ચરોતરમાં સ્ત્રીઓ ઘર અને ઘર બહારના કાર્યક્ષેત્રમાં સફળતાપૂર્વક કામ કરે છે

એંસીના દાયકામાં ધીમે ધીમે પરિવર્તનની શરૂઆત થતી જણાતી હતી. ધીમે ધીમે ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓ વધવા લાગી. ક્યાંક ક્યાંક વ્યાવસાયિક વિદ્યાશાખાઓમાં છોકરીઓ એડમિશન લેવા લાગી. છોકરીઓ પણ નોકરી કેમ ન કરી શકે તેવી ચર્ચા શરૂ થઈ. પટેલો ઇદી અમીનને લીધે આફ્રિકાથી લંડન સ્થળાંતરિત થયા. ધીમે ધીમે આફ્રિકાની સાડી છે એ વાત અદશ્ય થતી ગઈ. ધીમે ધીમે છોકરીઓની રસ લેવાની વૃત્તિઓ બદલાતી ગઈ. છોકરીઓ નોકરી મળે તેવી પ્રવૃત્તિઓની શોધમાં સક્રિય થઈ.
ન ગમે તો પત્નીને ચા કરતાં દાઝી ગઈ એ ટાઇટલ હેઠળ મારી નખાતી. પોલીસ કે સમાજ બેમાંથી એક પણ આ બાબતને ખાસ ગંભીર સ્તરે વિચારતા જ નહિ. પડોશીઓ અને સગાંઓને બધી જ સાચી ખબર હોય, પણ કોઈ આ સામે અવાજ ઉઠાવવા કે ચર્ચા કરવા તૈયાર નહિ. ધીમે ધીમે સ્ત્રી અને સમાજ બદલાતો ગયો. આ દાયકામાં જાહેર જીવન બદલાતું ગયું.
આ સમયમાં ટેક્નોલોજીના ભયંકર દુરુપયોગની શરૂઆત થઈ. સ્ત્રીભ્રૂણહત્યાની શરૂઆત થઈ. સ્ત્રી જન્મ લે તો પછી બીજી માથાકૂટને! જન્મવા જ નહિ દેવાની. પટેલોમાં સ્ત્રી-પુરુષ જાતિ પ્રમાણ ગંભીર રીતે જોખમાયું. તેના પરિણામરૂપે જ આજે કેટલાક પટેલોને તેમની જ્ઞાતિ સિવાયની સ્ત્રીઓને પરણવાની ફરજ પડી અને ક્યાંક ક્યાકં તો આદિવાસી છોકરીઓ સભ્ય સમાજમાં પરણીને આવી છે.
આ દાયકામાં એક દાંતના ડોક્ટરે પોતાની પત્નીને સળગાવી દીધી. એ પ્રસંગે આણંદ અને વિદ્યાનગરની લગભગ 22 મહિલા સંસ્થાઓએ એકત્ર થઈ ડોક્ટરના આ કૃત્ય સામે પોલીસ તથા ડોક્ટર સામે લડત ઉપાડી. આ બધી બહેનોએ આપેલી લડતને પરિણામે ડોક્ટરને સજા કરાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. આ પ્રસંગે આણંદને પ્રાપ્ત થતા અમૂલ્ય ભેટ ‘જાગૃત મહિલા સંગઠન’ કેટલીક બહેનો આ સંસ્થાની આજીવન સભ્ય બની. આ દાયકામાં સ્ત્રીઓની જાગૃતિ વધી, પોલીસ પણ સક્રિય બની અને સમાજમાં પણ જાગૃતિ વધી. આ દાયકામાં દહેજપ્રથા ધીમે ધીમે પોતાનો વ્યાપ વધારતી ગઈ. વહુઓનાં અપમૃત્યુ તો ચાલુ જ રહ્યાં. ભારતીય ફોજદારી ધારાની કલમ 498 એ સફળ થતી ગઈ.
આ દાયકામાં સ્ત્રીઓનો પહેરવેશ બદલાતો ગયો. છોકરીઓને મા-બાપ વ્યાવસાયિક વિદ્યાશાખામાં ભણાવતાં થયાં. ધીમે ધીમે છોકરીઓ વધુ ભણતી ગઈ. જાહેરમાં સ્ત્રીદાક્ષિણ્ય વધતું ગયું. 1971ના દાયકામાં કોઈ છોકરીનું અપમાન કરવું હોય તો બેસ છાનીમાની કહેવાતું, ધીમે ધીમે આ શબ્દ ગાયબ થતો ગયો. આ સિવાય બળદ જેવો અને ડોબું એ શબ્દ પણ ગાયબ થતા ગયા. આ દાયકામાં સ્ત્રી ધીમે ધીમે સ્વતંત્ર્ય થતી જણાઈ. મા-બાપ ઉદારતાવાદી થતાં જણાયાં. છોકરીઓ ધીમે ધીમે બધાં ક્ષેત્રોમાં ભાગીદારી નોંધાવતી થઈ. છોકરીઓને ખાસ તૈયાર કરવામાં આવતી, કારણ લંડન અને અમેરિકાના છોકરાઓને ભણેલી સ્માર્ટ છોકરી હોય તો વધુ પસંદ આવે. ધીમે ધીમે છોકરીઓનું કપડાં ધોવાનું બંધ થયું. માત્ર ઉચ્ચ વર્ગની બહેનો નહિ, પણ મધ્યમવર્ગની બહેનોય અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લાગી. તોય સતત વિકાસ થતો રહ્યો પુરુષોનો જ. નોંધપાત્ર બાબત આ જોવા મળી કે, પુરુષપ્રધાન સમાજમાં પુરુષો જ સ્ત્રીઓને મદદ કરવા લાગ્યા. 1990ના દાયકામાં આ પ્રદેશમાં સ્વામિનારાયણ ધર્મ ધીમે ધીમે ખૂબ મહત્ત્વ પામવા લાગ્યો. આ ધર્મને કારણે સ્ત્રીઓના વિકાસ કાર્યક્રમો, ચારિત્ર્ય ઘડતરના કાર્યક્રમો શરૂ થવા લાગ્યા. હું એવું માનું છું કે આ ધર્મના પ્રચાર અને પ્રસારને લીધે આ પ્રદેશમાં વિકાસ ઝડપી બન્યો. અનેકવિધ બાબતો છતાં સ્ત્રીભ્રૂણહત્યા ચાલુ રહી. સ્ત્રી સંસ્થાઓ, સરકાર તથા સમાજસુધારકોએ કામ ચાલુ રાખ્યાં, પણ સ્ત્રી હજી પણ સંપૂર્ણ સ્વીકાર પામી નથી. આફ્રિકાને બદલે લંડન અને અમેરિકા તરફ ઝોક વધ્યો. ઇમ્પોર્ટટેડ વસ્તુઓનો મોહ ચાલુ જ રહ્યો. એનઆરઆઇના દાનનો પ્રવાહ ઝડપી અને વધુ થયો. ચરોતરનાં મોટા ભાગનાં ગામડાંઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં દાનનો પ્રવાહ વધવા લાગ્યો. આ દરમિયાન ભાઈકાકાએ વસાવેલા વિદ્યાનગરમાં તેમણે 1946માં રાણક હોસ્ટેલ છોકરીઓ માટે બાંધી હતી, પણ ત્યાર બાદ લગભગ 45 વર્ષમાં બધી જ્ઞાતિઓ તથા ધર્મશાળાઓએ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલો બાંધી, પણ બાવીસ ગામના પાટીદારોએ 45 વર્ષ પછી છોકરીઓ માટે હોસ્ટેલ બાંધી અને ત્યાર બાદ બે વર્ષે જૈનોએ પણ છોકરીઓ માટે હોસ્ટેલ બાંધી. છોકરીઓને પણ જમાના પ્રમાણે તૈયાર કરવા માટે આ પ્રયાસ કર્યો. એક મહત્ત્વની ઘટના બની કે આ પ્રદેશના માત્ર પટેલો જ નહિ, પરંતુ બધી જ જ્ઞાતિ અને ધર્મના લોકો ઉત્સુક અને સક્રિય બન્યા. આ સમય દરમિયાન સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઘણી બધી નવી કોલેજો શરૂ થઈ. આને લીધે છોકરીઓને ઘરઆંગણે શિક્ષણ પ્રાપ્ત કરવાની તક વધી, બહારના વ્યવહારમાં ઘણું પરિવર્તન આવ્યું, પણ સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ અને ઉપેક્ષા ચાલુ રહી. સ્ત્રીપુરુષ જાતિપ્રમાણ આ બાબતનું સાક્ષી છે.
મોટા ભાગના પટેલોની દીકરીઓ કે વહુઓ પણ સવારે છ-સાડા છ વાગ્યે કપડાં ધોઈ બીજાં કામોમાં પરોવાય. ઘરનાં બધાં જ કામ સ્ત્રીએ જ કરવાનાં. મણની પાપડી બનાવતાં જરાય ન થાકે તેવી સ્ત્રીઓમાં નાસ્તામાં મોટે ભાગે ચોખાની પાપડી ખાવાનો રિવાજ. છોકરીઓ ભણે, પણ ખાસ નોકરી કરવાના હેતુસર નહિ. મને આજે પણ યાદ છે કે મોટા ભાગનાં મા-બાપ દીકરીઓ મહિલા કોલેજમાં ભણે તેમ ઇચ્છે. છોકરીઓને બીજી પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં રોકે, ખાસ તો એનસીસીમાં જોડાવાની ના જ પાડે. વળી થોડાં મા-બાપ મંજૂરી આપે. 1971માં મને આજે બરાબર યાદ છે કે એનસીસીમાં જોડાયેલી એક પણ છોકરીને ઘરેથી કેમ્પમાં જવાની મંજૂરી નહિ મળેલી અને હું સાઇકલ લઈ બધી છોકરીઓને ઘરે જઈ તેમનાં મા-બાપને સમજાવી તેમને કેમ્પમાં લઅઈ ગયેલી. છતાંય કેટલીક છોકરીઓનાં મા-બાપ તો કેમ્પમાં મોકલવા રાજી જ ન થયાં.
બહેનો ભેગી થાય એટલે જાતજાતની ચર્ચા ચાલે અને ખાસ વાતો કરતાં કરતાં આ સાડી તો આફ્રિકાની છે એમ ગર્વથી કહે. મને તો સમજ જ ન પડે કે આ બધાં આવી વાતો કેમ કરે? છોકરીઓને સારો છોકરો મળે તો ભણતાં ઉઠાડી લઈ પરણાવી દે. લગ્નમાં ઢગલાબંધ સાડીઓ, સોનું અને વસ્તુઓ આપે. બહેનો ખાસ નોકરી કરતી નહોતી. અને જે કરતી હોય તે મોટા ભાગે શિક્ષિકાની નોકરીમાં જોવા મળતી. જાહેર જીવનમાં સ્ત્રીઓ ખાસ ભાગ ન લે.
આણંદનાં પ્રથમ મહિલા ગાયનેકોલોજિસ્ટ ડો. રમાબહેન પટેલ હતાં. ધીમે ધીમે મહિલાઓ આ વ્યવસાયમાં પ્રેક્ટિસ કરતી થઈ. લોકો એવી વાતો કરતા હતા કે ચરોતરમાં ડોબું (ભેંસ) માંદું પડે તો ડોક્ટર બોલાવે, છોડી માંદી પડે તો નહિ. દીકરીનાં લગ્ન એ બધાં મા-બાપ માટે આર્થિક અને સામાજિક સંકટ ગણાતું. છોકરીઓ મોટા ભાગે આટ્઱્સ અને કોમર્સમાં ભણતી. વ્યાવસાયિક વિદ્યાશાખામાં ખાસ છોકરી ભણતી નહોતી.
ખૂબ હોશિયાર છોકરી હોય તો પણ શિક્ષિકા થવાનાં સપનાં જુએ. એનાથી આગળ કંઈ નહિ. જાહેર જીવનમાં ભાગ લેનાર માટે સ્થિતિ સંપૂર્ણ આદર્શ નહોતી. ક્યાંક ક્યાંક તેમની નૈતિકતા અંગે ચર્ચા થતી સંભળાતી.
આણંદમાં 1966માં સહકારીમંત્રી માધવલાલ શાહની પ્રેરણાથી રમાબહેન દોશી અને તેમના સખીમંડળે સ્ત્રીઓને રોજી-રોટી રળવામાં મદદ કરી, સ્વાવલંબી બનાવવાના હેતુથી આણંદ મહિલા સહાયક ગૃહઉદ્યોગ સહકારી મંડળીની સ્થાપના કરી હતી, જેના ઉપક્રમે 2010માં જીવનજ્યોત સ્ટેશન રોડ ઉપર કાર્યરત છે. આણંદમાં આ સમય દરમિયાન અનેક મહિલાઓ મહિલાઓના કાર્યક્રમમાં આગળ વધી.


1971માં મેં જ્યારે આણંદમાં પગ મૂક્યો ત્યારે રમાબહેન દોશી તથા ડો. રમાબહેન પટેલ વિવિધ સેવાપ્રવૃત્તિઓમાં કાર્યરત હતા. રમાબહેન દોશી ત્યાંથી આજસુધી સતત નવા સ્ત્રી કાર્યકર્તાઓ તથા નેતા તૈયાર કરવાની પ્રવૃત્તિમાં હોંશભેર પ્રદાન આપી રહ્યાં છે. 1971માં રાજબહેન ભાટિયા સેવા તથા રાજકારણમાં પ્રવૃત્ત હતાં, હવે પોતાના વ્યાપારમાં વ્યસ્ત છે.
આ સમય દરમિયાન આશાબહેન દલાલ અનેકવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત બન્યાં અને પછી રાજકારણમાં ઝંપલાવ્યું. તેમની સાથે ડો. ભારતીબહેન પૂજારા, શારદાબહેન પટેલ, ડો. વનલતાબહેન ભટ્ટ, ડો. મંજુલાબહેન પટેલ તથા ડો. આમ્રપાલી મર્ચન્ટ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યાં. આ કાળ દરમિયાન વિદ્યાનગરમાં પૂ. ભાઈકાકાના કુટુંબમાંથી સ્થપાયેલા મહિલા મંડળમાં ધર્મિષ્ઠાબહેન પંડ્યા, શારદાબહેન અમીન ખૂબ સફળતાપૂર્વક સેવાકીય પ્રવૃત્તિઓમાં રચ્યાંપચ્યાં રહ્યાં.
નવી પેઢીમાં ડો. અમિતાબહેન પટેલ તથો ડો. દીનાબહેન ગજ્જર કાર્યરત છે. આ પ્રદેશનાં જ અમૃતાબહેન પટેલ એનડીડીબીના ચેરમેનપદે કાર્યરત રહી દેશવિદેશમાં ખ્યાતિ પામ્યા છે.
આ કાળ દરમિયાન આણંદ ઇનરવ્હીલ ક્લબે પણ મહિલા અને બાળ આરોગ્ય તથા અપંગ સહાયક અનેક પ્રવૃત્તિઓ કરી.
જાગૃત મહિલા સંગઠને પણ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી. ડો. આમ્રપાલી મર્ચન્ટ કે જેમણે ચરોતરને કર્મભૂમિ બનાવી, તેઓએ પણ ગુજરાત રાજ્યનાં પ્રથમ મહિલા કુલપતિ તરીકે ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં કાર્ય કર્યું છે.
1971થી 2010 સુધી સ્ત્રીઓની પ્રવૃત્તિઓનું ફલક વિસ્તરતું ગયું. જાહેર જીવનમાં સ્ત્રીઓના પ્રશ્નો ફલક ઉપર જણાતા નથી, પણ સમાજજીવનમાં, કુટુંબજીવનમાં હજી ભેદભાવ અને ઉપેક્ષા જોવા મળે છે.
સ્ત્રીને વાહવાહ પામવી હોય તો પુરુષોની સરખામણીએ 150 ટકા કામ કરવું પડે છે. ચરોતરમાં સ્ત્રી આજે ઘર અને ઘર બહારના કાર્યક્ષેત્રમાં પુરજોશમાં કામ કરે છે, પણ કુટુંબમાં દરજ્જાની દષ્ટિએ, નિર્ણયમાં ભાગીદારીની દષ્ટિએ હજી ખાસ ભાગીદારી પામી શકી નથી.
સ્ત્રી પ્રત્યે અભાવ આજે પણ ચાલુ છે તેનો જન્મ આજે પણ સંપૂર્ણ સ્વીકાર્ય નથી.

લેખક સાહિત્યકાર છે.