ઘંટની દિલચસ્પ દાસ્તાન

ઘંટારવ, ઘંટડીનો રણકાર કે ઘંટ સાથે ઢોલ-શંખનાદ સંભળાય કે તરત જ મસ્તિષ્કમાં લાઇટ થાય કે આરતી શરૂ થઈ છે. વળી નાતાલના પર્વમાં ‘જિંગલ બેલ, જિંગલ બેલ, જિંગલ ઓલ ધ વે’, ક્રિસમસનું ટ્રી ડેકોરેશન અને તેમાં ઝૂલતી નાની-નાની રંગબેરંગી ઘંટડીઓ, ગ્રીટિંગ કાર્ડમાં, બેલરાજાના શણગાર, ચર્ચના માથે બેલ રિન્ગિંગ વગેરે નાદ કરતાં ઘંટ-ઘંટડીઓનાં ગુણગાન ગાય છે. પણ શા માટે ઘંટનાદ? શા માટે બેલ-ગાન? કારણ કે ઈસુનો જન્મ થયો હતો ત્યારે ઘંટનાદ થયો હતો. ખ્રિસ્તીઓ ઘંટને પ્રેમનું પ્રતીક અએ સંરક્ષણની ખાતરી બતાવે છે. ઘંટનાદથી શુભ શુકન થાય, ખરાબ તત્ત્વો ભાગે, પવિત્ર વાતાવરણ સર્જાય અને માનવ-જીવડો ઈશ્વરનો આરાધક બને! હિન્દુ ધર્મમાં મંદિરોમાં નાના-મોટા ઘંટ હોવા, ઘરના પૂજાઘરમાં ઘંટડીનો રણકાર, શાળાનો ઘંટ, જાહેર સ્થળોનો સમય-માહિતીદર્શક ઘંટનાદ વગેરે માનવજીવન સાથે વણાઈ ગયા છે. ઘંટ વાગે ને ભગત જાગે! નાતાલના દિવસોમાં દાન મેળવવા ઘંટનો ઉપયોગ થતો. ‘સાલ્વેશન આર્મી’ નામની સંસ્થા દુકાને-દુકાને જઈ ઘંટ વગાડી દાન ભેગું કરે છે અએ તેમાંથી કપડાલત્તાં, મીઠાઈ, ખાણી-પીણી વગેરે ગરીબોને પહોંચાડે છે, આ જોતાં કહેવાયઃ
ઓ ઘંટ અવનિ પરે, અદ્ભુત રણકાર તું,
નાના-મોટા ધ્વનિ થકી, માનવ જગાડે તું!
મંદિર, ચર્ચ, દેવળમાં, તારો મહિમા ભારી,
મઠ, દેરાસર, સ્તૂપમાં, તારી ચમક ન્યારી!
આ ઘંટ-ઘંટડીનો ક્યાં અને શું ઉપયોગ થતો હતો અને અત્યારે પણ થાય છે. ટૂંકમાં જાણીએ તો દેવસ્થાનોના આંગણામાં ઘંટ લટકાવવામાં આવે છે. બૌદ્ધ ધર્મીઓ સ્તૂપઘંટને અતિપવિત્ર માને છે. જૈનધર્મમાં પૂજન-અર્ચન પદ્ધતિમાં ઘંટ જરૂરી મનાય છે. કદાચ ભક્ત પોતાના આાગમનની જાણ ઘંટ વગાડી ભગવાનને કરતો હશે! આરતી વેળાનો ઘંટનાદ, વાજિંત્ર ધ્વનિ મંદિરના વાતાવરણને પવિત્ર, જાગૃત અને સક્રિય બનાવે છે, ટૂંકમાં કહી શકાય કે ઘંટ લોકસંપર્કનું સાધન છે. ઘંટનું કિશોર સ્વરૂપ ટોકરી અને બાળસ્વરૂપ ઘંટડી છે. પાલતુ જાનવર અને ગાયના ગળામાં રણકતી ઘંટડી બાંધવામાં આવે છે, જેથી તેનું આવન-જાવન ધ્યાનમાં આવે. સ્વિટ્ઝર્લેન્ડ જેવા પશુપાલક દેશોમાં બધી જ ગાયોના ગળામાં ઘંટડી બંધાતી, તેનાં ટોળાંનાં જતાં-આવતાં મધુર ધ્વનિની સુરાવલી સર્જાય છે. સ્ત્રીઓના અલંકારોમાં, ચિત્ર-શિલ્પકારોની કલામાં, પવિત્ર ધાર્મિક પત્રોમાં ઘંટનાં વિવિધ સ્વરૂપો કલાત્મક રીતે મુકાય છે, જે સ્વાગત, પ્રેમ અએ ઊર્મિની નિશાની છે.

ઘંટના નિર્માણ અને પરિવર્તનની કથા
ઘંટનું પ્રથમ પ્રાગટ્ય – નિર્માણ – એશિયા ખંડમાં થયું હતું. ઈ. સ. પૂર્વે 800ના સમયગાળામાં પુરાતત્ત્વ ખાતાના નિષ્ણાતોને ઘંટનાં પ્રથમ દર્શન થયાં હતાં. આદિ માનવને જ્યારે જાણ થઈ કે વાસણ, થાળી, પથ્થર કે ધાતુના ટકરાવથી નીકળતો નાદ-ધ્વનિ મનોરંજક છે, ત્યારે તેણે થાળી જેવા સપાટ ગોળાકાર ધાતુના વાસણને પ્રથમ ધ્વનિ-નાદ-સાધન બનાવ્યું. પછી તેના વડે સંદેશાનું આછુંપાતળું આદાન-પ્રદાન શરૂ થયું. આ વેળા થાળી આકારો સર્જાયા. પછી લાકડાના ટુકડા, ધાતુના સળિયા વડે સરળતાથી ધ્વનિસર્જન કરતા થયા. તેમાં બુદ્ધિશાળીઓ વડે સુધારા-વધારા કરી બહિર્વક્ર અને ઈ. સ.ની 13મી સદીમાં આંતરવક્ર ઘંટ થયા, અને ઈ. સ. 1400ના સાલમાં ઊંડા વ્યવસ્થિત આકારના ધાતુના ઘંટ બન્યા.
સમય જતાં વૈજ્ઞાનિક રીતે ધાતુમિશ્રણના ચોક્કસ પ્રમાણ નક્કી કરી, બીબામાં ઢાળી, તેમાં બારીક છિદ્રો રાખી ઘંટ બનતા, જે મીઠો રણકો ઉત્પન્ન કરી શકતા. પછી ઘંટની શોભા વધારવા તેના પર કલાત્મક આકારો મૂકવા શરૂ થયા, જેમાંથી ગરુડઘંટ, વજ્રઘંટ, ડ્રેગનઘંટ, નાગઘંટ, શંખઘંટ તથા પશુ-પક્ષીની ડોકવાળા ઘંટ બનવા શરૂ થયા. ઘંટ બનવા સાથે તેના ઉપયોગ અને પ્રકારો પણ વધવા લાગ્યા. સ્કેન્ડેનિવિયામાં ફાર્મ બેલ વગાડી મજૂરોને ભેગા કરાતા. સ્કોટલેન્ડમાં 19મી સદી સુધી વ્યક્તિના મૃત્યુ અને અંતિમવિધિની જાણકારી બેલ વગાડી કરવામાં આવતી, જેને ‘ડેડ-બેલ’ કહેવામાં આવતો. ઘંટનાદથી શત્રુ સૈન્યના આગમનની જાણ કરવામાં આવતી. ગ્રીસમાં બજારમાં વેચાણ માટે તાજી માછલી આવ્યાની જાણ ઘંટ વગાડીને કરાતી. ચર્ચમાં ઘંટનાદથી ભક્તો પ્રેયર માટે એકત્ર થતા. ખલાસીઓ ઘંટ વગાડી જોખમ-સલામતીની જાણ કરતા. કેટલાક દેશોમાં માનવસમૂહ એકત્ર કરવા, ચર્ચા-મિટિંગ-સભા કરવા બેલ વગાડી જાણ કરવામાં આવતી. આના વિશે આપણે ટૂંકમાં જોઈશું.


વિશ્વના પ્રખ્યાત ઘંટ!
વિશ્વનો સૌથી જૂનો ઘંટ બેબિલોન ક્ષેત્રમાં 3000 વર્ષ પૂર્વે મળ્યો હતો.
1420ની સાલમાં ચીનના પેકિંગ શહેરમાં ઘંટ બનાવવામાં આવ્યો હતો, આ ઘંટ જૂનો છે, તેનું વજન 54 મેટ્રિક ટન હતું અને ઉપર બૌદ્ધ મંત્રો કોતરાયેલા હતા.
1848માં મલેશિયામાં બનેલો ‘ધમ્માઝેડી’ નામનો ઘંટ જગતમાં સૌથી મોટો ઘંટ હતો. આ ઘંટનું વજન 300 ટન હતું. 1608માં પોર્ટુગીઝોએ આક્રમણ કરી આ ઘંટ તોડીને ફેંકી દીધો હતો.
રશિયાના મોસ્કો શહેરમાં ક્રેમલિન રજવાડાનો વિશ્વનો સૌથી મોટો ઘંટ હતો, જે 1733માં બનાવાયો હતો. તેની ઊંચાઈ છ મીટર, પરિઘ 20 મીટર, વ્યાસ સાત મીટર અને વજન 174 મેટ્રિક ટન હતું. આ ઘંટને ‘ઝાર કોલેર્કોલ’ એટલે ‘ઘંટા-સમ્રાટ કહેવામાં આવતો.’ જોકે બનાવ્યા પછીનાં બે-ત્રણ વર્ષમાં જ વગાડાતાં આ ઘંટ તૂટી ગયો હતો, પરંતુ તેના ટુકડા આજે પણ જાળવી રાખવામાં આવ્યા છે.
મોસ્કોમાં અને ત્યાર પછી ‘ત્યાર-બેલ’ નામનો બીજો મહત્ત્વનો ઘંટ બન્યો છે, જેનું વજન 160 મેટ્રિક ટન હતું. તેને પૂર્વાનુભવના આધારે વગાડવામાં આવ્યો નહોતો, છતાં તેનું કાળક્રમે ‘મૃત્યુ’ થયું હતું!
મ્યાનમારના મિગૂલ સ્થળે વગાડી શકાય તેવો એક વિશાળ ઘંટ બન્યો છે, જેને ‘મિગૂલ ઘંટ’ કહે છે. તેનું વજન 90 મેટ્રિક ટન છે.

જર્મનીમાં આવેલા ‘સેન્ટ પીટર બેલ’નો અવાજ સૌથી મોટો છે અને વજન 22 મેટ્રિક ટન છે.
મેક્સિકોમાં ‘ડોલોરો ચર્ચ’ના ઘંટનું ઐતિહાસિક મહત્ત્વ એ રીતે છે કે દેશના સ્વાતંત્ર્ય યુદ્ધનો આરંભ આ ઘંટ વગાડીને થયો હતો.
અમેરિકાનો ‘લિબર્ટી બેલ’ પણ આવો જ પ્રસિદ્ધ ઐતિહાસિક ઘંટ છે, જે ફિલોડેલ્ફિયામાં છે. ચોથી જુલાઈ, 1776ના રોજ અમેરિકાના સ્વાતંત્ર્યની શુભ જાહેરાત આ બેલ વગાડીને થઈ હતી.
લંડનમાં લોકસભાગૃહના વેસ્ટ મિન્સ્ટર ટાવરનો ‘બિગ-બેન’ ઘંટ ઘણો પ્રસિદ્ધ છે, જે હાલ જ 2017માં રિપેર કરાયો છે.
‘મારીના-ગ્લોરિસા’ માત્ર જર્મની જ નહિ, પરંતુ આખા યુરોપની સૌથી સુંદર ‘લવલી ઘંટા’ તરીકે જાણીતી છે, અન્ય ઘંટનું રોલમોડલ છે.
ભારતમાં પણ નાસિક પાસે આવેલો ‘નારોશંકરનો ઘંટ’ જોવા જેવો છે.
દક્ષિણ ભારતમાં નંદીમંદિરનો ઘંટ પણ અતિશય ભવ્ય છે.
ઇટાલીમાં ‘કેપલિની’ નામે ઘંટાઘર આવેલું છે, લગભગ છઠ્ઠી સદીમાં ચર્ચના પરિસરમાં આ ઘંટાઘર બાંધવામાં આવ્યું હતું. ચર્ચની આસપાસ એક ઊંચી જગ્યા પર આ ઘંટ લટકાવવામાં આવ્યો છે.
ઇટાલીમાં સમ્રાટના સ્મારક રૂપે કેટલાક ભવ્ય ઘંટાઘરો બંધાયાં છે.
વેનિસમાં ફ્્લોરિડા રાજ્યમાં માઉન્ટલેકમાં ‘એડવર્ડ બોકે’ નામે પ્રસિદ્ધ ટાવર બાંધ્યું છે, જેને ‘સિન્ગિંગ-ટાવર’ કહેવામાં આવે છે. આ ટાવરમાં અનેક નાની-નાની ઘંટડીઓ અને તેમાંથી નીકળતા સંગીતને કેરિલોન કહેવામાં આવે છે.
દુનિયાનું સૌથી મોટું કેરિલોન ન્યુ યોર્ક શહેરના ‘રિવર-સાઇડ-ચર્ચ’માં છે, તેમાં 72 ઘંટ છે, તે બધાનું વજન 97 મેટ્રિક ટન જેટલું છે.

બેલ્જિયમના મેચેલીન શહેરનું કેરિલોન મધુર નાદ-ધ્વનિ માટે પ્રસિદ્ધ છે, જેમાં 45 ઘંટ છે.
સંગીતની દુનિયામાં પણ વાદ્ય તરીકે ઘંટનો ઉપયોગ કરવામાં આવે છે. પાશ્ચત્ય વાદ્યવૃંદમાં ‘અઘાત’ વાદ્યમાં નલિકા ઘંટા અંતર્ભૂત હોય છે. હસ્તઘંટા (હાથથી વગાડતી ઘંટડી) પણ એક વાદ્ય જ છે. એક સપ્તક અથવા અધિક સપ્તકની નાની-નાની ઘંટા હોય છે. બે વાદક પોતાના એક-એક હાથમાં બે-બે ઘંટા દોરી પકડીને વગાડે છે. યુરોપમાં આ પ્રકારે હસ્તઘંટા વગાડીને સંગીતનો કાર્યક્રમ આપનારા કલાકારો છે, જેઓને વિવિધ દેશોમાં આવા કાર્યક્રમો માટે ખાસ બોલાવવામાં આવે છે. બેલ્જિયમ તથા નેધરલેન્ડમાં ‘કાન્તિયન’ નામનો ઘંટવાદનનો એક વિશિષ્ટ પ્રકાર છે. તેમાં તરુણ વયના કુશાળ વાદકો ઓર્ગનમાંના મેન્યુઅલ તથા પેન્ડલની મદદથી વાદન કરે છે. ક્યારેક તેઓ 5થી 12 ઘંટને ગોળાકાર ફેરવીને વગાડે છે. આને ‘ઘંટા-મંડળ-નાદ’ (ભારતીય નામ) કહેવામાં આવે છે.
શાળા, કોલેજ, છાત્રાલય, ભોજનાલય, જેલખાના, રમતના મેદાન વગેરે પર ઘંટ વગાડી માહિતી આપવામાં આવે છે. આપણા મનોમસ્તિષ્કમાં મંદિરના ઘંટનો રણકાર સ્થાયી થઈ ગયો છે. ઘંટનાદ સાથે ઈશ્વરને યાદ કરી વિરમીશું.

લેખક કેળવણીકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here