ઘડાઈ રહ્યો છે નવો રાષ્ટ્રીય પાઠયક્રમ

 

નવી દિલ્હીઃ શાળાનાં શિક્ષણ માટે નવા રાષ્ટ્રીય પાઠયક્રમનું માળખું આ વર્ષના અંત સુધીમાં તૈયાર કરવામાં આવી શકે છે. શિક્ષણ મંત્રાલય વર્ષ ર૦રરના અંત સુધીમાં શાળાનાં શિક્ષણને આવરી લઈ એક નવો અને વ્યાપક રાષ્ટ્રીય પાઠયક્રમ તૈયાર કરે તેવી સંભાવના છે. નવા પાઠયક્રમમાં દેશ સાથે જોડાયેલી માહિતી, બાળકોમાં વૈજ્ઞાનિક સોચ તથા ર૧મી સદીના કૌશલ વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

શાળા શિક્ષણ તથા સાક્ષરતા બાબતના સચિવ અનિતા કરવલે સ્ટાર્ટઅપ ભારત નવાચાર સપ્તાહ પર આયોજિત એક કાર્યક્રમમાં ઉપરોક્ત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમે નવા રાષ્ટ્રીય પાઠયક્રમનું માળખું વિકસીત કરવાની પ્રક્રિયામાં છીએ. આ વિષય પર જાણીતા વૈજ્ઞાનિક ડો. કસ્તુરી રંગનનાં નેતૃત્વમાં એક સમિતિ ઉંડાણથી ચર્ચા વિચારણા કરી રહી છે. કરવાલે વધુમાં કહ્યું કે અમોને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં અમે શાળાનાં શિક્ષણ માટે નવો તથા વ્યાપક રાષ્ટ્રીય પાઠયક્રમનું માળખું રજૂ કરી શકીએ છીએ. નવા રાષ્ટ્રીય પાઠયક્રમમાં દેશ સાથે જોડાયેલી બાબતો ઉપરાંત સમસ્યાઓનો ઉલ્લેખ હશે. જે હેઠળ બાળપણથી જ બાળકોમાં વૈજ્ઞાનિક સોચના વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. બાળકોમાં ગણતરી સંબંધિત સોચ વિકસીત કરવા પર ભાર મૂકવામાં આવશે. બાળકોમાં ગણિતીય ઉપરાંત નાગરિક ગુણો સંબંધિત તત્ત્વોને મહત્ત્વ આપવામાં આવશે. જેમાં મૌલિક કર્તવ્ય તથા અધિકારના પાઠયક્રમો આવરી લેવામાં આવશે. ર૧મી સદીનાં કૌશલ્યને પણ ધ્યાને લેવામાં આવશે.