ચરોતરના સમાજપરિવેશના સર્જકઃ કનુ સુણાવકર

ગુજરાતી સાહિત્યને પોતાના સર્જનકર્મથી રળિયાત કરનાર ચરોતરના પ્રાચીન, અર્વાચીન કાળના અનેક સર્જકોનું સાહિત્યપ્રદાન વિશેષ ધ્યાનપાત્ર તેમ નોંધપાત્ર રહ્યું છે. એમાં કેટલાક લઘુદીવડાઓએ પણ યથાશક્તિ, મતિ, દષ્ટિ થકી, પોતાની સર્જનશગને પ્રજ્વલિત રાખી, સંકોરી ગુજરાતી સાહિત્યક્ષેત્રે ઉજાસ દાખવી, સાહિત્યની તેજસ્વિતા તથા સમૃદ્ધિમાં ઉમેરણ કર્યું છે.
ચરોતરના અનેક લઘુદીવડાઓની દીપમાળાનો એક લઘુદીવડો છેઃ કનુ સુણાવકર. ચરોતરના સુણાવ ગામના પિતા ડાહ્યાભાઈ અને માતા ડાહીબહેનના સંસ્કારી પરિવારમાં જન્મ 15 ઓગસ્ટ, 1937ના રોજ થયો હતો. સંસ્કારી પરિવારમાં ઉછેર પામેલા કનુભાઈ ડાહ્યાભાઈ પટેલ વિદ્યા અને સાહિત્યજગતમાં કનુ સુણાવકરથી જાણીતા થયા. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ સુણાવ, પેટલાદમાં પ્રાપ્ત કર્યું, કોલેજ શિક્ષણ વલ્લભ વિદ્યાનગરમાંથી મેળવ્યું. કવિ, અધ્યાપક પ્રો. જશભાઈ કા. પટેલ અને વિવેચક અધ્યાપક પ્રો. જશવંત શેખડીવાળા જેવા ગુરુજનોના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મેળવી બીએ અને એમએમાં ગુજરાતી વિષય સાથે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સર્વાધિક ગુણાંક સાથે વિદ્યાકીય તેજસ્વિતા દાખવી.
સુણાવકરે અભ્યાસકાળ દરમિયાન વાર્તાલેખનનો આરંભ કર્યો હતો. તેમની પ્રથમ વાર્તા ‘કાવડિયાની કિંમત’ ‘ચાંદની’ માસિકમાં પ્રગટ થયેલી. ત્યાર બાદ અધ્યાપનકાળના વ્યવસાય દરમિયાન તેઓ ‘ચાંદની’, ‘નવચેતન’, ‘નિરીક્ષક’, ‘કંકાવટી’, ‘તાદર્થ્ય’માં વાર્તા-લઘુકથા લખતા રહ્યા, જેને સુરેશ જોષી, હરિવલ્લભ ભાયાણી, જશવંત શેખડીવાળા, રતિલાલ ‘અનિલ’, મફત ઓઝા, રાધેશ્યામ શર્મા, દિગીશ મહેતા, જયંત વ્યાસ વગેરે સાહિત્યકાર, વિવેચકો તરફથી આવકાર સાંપડેલો.
વિદ્યાકીય-વહીવટી ક્ષેત્રના વ્યવસાય માટે પીલવાઈ, ધંધૂકા, સંતરામપુરને દીર્ઘકાળ સુધી કર્મભૂમિ બનાવી અધ્યાપક, આચાર્ય તરીકે ખ્યાતિ મેળવનાર સુણાવકર નિવૃત્ત ભૂમિ આણંદમાં સતત કાર્યવ્યસ્ત, પ્રવૃત્તિશીલ નિજાનંદ અલગારી જન બની રહ્યા, ઓશો વિચારધારામાં જીવનની ઉત્તરાવસ્થા પસાર કરનાર, 82 વર્ષના આ શ્વેતકેશી પિતર જેવા આચાર્ય કનુ સુણાવકરનું વ્યક્તિત્વ ભાતીગળ છે. તીક્ષ્ણ વિચાર-સ્મરણશક્તિ ધરાવનાર તેજસ્વી વિદ્યાર્થી, અભ્યાસનિષ્ઠ અધ્યાપક, કુશાગ્ર વહીવટકર્તા, વ્યંજનાગર્ભ વાણી, વ્યવહારથી સૌને સ્પર્શી જનાર સંબંધના માણસ, ઓશોના અભ્યાસે તથા શ્રદ્ધાએ ચિંતક-વિચારક તરીકે તેમનું વ્યક્તિત્વ ધ્યાનપાત્ર છે, પરંતુ આ બધામાં સાહિત્યસર્જન ક્ષેત્રે શક્તિવિશેષ દાખવવાનું તેમનું સર્જક તરીકેનું વ્યક્તિત્વ વિશેષ રૂપે ધ્યાન ખેંચનારું બની રહે છે.
ઓછું, પણ ઉત્તમ લખનાર સુણાવકરે કવિતા, વાર્તા, વિવેચન, લઘુકથા, નિબંધ જેવાં સ્વરૂપોમાં છૂટક, ત્રુટક સર્જન કર્યું છે. ફલસ્વરૂપે ‘અકસ્માતકાળ (વાર્તાસંગ્રહ) ‘પથ પર’ (અનુવાદ), તૃતીય વાચને (વિવેચન) અને છેલ્લે ડો. રમણભાઈ પી. પટેલ સંપાદિત ‘કનુ સુણાવકરની વાર્તાઓ’ જેવાં સાહિત્ય-પ્રકાશનો સાંપડ્યા છે.
બૌદ્ધિકજનોની વૃત્તિ-પ્રવૃત્તિનો ઉપહાસ કરતી ‘એજ્યુકોટેડ’ નામની નવલકથા પણ તેઓ હાલ લખી રહ્યા હતા. તેમનાં આ બધાં પ્રકાશનોમાં સંખ્યા અને સત્ત્વની દષ્ટિએ વાર્તાસમૃદ્ધિ વિશેષ ધ્યાન ખેંચે છે.
લગભગ 200 જેટલી વાર્તાઓનું સર્જન કરનાર સુણાવકરનું વાર્તાસાહિત્ય વિવિધ સામયિકોમાં વેરવિખેર અને પ્રચ્છન્નરૂપી હતું, પરંતુ 1996માં ‘અકસ્માતકાળ’ વાર્તાસંગ્રહમાં તેમની કેટલીક પસંદગીની વાર્તાઓ ગ્રંથસ્થ થતાં વાચકો અને વિવેચકોનું એ પ્રત્યે વિશેષ ધ્યાન ગયું. પરિણામે વાર્તાઓ વાચકો-વિવેચકો દ્વારા હર્ષભેર પોંખાઈ અને એમાં રહેલા વાર્તાવિશેષ વિશે સામયિકોમાં નોંધ લેવાઈ. એ રીતે સુણાવકર ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર તરીકે સ્થાપિત થયા, ખ્યાત થયા.
આ સર્જકનો જન્મ, ઉછેર, વસવાટ ચરોતરનો ગ્રામપ્રદેશ વિશેષ રૂપે હોવાથી ચરોતર પ્રદેશનાં રહેણીકરણી, રીતરિવાજ, વટવ્યવહાર, માનસ, બોલી વગેરે પરિવેશનો પ્રત્યક્ષ અનુભવ આ સર્જકને છે. પરિણામે ચરોતરની પરિવેશની વાર્તાવસ્તુ, ચરોતરી બોલીની ચારુતા, વક્રતા, રૂક્ષતા, સુભગ લય-લહેકો, ઉક્તિઓ ઉચ્ચારણો રંગછટાઓનો તેમાં સમુચિત વિનિયોગ થતાં આ વાર્તાઓમાં અનુભૂતિની સચ્ચાઈ તથા વાસ્તવિકતાની જીવંત કલામય રૂપની પ્રતીતિ થાય છે. એમાં આવતાં વર્ણનચિત્રો વાર્તાનાં ઘટના-પાત્ર-મનોભાવ-વાતાવરણને જીવંત અને ચિત્રાત્મક રૂપનિર્માણ કરવામાં ઉપકારક નીવડ્યાં છે.
સમગ્ર રીતે જોઈએ તો, વસ્તુ-પાત્રનિરૂપણ-પરિવેશ-બોલી સંદર્ભે પેટલીકર અને જોસેફ મેકવાનની વાર્તાઓ સાથે તો સૂક્ષ્મ મનોઘટના, કલ્પન, પ્રતીકપ્રધાન રીતે ચૈતસિક મનની ગતિવિધિ સંદર્ભે સુરેશ જોષી, દિગીશ મહેતાની વાર્તાઓ સાથે સુણાવકરની વાર્તાઓ અનુસંધાન સાધે છે. ટૂંકમાં જીવન-જગતમાં બનતી સામાન્ય વાસ્તવિક યા કાલ્પનિક ઘટનાઓ માનવમનમાં કેવા, કેવાં ભાવસંવેદનો જગાવે છે તેનું વાસ્તવદર્શી છતાં કલાત્મક સચોટ નિરૂપણ સુણાવકરની વાર્તાઓમાં થયું છે. ચરોતરના પરિવેશને, વાર્તાના માધ્યમ થકી સાહિત્યમાં પ્રત્યક્ષ કરનાર કનુ સુણાવકરનું અણધાર્યું નિધન થયું છે. તે દુઃખદ ઘટનાથી ચરોતર અને ગુજરાતનું વિદ્યા સાહિત્યજગત શોકની લાગણી અનુભવતાં સદ્ગતને હૃદયભાવથી શોકાંજલિ, સ્મરણાંજલિ અર્પે છે. અસ્તુ.

લેખક સાહિત્યકાર અને કેળવણીકાર છે.