ગ્રેટ બેન્ક રોબરી…: પ્રજાને બેન્કિંગ વ્યવસ્થામાં વિશ્વાસ નથી!

0
1108

પંજાબ નેશનલ બેન્કમાં રૂ. 11,000 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી સરકારી – જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણની ચર્ચા શરૂ થઈ છે અને હકીકતમાં તો બેન્કિંગ વ્યવસ્થા ઉપર જનતાનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. સવાલ માત્ર રૂ. 11,000 કરોડના ફ્રોડ (છેતરપિંડી શબ્દ નાનો પડે?)નો નથી, પણ જાહેર ક્ષેત્રની બેન્કોનાં ખાતાંમાં 10 લાખ કરોડની ‘બેડ-લોનો’ની ગણતરી સાથે અબજો રૂપિયા – જનતાનાં નાણાંનો છે. હવે કૌભાંડની તપાસ થયા કરશે. કેટલા નીરવ મોદી પકડાયા કરશે? કેટલા આપણા કાયદા – કાનૂનને હાથતાળી આપ્યા કરશે? આપણી ચિંતા અને સરકારની જવાબદારી બેન્કિંગ વ્યવસ્થામાં જનતાનો વિશ્વાસ સ્થાપિત કરવાની છે. કૌભાંડ પાછળ કયા નેતાઓનો ‘હાથ’ હતો અને બેદરકારી કોની છે તેની ચર્ચા-વિવાદનો અંત ક્યારે આવશે? હવે રક્તવિહીન ગ્રેટ બેન્ક રોબરી થાય છેઃ બંદૂક વિના. આપણી લોકશાહીમાં ચૂંટણીનો પ્રભાવ એટલો બધો છે કે રાજતંત્રની વેદી ઉપર અર્થતંત્રનો બલિ ચઢાવાયો છે! (ઇટ્સ પોલિટિકલ, ઇડિયટ!) આજની યુવા પેઢીને જાહેર ક્ષેત્રની બેન્કોના ઇતિહાસની જાણ પણ નહિ હોય! જાહેર ક્ષેત્રની બેન્કોના આજના ‘અવતાર’ પાછળ રાજકારણ છે. 1969માં કોંગ્રેસ પક્ષમાં સત્તાની સાઠમારી શરૂ થઈ. 1967ની દેશવ્યાપી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પરાજય પછી વડા પ્રધાન કોણ બને તેનો વિવાદ શરૂ થયો. સ્વ. મોરારજીભાઈ દેસાઈ – યોગ્ય ઉમેદવાર હતા. પણ ઇન્દિરા ગાંધી દાવેદાર હતાં અને પ્રમુખ કામરાજ સહિત કેટલાક નેતાઓ ઇન્દિરા ગાંધીને ટેકો આપતા હતા. ઇન્દિરા ગાંધી આપણા ‘કહ્યામાં’ રહેશે એવી એમની ધારણા – આશા ઠગારી હતી. મોરારજીભાઈને નાયબ વડા પ્રધાન – નાણાં ખાતાં સાથે બનાવીને છેતરામણું સમાધાન થયું – આ દરમિયાન રાષ્ટ્રપતિ ડો. ઝાકિર હુસેન ગુજરી ગયા. નવા રાષ્ટ્રપતિ માટે ઉમેદવારની પસંદગી શરૂ થઈ અને સાથે જ સત્તાની શતરંજ.

ઇન્દિરા ગાંધીને અવિશ્વાસ – ખાતરી હતી કે રાષ્ટ્રપતિ એમની પસંદગીના નહિ હોય તો સિન્ડિકેટના નેતાઓ સત્તાપલટો કરાવશે અને વડા પ્રધાનપદ હાથમાંથી જશે. આથી એમના ટેકેદારોએ મોરારજીભાઈ અને નાણાં ખાતાંને નિશાન બનાવી સમાજવાદી નીતિની રાજરમત શરૂ કરી. કોંગ્રેસમાં સમાજવાદી ફોરમ શરૂ થઈ અને જનતાના ‘કલ્યાણ’ માટે ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાની માગણી ઊઠી. અનાજના વ્યાપાર તથા આયાત-નિકાસનું રાષ્ટ્રીયકરણ કરવાની માગણી પણ હતી. છતાં ખાનગી બેન્કો લક્ષ્ય આસાન હતું! તત્કાલીન ખાનગી માલિકીની બેન્કો માત્ર શહેરી વિસ્તારોના લાભમાં – ધનવાનો – વ્યાપાર-ઉદ્યોગનાં હિતાર્થે કામ કરે છે અને ગ્રામીણ જનતાને લાભ મળતા નથી, એવી દલીલબાજી શરૂ થઈ ત્યારે મોરારજીભાઈએ વિકલ્પ સૂચવ્યો – બેન્કો ઉપર સામાજિક નિયંત્રણો – સોશિયલ કન્ટ્રોલનો. ગ્રામીણ વિસ્તારોમાં વધુ શાખાઓ ખૂલે અને જનતાને લોન – ધિરાણનો લાભ મળે, પણ ઇન્દિરા ગાંધીનું લક્ષ્ય સત્તાના રાજકારણ ઉપર હતું અને એમણે રાતોરાત 14 મોટી ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાનો વટહુકમ બહાર પાડ્યો. મોરારજીભાઈ પાસેથી નાણાં ખાતું ખૂંચવી લીધું અને ધારણા મુજબ મોરારજીભાઈએ રાજીનામું આપી દીધું! બેન્કોના રાષ્ટ્રીયકરણ પછી દેશભરમાં પ્રચાર – ઉત્સવ મનાવવાની શરૂઆત થઈ. રાજધાનીમાં ઢોલ-નગારાં સાથે ઇન્દિરા ઝિન્દાબાદ – આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈં -નાં સૂત્રો મહિનાઓ સુધી ગાજ્યાં. ભૂતપૂર્વ રાજવીઓનાં સાલિયાણાં પણ રદ થયાં – સમાજવાદી યુગમાં ગરીબી હટાઓ -ના રાજકારણનો વિજય થયો. આ પછી રાષ્ટ્રીયકરણનો વ્યાપ વિસ્તરતો ગયો. આજે કુલ 21 બેન્કો જાહેર ક્ષેત્રમાં છે અને દેશભરની નાણાકીય બેન્કિંગ વ્યવસ્થામાં 60 ટકા હિસ્સો ધરાવે છે. આમ છતાં માત્ર 23 વર્ષ જૂની એચડીએફસી બેન્ક આગળ છે! જાહેર ક્ષેત્ર એટલે સરકારી માલિકીની બેન્ક અને સરકાર એટલે શાસક પક્ષના નેતાઓ! નેતાઓ ધારે તો લોન મળે અને પસંદગીના મેનેજરો હોય! આ સંબંધમાં એક વાત જાણવા જેવી છે. વાચકોને જીમી નગરવાલાનું નામ યાદ હશે? સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પાર્લમેન્ટ સ્ટ્રીટ શાખા – મુખ્ય કાર્યાલયના સ્ટ્રોન્ગ રૂમમાં રૂ. 60 લાખ ખાનગી રીતે રાખવામાં આવ્યા છે, એવી વાત બહાર આવતાં સંસદમાં હો-હા મચી ગઈ. ખુલાસો એવો થયો કે આ કોંગ્રેસ પક્ષનાં નાણાં ચૂંટણીખર્ચ માટે છે! ચીફ કેશિયર મલ્હોત્રા ‘સસ્પેન્ડ’ થયા અને વખત જતાં મેનેજર બનાવાયા!

ગ્રામીણ વિસ્તારોમાં શાખાઓ તો ખૂલી – અને જો ગરીબો – ખેડૂતોનું કલ્યાણ થવાનું હોય – તો દુર્દશા કેમ થઈ? બેન્કોએ પ્રામાણિક અને કુશળ કામગીરી કરી હોત તો ખેડૂતોની આત્મહત્યાઓ શરૂ થઈ હોત નહિ, પણ લોન મેળવવા માટે નેતાઓના – દલાલો હતા. આ પછીના યુગમાં લોનમેળા શરૂ થયા તે યાદ છે? કેટલી લોન કોને મળી? આ સમાજવાદી સપાટો છેક 1991 સુધી ચાલ્યો! એ પહેલાં 1977માં જનતા સરકાર આવી. અનેક સરકાર આવી અને ગઈ, પણ જાહેર ક્ષેત્રની બેન્કોનો પ્રશ્ન કોણ પૂછે? ‘ગરીબવિરોધી’ કોણ બને? 1991માં અર્થતંત્રની હાલત કથળી ગઈ ત્યારે વડા પ્રધાન પી. વી. નરસિંહરાવ હતા. નાણાં ખાતું ડો. મનમોહન સિંહને સોંપાયું ત્યારે વિશ્વબેન્કની મદદ મેળવવા માટે ‘પાસવર્ડ’ ડો. સિંહનું નામ હતું! આર્થિક સુધારા શરૂ થયા. ખાનગી બેન્કોને લાઇસન્સ મળ્યાં, પણ જાહેર ક્ષેત્રની બેન્કો યથાવત્ રહી!
વર્ષ 2008માં વિશ્વના ધનાઢ્ય દેશોમાં બેન્કિંગ કટોકટી વ્યાપી ત્યારે આપણી વ્યવસ્થા અણનમ હતી – અને આ માટે સોનિયા ગાંધીએ ઇન્દિરા ગાંધીની રાષ્ટ્રીયકરણની સિદ્ધિને બિરદાવી હતી! પણ જાહેર ક્ષેત્રની બેન્કો ગરીબોની નહિ – મોટા બદમાશો – કૌભાંડકારીઓની સેવામાં છે એ બાબત ઉપર કોનું ધ્યાન ગયું? પાકિસ્તાનથી અબજો રૂપિયાની ચલણી નોટોની ઘૂસણખોરી થાય છે અને આપણા અર્થતંત્રને ખોરવી નાખવાનું કાવતરું છે એ પણ મોડેથી ખબર પડી. આતંકવાદીઓનાં નકલી નાણાં બંધ થયાં – પણ તે મોદીની નોટબંધી પછી! પાંચસો અને સોની નકલી નોટોની ઓળખ અને ચેતવણી આપવાનું રિઝર્વ બેન્કે બંધ કર્યું, કારણ કે ગભરાટ ફેલાઈ જાય – આ તમામ ખતરાઓથી વધુ મોટો ખતરો આપણા જ – સ્વદેશી બદમાશો -નો હોવાની આપણને હવે ખબર પડી!

જાહેર ક્ષેત્રની બેન્કોનાં એનપીએ – લોન આપ્યા પછી તેનું વ્યાજ તો ઠીક, મુદ્દલ પણ ગાયબ! રિઝર્વ બેન્કના ગવર્નરપદે રઘુરામ રાજન આવ્યા પછી તપાસ થઈ કે આવી – બેડ લોનો – બેલેન્સશીટમાં છુપાવી દેવાય છે. એક તબક્કે માર્ચ, 2012માં 1.12 હજાર કરોડની આવી લોનો હતી! રિઝર્વ બેન્કે આ પછી રૂ. 800 હજાર કરોડનો ‘બેડ લોન’ હિસાબ પકડ્યો! સરકારી બેન્કો નફો તો કરે નહિ, પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 2017માં ત્રિમાસિક ગાળામાં ખોટ બતાવી – સત્તર વર્ષમાં આ પહેલી વખત ખોટ આવી. વિશ્વભરમાં બેન્કો સાથે ધોખાઘડી – છેતરપિંડી-નો ઘણો મોટો ‘ધંધો’ ચાલે છે. એસોસિયેશન ઓફ સર્ટિફાઇડ ફ્રોડ એક્ઝામિનર્સના અહેવાલ મુજબ 2015-16ના વર્ષ દરમિયાન આવા કૌભાંડનાં પરિણામે 67 બિલિયન – અબજ ડોલર ગાયબ થયા હતા! આપણા દેશમાં 1990ના દાયકામાં હર્ષદ મહેતા – 4999 કરોડનું કૌભાંડ થયું – બેન્કોની બનાવટી રસીદો હતી. નીરવ મોદીએ બનાવટી ખાતરી – પત્રો – લેટર ઓફ અન્ડરટેકિંગ-નો ઉપયોગ કર્યો.
ખાનગી મોટી બેન્કોના મેનેજરો અને કર્મચારીઓએ નોટબંધી વખતે ઘણી ગોલમાલ કરી હોવાની ચર્ચા છે. ખાતેદારો પાસેથી વિવિધ સર્વિસના ચાર્જ પણ વસૂલ થાય છે – ખાતેદારોને જાણ પણ હોતી નથી. આમ છતાં મોટા ગોટાળા પણ પકડાય છે. સરકારી બેન્કોનાં રેગ્યુલેટર પણ અંધારામાં – અથવા તો આંખમીંચામણાં કરતાં હોય છે છતાં આપણને વધુ ભરોસો સરકારી બેન્કો ઉપર છે. આખરે ‘સરકારી બેન્ક’નો ભરોસો જ થાય એમ આપણે માનીએ, કહીએ છીએ, પણ આપણી ડિપોઝિટો ‘ગાયબ’ થાય તો માત્ર રૂ. એક લાખ સુધીનો વીમો હોય છે! કેટલી સહકારી બેન્કોએ જનતાનો વિશ્વાસઘાત કર્યો છે!
પંજાબ નેશનલ બેન્કની ઘટના પ્રકાશમાં આવ્યા પછી ‘ખાનગીકરણ’ની માગણી ઊઠી છે. શું ખાનગી બેન્કોના માલિકો દૂધે ધોયેલા હોય છે? અત્યાર સુધીમાં 36 નાની- ખાનગી બેન્કો – સહકારી બેન્કો – જાહેર હિતમાં ‘રિઝર્વ બેન્કની’ તપાસ અને નિયંત્રણ હેઠળ મૂકવી પડી છે. અમદાવાદ પછી મુંબઈની કપોળ બેન્કનો અનુભવ છે. રિઝર્વ બેન્કે ઘણી બેન્કોને જાહેર ક્ષેત્રની બેન્કો સાથે જોડી દીધી છે – ભેળવી દીધી છે. જાહેર ક્ષેત્રની બેન્કોનો વહીવટ સુધારવાની જરૂર છે – ખાનગી ક્ષેત્રને સોંપવાનું તો સહેલું છે. અત્યારે લોબિંગ જોરદાર ચાલે છે અને હવા જામી છે. શું આ એક જ માર્ગ છે? રિઝર્વ બેન્કે નિયંત્રણની નિષ્ફળતા સ્વીકારી છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ જનતાના લાભાર્થે ‘જનધન’ ખાતાં ખોલાવ્યાં છે – કરોડો લોકોને લાભ મળ્યો છે, પણ હવે સરકારી બેન્કોની ખોટ પૂરવા અબજો રૂપિયા આપવાની જોગવાઈ થઈ છે – તળિયા વિનાની તિજોરીમાં કેટલાં નાણાં જશે? સરકારી બેન્કોનાં જોડાણ – મર્જરની વાતો વર્ષો નહિ – દાયકાઓથી સંભળાય છે. હવે સરકારે નીરવ મોદી એન્ડ કંપનીને પકડવા ઉપરાંત આ બેન્કોના સુધારા અથવા ખાનગીકરણનો વિચાર નહિ, નિર્ણય લેવો પડશે – જો એકાદ બેન્ક ‘ઊઠી’ ગઈ તો અર્થતંત્ર ખોરવાઈ જવાનો ભય છે. લોકો નાણાં રાખે ક્યાં? ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડમાં છેતરપિંડી થાય છે – ફરિયાદ ક્યાં કરે? મોટા મગરમચ્છ પકડવાની શરૂઆત થાય તે જરૂરી છે – સહકારી બેન્કો ઉપરનો ભરોસો ઊઠી જાય તો સરકારનું શું?

લેખક ‘જન્મભૂમિ’ જૂથના તંત્રી છે.