ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન, હવે આ મુદ્દે જોઈએ છે ભારતની મદદ

નવી દિલ્હીઃ દુનિયાભરમાં પોતાનાં કરતૂતો માટે બદનામ પાકિસ્તાન હવે પોતાની ઓકાત પર આવી ગયું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં થયેલી એક બેઠકમાં એ નિર્ણય લેવાયો છે કે તેઓ ભારત પાસેથી પોલિયો-માર્કરની ખરીદી કરશે. પોલિયો નાબૂદીની કોશિશોમાં લાગેલા પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભારત પાસે આ અંગે મદદ માગી છે. એ જાણવું ખૂબ રસપ્રદ છે કે ભારતને અનેક મોરચે પછાડવામાં લાગેલા પાકિસ્તાને હવે યુ ટર્ન લેવો પડ્યો છે અને ભારતની જરૂર પડી છે.
ભારતે પોતાના જ રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરી, જેને પાકિસ્તાને જબરદસ્તીથી પોતાની પ્રતિષ્ઠા અને માનવાધિકારો સાથે જોડીને ભારત વિરુદ્ધ હંગામો મચાવવાની કોશિશ કરી. જ્યારે તે ભારતનું કશું બગાડી શક્યું નહિ તો ગુસ્સે ભરાઈને તેણે ભારત સાથે નવમી ઓગસ્ટથી દરેક પ્રકારના વેપાર પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે પ્રજાના દબાણમાં આવીને સપ્ટેમ્બર મહિનામાં જ દવાઓના વેપાર પરથી પ્રતિબંધ હટાવવો પડ્યો અને હવે પોલિયો-માર્કરની આયાતમાં પણ છૂટ આપવી પડી.
પાકિસ્તાન પહેલાં પોતાના પરમ મિત્ર એવા ચીન પાસેથી પોલિયો-માર્કર ખરીદતું હતું, પરંતુ એની ક્વોલિટી એકદમ ખરાબ જોતાં તેણે હવે ભારતની મદદ લેવી પડી છે. બાળકોને પોલિયોનાં ટીપાં બાદ માર્કરથી તેમની આંગળીઓ પર નિશાન કરવામાં આવે છે, પરંતુ પાકિસ્તાનમાં પોલિયોના કેસ સતત વધતા જાય છે. પાકિસ્તાની અધિકારીઓએ એનો આરોપ ચીનથી મગાવવામાં આવેલી નકલી ફિંગર-માર્કર પર લગાવ્યો છે. પાકિસ્તાનમાં પોલિયો નાબૂદી કાર્યક્રમ એ હદે બદનામ થઈ ગયો છે કે આ વર્ષે એપ્રિલમાં ખેબર પખ્તુનવાનમાં ત્રણ પોલિયો કર્મચારીઓની હત્યા થઈ ગઈ, કારણ કે સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો કે એના વેક્સિનેશન દ્વારા બાળકોને ઝેર આપવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાન દુનિયાના એ ત્રણ દેશોમાં સામેલ છે જ્યાં હજુ પણ પોલિયો છે. પાકિસ્તાન ઉપરાંત આ ત્રણ દેશોમાં અફઘાનિસ્તાન અને નાઇજીરિયા સામેલ છે. જોકે આ બીમારી સામે પોલિયોના ટીકાકરણ દ્વારા લડત અપાઈ રહી છે, પરંતુ આ વર્ષે જે પ્રકારે કેસ વધી રહ્યા છે એ જોતાં સ્વાસ્થ્ય અધિકારીઓ માટે ચિંતાનું કારણ ઊભું થયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (ષ્ણ્બ્) ફક્ત ભારત અને ચીનને પોલિયો-માર્કરના ઉત્પાદન માટે અધિકૃત કર્યા છે. આવામાં ચીનની માર્કર ગુણવત્તા ઊતરતી કક્ષાની જોતાં પાકિસ્તાન પાસે હવે ભારત પાસેથી આયાત કરવા સિવાય કોઈ રસ્તો નથી. કાશ્મીરમુદ્દે ભારત સાથે દરેક પ્રકારના સંબંધ ખતમ કરનારા પાકિસ્તાને આજે ઘૂંટણિયે પડવાનો વારો આવ્યો છે.