ચલથાણ સુગરે વેસ્ટમાંથી ૧ લાખ સેનિટાઇઝરની બોટલનું ઉત્પાદન કર્યું

 

સુરતઃ અત્યાર સુધી સેનિટાઇઝરનું ઉત્પાદન કેમિકલ કંપનીઓ કરી રહી છે. પરંતુ રાજ્યમાં પ્રથમવાર ચલથાણ સુગરે ઇથેનોલ અને આલ્કોહોલમાંથી સેનિટાઇઝરનું ઉત્પાદન શરૂ કર્યું છે. મંડળીએ પ્રારંભિક તબક્કામાં એક લાખ બોટલ સેનિટાઇઝરનું ઉત્પાદન કર્યું છે. તેમાંથી ૨૫,૦૦૦ બોટલનું વિતરણ થઇ ગયું છે. 

ચલથાણ સુગરના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે, માર્કેટ ભાવ કરતા ૭૦ ટકા સુધી ઓછી કિંમતે મંડળી સેનિટાઇઝરનું વેચાણ કરી રહી છે. ખાસ કરીને સુરત જિલ્લાના ચોયાર્સી, કામરેજ, પલસાણા, બારડોલી, જલાલપોર, નવસારી, મહુવા અને સિટી તાલુકાના ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. કોરોના સંક્રમણ લાંબુ ચાલી શકે છે. તે જોતા સુગર મંડળી ૯૯.૯૯ ટકા જેલ પ્રોડક્ટ ધરાવતું આ લેમન ફલેવર્ડ સેનિટાઇઝર એક્સપોર્ટ કરવા માટે પણ આયોજન કરી રહી છે. તેના લાયસન્સ માટે અરજી પણ કરવામાં આવી છે. આ સેનિટાઇઝરમાં એક ટકા પણ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જયારે અન્ય કંપનીઓના સેનિટાઇઝરમાં પાણી ઉમેરવામાં આવે છે. આ સેનિટાઇઝરનું લોકાર્પણ રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠક, નવસારીના સાંસદ સી. આર. પાટીલ, પ્રભુ વસાવા, ડિસ્ટ્રીકટ બેંકના વાઇસ ચેરમેન અને ચલથાણ સુગરના ડિરેકટર સંદિપ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું છે.