ઘાયલ થવાનું સૌના નસીબમાં નથી હોતું

0
789

(ગતાંકથી ચાલુ)
ઘાયલ થવાનું સૌના નસીબમાં નથી હોતું. કોઈ પણ માણસ પોતાની અપ્રામાણિકતા અકબંધ રાખીને ઘાયલ ન થઈ શકે. દર્દ કેટલી પવિત્ર બાબત છે, તે હજી દુનિયાને નથી સમજાયું. લોકો જેને ગઝલ કે શાયરી કહે છે, તે તો વાસ્તવમાં તીરથી વીંધાયેલા હરણની મરણચીસ હોય છે. મોસમનો પહેલો વરસાદ થયો ત્યારે કોનું સ્મરણ થયું? પ્રશ્નનો જવાબ ખાનગી રહે તેમાં જ સંસારની સલામતી રહેલી છે. આપણો સમાજ ખૂબ નાકગંદો, મનગંદો અને વાણીગંધો છે. રોગી માણસ નિંદાકૂથલીના ઉકરડા પરથી જ ક્યાંક ઊગેલું પ્રેમપુષ્પ નિહાળતો રહે છે. પુરુષોની એક કુટેવ બડી ખતરનાક છે. એ કોઈ પણ નિર્ભય અને મળતાવડી સ્ત્રીને ‘ચાલુ’ કહીને વગોવવાની ઉતાવળમાં હોય છે. જેઓ સંબંધવંચિત અને પ્રેમવંચિત હોય, એમનો પાસટાઇમ સમાજ માટે ખતરનાક સાબિત થાય છે. સમાજ કેટલો રુગ્ણ છે, તે જાણવું હોય તો પુરુષો ભેગા મળે ત્યારે થતી વાતો સાંભળવી. એ વાતોમાં એક ‘ચાલુ’ સ્ત્રીની ટીકા થાય ત્યારે તમને તરત સર્વસંમતિ થતી જોવા મળશે. ધન્ય છે એવી સ્ત્રીઓને, જેમણે આવા ગંદા પુરુષોની અવગણના કરીને પોતાની પર્સનાલિટી જાળવી રાખી છે. તમે જરાક બારીકાઈથી એ ગંદા પુરુષોની દુનિયામાં ડોકિયું કરશો, તો જણાશે કે તેઓ ‘રહી ગયેલા’ વંચિત લોકો છે. જે સ્ત્રીની તેઓ સ્વાદપૂર્વક અમથી નિંદા કરી રહ્યા છે, તેમને તે સ્ત્રીએ ક્યારેક ‘ના’ પાડવાની ગુસ્તાખી કરી હશે. સામા પુરુષ સાથે હસીને વાત કરનારી સ્ત્રીની ખાનગીમાં કૂથલી થાય એવા સમાજમાં દર્દમંદ શાયર કેમ કરીને ટકે? ચિક્કાર ઓડિટોરિયમમાં ગઝલ પેશ થાય, ત્યારે ઊછળી ઊછળીને દાદ આપનારાં પતિ-પત્ની પાસપાસે બેઠાં હોય છે. બન્ને જાણે છે કે ગઝલ પ્રિયતમા પર લખાય છે, પત્ની પર નથી લખાતી. જીવનમાં જે પ્રાપ્ત ન થયું, તે ગઝલમાં મળી ગયું! હૃદય સત્યવાદી હરિશ્ચંદ્ર બની ગયું!
આજકાલ મારા હૃદય પર કૃષ્ણ સવાર થયા છે. એક એવું પુસ્તક મળી ગયું, જેને કારણે મારો શ્રાવણ સાર્થક થયો. આવું બન્યું તે માટે આપણી ભાષાના મૂર્ધન્ય સારસ્વત અને સાહિત્યકાર ભોળાભાઈ પટેલ જવાબદાર છે. એમણે એક પુસ્તક પ્રેમથી મોકલી આપ્યુંઃ ‘વૃંદાવન મોરલી વાગે છે.’ (સંપાદનઃ ભોળાભાઈ પટેલ અને અનિલા દલાલ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂ. 160) સંપાદકોએ ભારતીય કૃષ્ણભક્તિની કવિતાને કેન્દ્રમાં રાખીને જે પ્રાસ્તાવિક લખ્યું છે તે અદ્ભુત છે. અહીં માત્ર એક અંશ પ્રસ્તુત છેઃ
ભાગવતના પ્રારંભમાં ભક્તિ નારદમુનિને કહેતી સંભળાય છેઃ
હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ,
કર્ણાટકમાં વૃદ્ધિ પામી,
ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી અને ગુજરાતમાં વૃદ્ધત્વને પામી.
– પણ પછી પોતે વૃંદાવનમાં સ્વરૂપવાન નવયુવતી થઈ, એવું ભક્તિએ કહ્યું હતું. (અલબત્ત, ભક્તિની આ ઉક્તિ મૂળ ભાગવતના રચનાકાળની છે) ભારતનાં બધાં જ રાજ્યોની લોકભાષાઓમાં કૃષ્ણની મોહિની કેટલી પ્રબળ રીતે પહોંચી છે તેનો ખ્યાલ આ પુસ્તક વાંચ્યા વિના ન આવે. કોઈ કૃષ્ણભક્ત ગુજરાતી આ પુસ્તક વાંચવાનું ટાળી ન શકે.
વેદમાં મનુષ્યને ‘ભૂમિપુત્ર’ ગણાવવામાં આવ્યો છે. જે ભૂમિપુત્ર હોય તેણે વૃક્ષમિત્ર, પુષ્પમિત્ર, વરસાદમિત્ર, આકાશમિત્ર અને વિશ્વમિત્ર બનવું જ રહ્યું. આજનો માણસ કેળું ખાય છે, પણ કેળ સાથે એને કોઈ સંબંધ રહ્યો નથી. એ લીંબુનું શરપત પીએ છે, પણ લીંબણમાતા સાથે એને કોઈ લેવાદેવા નથી. રોજ સવાર તો પડે છે, પણ સૂર્યોદય અપરિચિત રહી જાય છે. માણસ સંબંધ વિનાના સંબંધોની ભીડમાં અટવાઈ મરે છે. આજનો સિન્થેટિક માણસ જીવવાની ટેવને લીધે જીવતો રહે છે. અરે! આ ધોધમાર વરસાદ આવી પહોંચ્યો! અસ્તિત્વનો ઉત્સવ શરૂ થઈ ગયો છે. આપણું સમગ્ર બીઇંગ રોમેરોમથી થનગની ઊઠે એવો અદ્ભુત કલાક પૂરી આક્રમતા સાથે આવી પહોંચ્યો છે. આવા થનગનતા અને મનગમતા કલાકનું અભિવાદન કરવાનું ચૂકી જાય તે માણસ ‘નાસ્તિક’ ગણાય. જો આવો કોઈ કલાક એળે જાય, તો જીવન પાંજરાપોળ બની જાય એ શક્ય છે. ક્યારેક પાંજરાપોળમાં પણ બધી સગવડ હોય છે. ગમે તેટલી સગવડયુક્ત પાંજરાપોળ પણ ગૌશાળા ન બની શકે. જ્યાં માણસને ઊર્ધ્વમૂલ થનગનાટની અનુભૂતિ થાય ત્યાં ગોપાળકૃષ્ણ માંડ એક વેંત છેટા!
મહાકવિ કાલિદાસના પ્રાણવાન શબ્દો ‘મેઘદૂત’માં વાંચવા મળે છે. સાંભળોઃ
વિરહ દરમિયાન સ્નેહ ઓછો થાય
એમ લોકો કહે છે, પણ એવું નથી.
એવું ખરું કે વિરહ દરમિયાન
એ ભોગવવાનું બનતું નથી.
પરિણામે ધીરે ધીરે રસ એકઠો થતો જાય છે. અને રસ વધે તેમ
પ્રેમનો પુંજ બનતો જાય છે.
વાંચે ગુજરાત, વિચારે ગુજરાત
ભગવાનને કયો માણસ વધારે વહાલો હોય છે? જવાબ સાવ વિચિત્ર છે. ભગવાનને વહાલા માણસને લોકો ‘ઇડિયિટ’ કહે છે. એ એક એવો માણસ છે, જે વિચિત્ર જણાય છે. એ વિચિત્ર જણાય છે, કારણ કે બધા લોકો વિચારે તેના કરતાં સાવ જુદું વિચારવાની કુટેવનો માલિક હોવાને કારણે લોકો એની નિંદા કરે છે. જૂનાગઢમાં જન્મેલો ભક્ત નરસૈંયો આપણી ગુજરાતી ભાષાનો આદિકવિ જ નહિ ‘આદિ-ઇડિયટ’ હતો. સૂફી વિચારધારાના વિખ્યાત આલિમ ઇદ્રિસ શાહના એક પુસ્તકનું મથાળું છેઃ ‘વિઝડમ ઓફ ધ ઇડિયટ્સ.’ પુસ્તક વાંચીએ ત્યારે સમજાય કે ‘ઇડિયટ’ બનવાનું સૌના નસીબના નથી હોતું. જગતના લગભગ બધા જ ઇડિયટ્સ માતૃભાષાના માધ્યમમાં ભણ્યા હતા.
ગુજરાતમાં એક અનોખું આંદોલન ચાલ્યું. એવું આંદોલન જગતના કોઈ દેશમાં નથી ચાલ્યું. એ આંદોલનમાં સરકાર અને લોકો વચ્ચે સેતુ રચાયો. ‘વાંચે ગુજરાત’ આંદોલન ગુજરાતને ખૂણેખાંચરે પહોંચ્યું. જે સમાજમાં બુક-કલ્ચર ન હોય તે પ્રજાને ગરીબ રહેવાનો અધિકાર છે. જે માણસ વાંચે છે તે આદરણીય છે. જે માણસ મૌલિક રીતે વિચારે છે તે ‘ઇડિયટ’ છે. જે પુસ્તક વાંચ્યા પછી માણસ વિચારે ચડી જાય, એ પુસ્તક પવિત્ર ગણાય. સમજુ માણસોએ વિચારવા ન પ્રેરે તેવું પુસ્તક ન વાંચવાનો સંકલ્પ લેવો જોઈએ. ઉધાર પુસ્તક મફતમાં મળે તોય લેવું ન જોઈએ. દર વર્ષે જગતમાં ન વાંચવા જેવાં હજારો પુસ્તકો બહાર પડે છે. ગુજરાતના ગ્રંથપાલો તો સરસ્વતી મંદિરના દ્વારપાલો છે. પુસ્તકાલય મંદિર છે, વખાર નથી. પુસ્તકવિક્રેતા સાથે રુશવત દ્વારા ગામની કે નિશાળની લાઇબ્રેરીમાં ઘુસાડવામાં આવેલું પ્રત્યેક પુસ્તક લાઇબ્રેરીને વખાર બનાવનારું છે. ગુજરાતમાં રોજ એક ઉધાર પુસ્તકનું ‘વિમોચન’ થાય છે. પુસ્તકનું ‘પ્રકાશન’ થાય છે. એ પ્રકાશને એની મેળે પ્રસરવા દેવો રહ્યો. સારું પુસ્તક એના પોતીકા અજવાળે પ્રસરે છે. (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.