ઘરના ઝાંપે ઇરાદાની અવરજવર

0
1020

(ગતાંકથી ચાલુ)
ઘરના ઝાંપામાં દાખલ થતો આદમી આખરે કોણ છે? ઘણુંખરું તો એક અસભ્ય આદમી ઘરમાં રહેતા અસભ્ય આદમીને મળવા જતો હોય છે. આવનાર આદમીના માથા પર એક અદશ્ય ભારો હોય છે. એ પોતાના શુભ-અશુભ ઇરાદાઓનો ભારો લઈને ઝાંપો ખોલતો હોય છે. ઝાંપા પાસે એને આવકારવા માટે આવેલો ઘરનો માણસ પણ પોતાને માથે ઇરાદાઓનો અદશ્ય ભારો લઈને ઊભો હોય છે. આદમીની અવરજવર સાથે ઇરાદાની અવરજવર થતી જ રહે છે. બન્ને જણને ‘અસભ્ય’ કહ્યા તેનું રહસ્ય એ છે કે બન્ને પાસે પોતાના ‘ઇરાદા છુપાવવાની કલા’ હોય છે. આજકાલ નવાં બંધાયેલાં મકાનોમાં કન્સીલ્ડ વાયરિંગ અને વળી કન્સીલ્ડ પ્લમ્બિંગની ફેશન જોરમાં છે. લાઇટ દેખાય, પણ વાયર ન દેખાય. નળમાંથી પડતું પાણી દેખાય, પણ પાઇપ ન દેખાય. ‘અસભ્ય’ આદમી એટલે પોતાના કન્સીલ્ડ ઇરાદાનો ચાલાક માલિક. ઝાંપો વટાવીને ઘરમાં આવેલો માણસ ખૂલીને વાત ન કરે. ઘરનો માલિક વાત કરે, પણ ઠલવાઈ ન જાય. બન્ને સ્મિત પ્રગટ કરે, પણ ઇરાદા તો અપ્રગટ જ રહી જાય. આવું બને તોય લોકો તો એવું જ કહેવાના કે એ બે જણ ભળ્યા.’ લોકોને ખબર નથી કે ‘ભળવું’ એટલે શું. બસ લગભગ આવા જ કોઈ રિવાજ મુજબ માણસો મળતા રહે છે. સામી વ્યક્તિને ‘મળવું’ એ ખાવાના ખેલ નથી.
અર્જુન સરળ (ઋજુ) હતો. એના ભારતીય વંશજો સાવ અસરળ જણાય છે. રાજા રામના આ દેશમાં વાયદો તોડનારા ભારે બહુમતીમાં છે. અહીં વાયદો તૂટે તેનો ગમ વાયદો તોડનારને નથી સતાવતો. પ્લમ્બર હોય કે પ્રોફેસર, વાયદો તોડવામાં એમને કોઈ જ શરમ ન નડે. આ બાબતે બધો વાંક વાયદાતોડું રાજકારણીઓનો જ નથી. તેઓ સતત વાયદાભંજક પ્રજા સાથે કામ પાડતા હોય છે. સમગ્ર પ્રજા પેટમાં પાપ રાખીને જીભ પરથી પુણ્યના પરપોટા છોડતી રહે છે. સીધેસીધી સ્પષ્ટ વાત કરનાર આદમી આપણા ‘અસભ્ય’ સમાજમાં લગભગ એકલો પડી જાય છે. આપેલું વચન તૂટે ત્યારે વચનભંગ કરનાર માણસના મોં પર કોઈ ખટકો પણ જોવા નથી મળતો. નક્કી કરેલા સમયે સભા શરૂ ન થાય તો આયોજકોને કોઈ પણ જાતનો ખટકો નથી હોતો. એમને એવું લાગતું જ નથી કે કશુંક ખોરવાયું છે. યુવાન કોઈને કહે છેઃ ‘આઇ લવ યુ.’ આ તો એક દિવ્ય વાયદો ગણાય. ગીતાની પરિભાષામાં કહીએ તો એ ‘ઊર્ધ્વમૂલ’ વાયદો ગણાય. આવો પવિત્ર વાયદો તૂટે ત્યારે પણ ખટકો ન અનુભવે તે માણસ ‘ચાલાક’ ગણાય. ખરેખર એ માણસ દયનીય છે.

માર્ટિન બુબર જેવા યહૂદી મહાત્માએ ‘મિટિંગ’ (મળવું) પર ખૂબ જ ઊંડું ચિંતન કર્યું છે. બે મનુષ્યો ખરેખર ‘મળે’ એ ઘટના દોહ્યલી છે. રામ અને ભરત ચિત્રકૂટમાં મળ્યા એને ‘મળવું’ કહેવાય. રાધા અને કૃષ્ણ વ્રજમાં મળે તેને ‘મળવું’ કહેવાય. ગાંધીજી અને મહાદેવ દેસાઈ મળે તેને ‘મળવું’ કહેવાય. શિવાજી અને અફઝલ ખાન મળે તેને ‘મળવું’ ન કહેવાય. ઝાંપો વટાવીને આપણને મળવા આવેલી વ્યક્તિ પોતાની સાથે થોડાંક વાઇબ્રેશન્સ લેતી આવે છે. એ વાઇબ્રેશન્સ સહજપણે ઝીલવાનું બને ત્યારે ‘મળવું’ સાર્થક થાય. ઝાંપો તો શક્યતાના મંદિરનો દ્વારપાલ છે. પ્રતીક્ષા પવિત્ર છે, કારણ કે એનો મનો-આધ્યાત્મિક સંબંધ શક્યતાના મંદિર સાથે રહેલો છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી એક પ્રયોગ શરૂ કર્યો છે. ઘરના ઝાંપામાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશે ત્યારે મનોમન મારી જાતને કહું છુંઃ ‘પ્રેમ અને આદરની નાનકડી પોટલી માથે મૂકીને આવેલી આ વ્યક્તિને હું કોઈ પણ રીતે છેતરીશ નહિ. એને સાચેસાચું કહીને નારાજ કરું એ શક્ય છે. એના કોઈ વર્તનથી હું નારાજ થાઉં એ પણ શક્ય છે, પરંતુ સુંદર શબ્દો વડે અને જૂઠી વાણી વડે હું એને કદી છેતરીશ નહિ. એ ઝાંપો છોડીને જાય ત્યારે નાખુશ થઈને જાય એ માન્ય છે, પરંતુ છેતરાઈને ખુશ થતો થતો જાય એ મને મંજૂર નથી.’ કોઈને પણ ના છેતરવાનો સંકલ્પ એ જ કદાચ અધ્યાત્મનો પ્રારંભ છે. જાતને છેતર્યા વિના અન્યને છેતરવાનું અશક્ય છે. વાચકોને ન છેતરવાનો પ્રયત્ન એ કલમનું ચારિત્ર્ય છે અને એ જ સાહિત્યકારનું તપ છે.
એક ગરીબ માણસને જબરી ભૂખ લાગી. એ મંદિરે ગયો, પરંતુ કોઈએ એને મદદ ન કરી. નિરાશ થઈને એ ચર્ચ પર ગયો. ત્યાં પણ કશું ન વળ્યું. છેવટે એ મસ્જિદે ગયો. ત્યાં પણ એને મદદ ન મળી. છેવટે એ માણસ મદિરાલય (મધુશાલા) આગળ જઈને ઊભો રહ્યો. અંદરથી એક માણસ આવ્યો. એણે ચિક્કાર શરાબ પીધો હતો. એણે પેલા ગરીબ માણસને ગજવામાં હતા તેટલા રૂપિયા આપી દીધા. ભૂખ્યા માણસે ઊંડો નિસાસો નાખીને આકાશ ભણી જોયું અને કહ્યુંઃ ‘હે ભગવાન! તું પણ કમાલ કરે છે. તું રહે છે ક્યાં અને સરનામું ક્યાંનું આપે છે!’

ઇરાદા માટે વેદમાં અત્યંત સુંદર શબ્દ પ્રયોજાયો છે. ‘ઇરાદો’ એટલે ‘આકૂતિ’. ઋષિ કહે છેઃ ‘હે પ્રભુ, અમારા ઇરાદા સમાન હો.’ ઇરાદાનો નાળસંબંધ હૃદય સાથે છે. ઋષિ આગળ કહે છે ઃ ‘અમારા હૃદય સમાન હો.’ ઇરાદાની અસમાનતામાંથી કપટ જન્મે છે. કોઈ સભામાં શ્રોતા બગાસું ખાય તે વક્તાને ન ગમે, પરંતુ બગાસું શ્રોતાનો અત્યંત કપટરહિત અને નિખાલસ અભિપ્રાય ગણાય. નરસિંહ મહેતાએ વૈષ્ણવજનનાં લક્ષણો ગણાવ્યાં તેમાં કહ્યુંઃ વૈષ્ણવજન ‘કપટરહિત’ હોય છે. કપટમુક્તિની સાધના આજથી શરૂ! (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here