરણ – 3)
વળી દરિયાને તાકતી ચાંદની ગતખંડની કડી સાંધી બેઠી.
લગભગ પંદર વર્ષ અગાઉ ફેશન ડિઝાઇનરની પાર્ટીમાં આત્મીયને પોતે ખરખરો કર્યો હતો- ‘આઇ એમ સોરી, મોડું મોડું તમને આશ્વાસન દઉં છું.’
આત્મીય પઝલ્ડ. ચાંદનીએ કહેવું પડ્યું, ‘માધુરીના અકસ્માત્ મૃત્યુ બદલ.’
‘ઓ…હ’ આત્મીયે ડોક ધુણાવી.
‘મને તો આવિષ્કારનું લાગી આવે છે. બિચારો છોકરો નમાયો થઈ ગયો.’ ચાંદનીને ઇમોશનલ ડાયલોગ્સ બોલવાની ફાવટ હતી. બાકી એને આવિષ્કારની શું પરવા હોય! પરંતુ ઇન્ડસ્ટ્રીમાં દંભ જ ચાલતો હોય છે ને!
‘આવિષ્કારને મેં દૂનની બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધો છે. જુહુ મુવ થયો છું. કહો કે ગોઝારી ઘટના વિસારી અમે બેઉ જીવનમાં આગળ વધી ગયા છીએ. વોટ અબાઉટ યુ? આજકાલ તારી કોઈ ફિલ્મ ફ્લોર પર નથી?’
આત્મીયના તુંકારમાં મીઠાશ હતી, ઇન્ડસ્ટ્રીની ગતિવિધિથી પણ એ વાકેફ હોવાનો જ.
‘કોઈ સ્ક્રિપ્ટમાં જ દમ નથી હોતો.’ મોટા ભાગના સ્ટાર્સ સમય ઓસરી ગયા પછી જેવું કહેતા હોય એવા શબ્દો ચાંદનીએ પણ વાપર્યા, એ સમજાતું હોય એમ આત્મીય મલક્યો, ‘પરણીને ઠરીઠામ થવાનું વિચારતી હો તો કહેજે.’
ચાંદની થોડી ડઘાઈ. હું આત્મીયની બૈરીનો ખરખરો કરું છું ને એ મને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે!
પછી થયું, વોટ્્સ રોંગ? હું કોઈનું ઘર નથી ભાંગતી. વિના પૈસે સ્ટારનો ઠઠારો ક્યાં સુધી જાળવી શકીશ? રૂપને અખંડ રાખવા પણ મને ફાઇનાન્સની જરૂર રહેવાની. આ ઉંમરે ઘરભંગ થયેલો બીજવર શું ખોટો, જો એ આત્મીય મહેતા જેવો હોય!
બેઉ મળતાં રહ્યાં. વિશ્વાસ બંધાયો. ચાંદનીની આર્થિક સ્થિતિ વિશે જાણી આત્મીય ડઘાયેલો, પણ પછી ખભા ઉલાળેલા, ‘આઇ ડોન્ટ વોન્ટ યોર પેની. હું તને રાણી બનાવીને રાખીશ એટલું યકીન જાણજે.’
ત્યારે ચાંદનીને એના સ્ટેટ્્સની શંકા ન રહી. એણે મનમાં ઘોળાતી બીજી શરતો પણ મૂકી દીધી, ‘આવિષ્કારને અન્કમ્ફર્ટ ન લાગે એની હું ટ્રાય કરીશ, બાકી ટિપિકલ મધર મારાથી નહિ બનાય. હું પોતે કદી મા નહિ બનું. આઇ વોન્ટ ટુ મેઇનટેઇન માય ફિગર!’
‘નો ઇશ્યુ બેબી.’ આત્મીયને વાંધો નહોતો, ‘મને એક વારસ પૂરતો છે.’
બસ, પછી ચાંદનીને દ્વિધા ન રહી. બેઉ પરણ્યાં ત્યારે સાવકો દીકરો આવિષ્કાર માંડ પાંચ વરસનો હતો, આજે એ વીસ વરસનો છે…
કેવું રહ્યું દોઢ દાયકાનું લગ્નજીવન? મોરિસિયસનો દરિયો નિહાળતી ચાંદનીએ આખરી પડાવ વાગાળ્યોઃ
ધામધૂમથી અમે પરણ્યાં હતાં. લતાજીથી માંડી અદના આર્ટિસ્ટ સુધીનાને ઇન્વાઇટ હતું, પણ મેં મારી બહેનોને જોકે તેડાવી નહોતી. શરૂનાં બે-પાંચ વરસ તો જાણે હનીમૂન પિરિયડ રહ્યો. કોઈ હીરો કરતાંય આત્મીય વધુ એટ્રેક્ટિવ હતો. મને રાણીની જેમ રાખતો. મારી બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ થતા ખર્ચા હસીને ઉઠાવતો. બદલામાં મને પથારીમાં મન ભરી ભોગવતો, પણ એનોય આનંદ જ હતોને!
હા, વેકેશન્સમાં આવિષ્કાર આવે ત્યારે એ એના પર પૂરતું ધ્યાન આપે, બાપ-દીકરાનું બોન્ડિંગ તૂટે નહિ એની તકેદારી હુંય રાખતી, એ જ અમારા ત્રિકોણનો કમ્ફર્ટ ઝોન. આવિષ્કાર મારી અદબ જાળવતો, મને રિસ્પેક્ટ આપતો. બેઉ પક્ષ માટે આટલું પૂરતું હતું ને આત્મીયને એનો સંતોષ હતો.
દરમિયાન મલ્ટિપ્લેક્સના આગમન સાથે ફિલ્મોનો ઢાંચો બદલાયો, હું અમારા બેનરની ફિલ્મોમાં ક્રિયેટિવ ઇનપુટ્્સ આપતી, નાનકડી ભૂમિકા ભજવી લેતી એમ વરસો પછી મુખ્ય ભૂમિકાવાળી સ્મોલ બજેટ ફિલ્મ કરી જે સફળ રહી. એમાં મારી ભૂમિકા મધરની હતી, પરંતુ એ ફિલ્મી લુક મને વાસ્તવ જીવનમાં ક્યાં કબૂલ હતો?
મિડિયા મારા રૂપથી અંજાતું, મને એજલેસ બ્યુટી તરીકે વર્ણવતું… ચાંદનીના રૂપમાં ખોટ ન હોવી જોઈએ, બસ એ એક ઝનૂન હતું, પરંતુ ઉંમરે પણ એની રફતાર પકડી હતી. મેક-અપ વગરનો ચહેરો ફિક્કો લાગતો. વરસોના સ્ટ્રિક્ટ ડાયટે પાચનતંત્ર ખોરવી નાખ્યું હતું. બોટેક્ષની ટ્રીટમેન્ટ હવે સમયાંતરે લેવી પડતી. મને એનો કોઈ વાંધો નહોતો.
‘પણ મને છે ચાંદ…’ છેવટે આત્મીય ઊકળી ઊઠ્યા. વરસ અગાઉની વાત.
‘રૂપને જવાન રાખવાની તારી ઘેલછા રોગ બનતી જાય છે. વય વધવી કુદરતી પ્રક્રિયા છે એનો સ્વીકાર કર, તારી જીદ અકુદરતી છે.’
‘એમાં તમને શાનું પેટમાં દુઃખે છે? મારા રૂપને માણો તો તમે જ છોને?’
‘મને પેટમાં નહિ, મારા ગજવાને દુઃખે છે!’
આત્મીયની ચીડનું કારણ પકડાયું. હા, પાછલી બેએક ફિલ્મો પછડાતાં આત્મીયને વસમું લાગતું હશે, પણ ઉતારચડાવ તો પ્રોડ્યુસરની લાઇફમાં આવતા રહે. હું મારી બ્યુટી મેઇન્ટેઇન ન રાખી શકું તો મોટા ગજાના નિર્માતાને પરણવાનો ફાયદો શું?
‘તું મને માત્ર પૈસાને કારણે પરણી?’ આત્મીયે આઘાત અનુભવ્યો.
‘માત્ર પૈસાને કારણે નહિ, પરંતુ પૈસો પણ કારણભૂત ખરો.’ મેં પણ કહી દીધું. ત્યારે કંઈક એ કૂણા પડ્યા, ફરી કદી ટ્રીટમેન્ટ બાબત મને ટોકી નથી!
અને હવે મોરિશિયસનું વીકલી વેકેશન.
ગયા અઠવાડિયે મને સરપ્રાઇઝ દેતાં આત્મીય કેટલા ખુશ હતા – ‘ઘણા વખતથી આપણે વેકેશન નથી માણ્યું… સો વી આર ગોઇંગ મોરિશિયસ. તને ત્યાંનો દરિયો પસંદ છે ને!’ એમણે ટિકિટ થમાવતાં રોમાંચ ફરી વળ્યો હતો. બેશક, ફોરેન આઉટિંગની નવાઈ નહોતી, છતાં આવી સરપ્રાઇઝ કોઈ પણ પત્નીને ગમે!
‘મારે થોડું કામ છે, હું ગુરુવા2ે આવીશ. ત્યાં સુધી યુ એન્જોય યોરસેલ્ફ. મારા આવ્યા પછી બેડરૂમમાંથી બહાર નહિ જવા દઉં હું!’
અઠ્ઠાવને પહોંચેલા પુરુષમાં આવો થનગનાટ 48ની ઉંમરે પણ માંડ ત્રીસની લાગતી મારા કાયાના પ્રતાપે જ ને!
ગુરૂર છવાયું. એ સાથે જ ચાંદનીના દાંત તડતડી ઊઠ્યા. જડબાની હલચલને પરાણે વશમાં લેવી પડી.
કપાળે કરચલી ઊપસી. આજકાલ આમ કેમ થાય છે? જો ની સર્જરી કરાવ્યાને દોઢ-બે વરસ થવાનાં.. એની કોઈ સાઇડ ઇફેક્ટ હશે?
નહિ, આમાં દેરી ન ચાલે. આઇ મસ્ટ કન્ફર્મ.
અને એણે આઇપોડ દ્વારા કેલિફોર્નિયાના કોસ્મેટિક સર્જન ડો. સ્મિથસનનો સંપર્ક સાધ્યો.

‘કહો, જ્વાલાસિંહ મારું શું કામ પડ્યું?’
એ જ રાત્રે, સેન્ટ્રલ જેલમાં ફાંસીના કેદીને મળનારા ઇન્સપેક્ટર અક્ષતના પ્રશ્નમાં ઉત્સુકતા વધુ હતી.
મહિના પછી જેને ફાંસી આપવાની છે એ કેદીને એકદમ ઇન્સ્પેક્ટરને મળવાની ઘૂમરી કેમ ચડી એ માણવાનું કુતૂહલ જેલર સહિત સૌને હતું. અક્ષત મુલાકાતખંડમાં ગોઠવાયો અને ચોથી ઘડીએ બેડીઓનો રણકાર સંભળાયો, વળતી પળે એણે દેખા દીધી – આ જ્વાલાસિંહ!
બે વરસ અગાઉ નવ હત્યાના આરોપસર જેની ધરપકડ કરી હતી એ તંદુરસ્ત આધેડ કેદીના પોશાકમાં દૂબળો પાતળો જણાયો. ચહેરાની માસૂમિયત એવી જ હતી. એને જોઈ કોઈ માને નહિ કે આ શખસ સોપારી લઈ હત્યા કરતો હશે! દસમી હત્યા પહેલાં રંગેહાથ પોતે એને ઝડપ્યો છતાં મારા પ્રત્યે ગિન્નાવાને બદલે એણે હંમેશાં તારીફ દાખવેલી – તારા જેવા શાતિર ઇન્સ્પેક્ટર જૂજ હોય છે!
એ હિસાબે એને મારામાં વિશ્વાસ હોય એમ બને… 44 વરસના આદમીએ નવ સિવાયની કોઈ હત્યાની કબૂલાત કરવી હશે? એની કબૂલાતે કંઈકેટલા મુખવટા ચિરાયા હતા, ભ્રમ ભાંગ્યા હતા. આ વખતે એવું જ કંઈક બનશે?
‘નહિ.’ અક્ષતના અનુમાન સાંભળી એ મંદ મલક્યો. ‘મારે કબૂલાત કરવી છે એ સાચું, પણ હત્યાની નહિ, હત્યાના પ્રસ્તાવની.’
સાંભળી અક્ષતની આંખો ઝીણી થઈ, ‘મતલબ, કોઈએ તને હત્યાની સોપારી આપી, પણ તેં એ હત્યા કરી નહિ.’
‘તમે આવું કહી શકો.’ જ્વાલાસિંહે ખભા ઉલાળ્યા, ‘સર્કલમાં મારાં નામકામ જાણીતાં. આવી જ એક ઓફર મને વરસો અગાઉ થઈ હતી. કોઈ કારણસર સોદો પાર પડ્યો નહિ, પણ બોલીવુડના એ પ્રોડ્યુસરની પત્નીનું મોત રહસ્યમય સંજોગોમાં થયેલું એ હકીકત છે.’
બોલીવુડ. અક્ષત ટટ્ટાર થયો.
‘બૈરી બાથરૂમમાં ડૂબવાથી મરી ગઈ એ ઘટના અકસ્માત મૃત્યુ જ ગણાવાઈ… એ સાચું હોય તો ભગવાનમાં માનવું પડે કે ધણીની ઇચ્છા થઈ ને પત્નીને એમણે ટપકાવી દીધી!’
અક્ષતના કોમ્પ્યુટર દિમાગને આટલી ક્લૂ પૂરતી હતી.
‘મતલબ, પ્રોડ્યુસર આત્મીય મહેતા પત્ની માધુરીને મારવા ઇચ્છતા હતા, એણે તને સોપારી આપવા ચાહી… સમહાઉ ડીલ ન થઈ અને છતાં માધુરી અકસ્માત મૃત્યુમાં ઊકલી ગયાં.’
‘કરેક્ટ. ત્યારે મારી ‘કારકિર્દી’ની શરૂઆત હતી, મારાથી ભેદ ખૂલે એમ નહોતો… વરસોનાં વહેણમાં હું ભૂલીયે ગયેલો, પણ હમણાં રોજ મારા ગુનાઓ યાદ કરી ઈશ્વરની માફી માગતો હોઉં છું એમાં આ અધૂરો રહેલો પ્રસ્તાવ ઝબકી ગયો. થયું, તમને તો જાણ કરવી જ જોઈએ. કદાચ માધુરીના મૃત્યુમાં ખૂન છૂપું હોય તો તમે જ એ ખોલી શકો…’
– અથવા તો બીજી હત્યા અટકાવી શકું!
અજાણતાં જ અક્ષતના ચિત્તમાં પડઘો પડ્યો. આત્મીય ફરી પરણેલો, એય નન અધર ધેન ચાંદનીને!
દોઢેક દાયકા જેટલી જૂની ઘટનામાંથી સત્ય તારવવું નહિવત્્ સંભવ ગણાય, પણ આત્મીયની બીજી વારની પત્ની સાથે પહેલી વાર જેવું નહિ થવા જેટલું તો ક2ી જ શકાય!

આઇ એમ સોરી, માધુરી… જુહુના ઘરના ખૂણે લટકતી માધુરીની હાર ચડાવેલી તસવીર નિહાળી આત્મીયના હોઠ વંકાયા. પછી એવી જ નજર ચાંદનીની ફોટોફ્રેમ પર ફેંકી – સુંદર, અલૌકિક ચાંદની.
‘જાણે એનામાં એવું શું છે!’ માધુરી ટલ્લા ફોડતી. આત્મીય વાગોળી રહ્યો-
ડૂબેલી કંપનીને બેઠી કરવાનું આત્મીયને અભિમાન હતું. ઇન્ડસ્ટ્રીમાં એનો રૂત્બો હતો. ઘણા કહેતા કે તું ખુદ આટલો હેન્ડસમ છે તો હીરો બની જાને… પણ આત્મીયને એવા અભરખા નહોતા. એને બદલે બડે બડે હીરો લોગ નિર્માતા તરીકે મારી શેહ-શરમ રાખે એ વધુ નશાપ્રેરક છે! આત્મીયને વૈભવ માણવો ગમતો. એની લાઇફસ્ટાઇલ લેવિસ હતી. હિરોઇનના મોહમાં ખુવાર થનારા પ્રોડ્યુસર્સના દાખલા જોઈ પરણ્યો, પણ નોનફિલ્મ બેકગ્રાઉન્ડ ધરાવતી માધુરીને. એ પણ કમ ખૂબસૂરત નહોતી. બેઉની જોડી સોહમણી લાગતી. ઘર-ફિલ્મનાં ખાતાં આત્મીયએ અળગાં રાખ્યાં હતાં, પતિની ફિતરત જાણી-સમજી ચૂકેલી માધુરીને નટીઓની અસલામતી કનડતી નહિ.
આમાં અપવાદ સર્જ્યો ચાંદનીએ.
નંબર વનની રેસમાં ત્યારે અગ્રિમ ગણાતી ચાંદનીને આત્મીયે ‘નાગિન’ માટે કાસ્ટ કરી એની પાછળ સફળતાની અપેક્ષા જ મહત્ત્વની હતી, પણ એ દરમિયાન ચાંદનીને રૂબરૂ મળવાનું થતું ગયું, સહવાસ વધતો ગયો એમ એની ભૂરકી છવાતી ગઈ. જોકે ત્યારે ત્રણ-ત્રણ બ્રેક-અપ પછી ચાંદનીને લફરામાં રસ રહ્યો નહોતો. ‘નાગિન’ સફળતા 5છી ચાંદનીને ‘મહેતા ફિલ્મ્સ’ની આગામી પેશકશ માટે રિપીટ કરવી નેચરલ હતી; પણ ધી2ે-ધી2ે પતિની દીવાનગી માધુરીને માઝા મૂકતી લાગી. સહશયન દરમિયાન આત્મીય પૂછી બેસતો – ચાંદની પણ આવી જ રૂપાળી હશે? માધુરીની છઠ્ઠી ઇન્દ્રિય જાગી. એ ચાંદનીને મળવા ગયેલી એ તો જોકે લગ્ન પછી ચાંદનીએ કહેલું ત્યારે જાણ્યું હતું.
આત્મીયે યાદદાસ્તને ધક્કો માર્યો –
ચાંદનીએ ચોથી મુવી માટે ઇનકાર જતાવ્યો, એ મારાથી અંતર રાખતી થઈ એ ખટકતું.
‘કેમ, તમારી ચાંદનીએ તમને ના પાડી?’ માધુરીનો વ્યંગ ઝાળ જેવો લાગતો.
આત્મીયનો અહમ્્ ઊંચો હતો, ઘવાયો. નવી નટીઓને ચાંદનીથી બહેતરપણે રજૂ કરવાનાં હવાતિયાંમાં ઊલટું બેનરની ફિલ્મો પિટાવા માંડી. માથે દેવું થયું. માધુરીની ડિલિવરી સ્વિટ્ઝર્લેન્ડમાં કરાવી આત્મીયે દેવાની ‘અફવા’ પર લગામ તાણી, પણ એમાંય માધુરીને શક ગંધાયો હતો – મારી પાછળ તારે કોઈને ઘ2માં નથી ઘાલવીને!
માધુરીમાં આવેલા બદલાવની આ નિશાની હતી. ના, ચાંદની તરફથી એ એસિડ બોમ્બની ધમકી ફંગોળ્યા પછી નિશ્ચિંત હતી, પણ કોઈ બીજું એની જગ્યા ન લે એ માટે ડિલિવરી 5છીયે એ આકરી થઈ આત્મીય પર નજર રાખતી, તરેહ તરેહના સવાલો કરતી.
જેની ચાહ હતી એ ચાંદની ભાવ નથી દેતી, જેને ચાહું છું એને કદર નથી – આત્મીય અકળાતો. એમાં દેવાનું ટેન્શન. બધું વેચીસાટી નાદારી જાહેર કરવાની આત્મીયની તૈયારી નહોતી. આના કરતાં કચકચ કરતી પત્નીને દૂર કરી વીમો પકવી તાણમુક્ત કેમ ન થવું!
શયતાની વિચારને પહેલાં તો આત્મીયે વાર્યો, પણ માધુરીમાંય એવો બદલાવ નહોતો કે નિર્ણય બદલવાનું મન થાય!
પહેલાં વિચાર્યું આ કામ કોન્ટ્રેક્ટ કિલરને સોંપવું જોઈએ… આ માટે વાયા વાયા થઈ પોતે એકાદ ભાડૂતી ખૂની – જ્વાલાસિંહ-નો સંપર્ક સાધ્યો, પણ પછી એમાં બ્લેકમેઇલિંગની જટિલ ધાસ્તી વર્તાઈ, ડીલ સાથે થોડો સમય પૂરતો એ વિચાર જ પડતો મૂક્યો. છ-આઠ મહિના જવા દીધા ત્યાં સુધીમાં જ્વાલાસિંહ પણ ડીલ બાબત ભૂલી ચૂક્યો હશે! પરંતુ પોતે નહોતો ભૂલ્યો, એક દિવસ માટે પણ નહિ…
પછી પોતે જ એને હટાવી. જિંદગી ફરી ધબકતી થઈ, પછી ચાંદનીનો પ્રવેશ…
– અને હવે –
આત્મીયે ચાંદનીની ફોટોફ્રેમ નિહાળી – સોરી ટુ યુ એઝ વેલ!
પછી ચાંદનીની 75 કરોડની લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી જાળવીને લોકરમાં મૂકી. (ક્રમશઃ)

લેખક સાહિત્યકાર છે.