ગોપિયો-વર્જિનિયા દ્વારા છ ભારતીય-અમેરિકી મહાનુભાવોનું સન્માન કરાયું

વર્જિનિયાઃ ધ વર્જિનિયા ચેપ્ટર ઓફ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન (ગોપિયો) દ્વારા તાજેતરમાં વર્જિનિયામાં ચેન્ટીલીમાં ચિન્મય સોમનાથ ઓડિટોરિયમમાં છ ભારતીય-અમેરિકી મહાનુભાવોનું તેઓની અસાધારણ સિદ્ધિઓ બદલ એવોર્ડ ફોર એકલેસન્સથી સન્માન કરાયું હતું.
યુએસ સેનેટર ટીમોથી કેઇન અને કોંગ્રેસમેન ગેરાલ્ડ કોનોલીના હસ્તે 200 નાગરિકોની ઉપસ્થિતિમાં તમામ છ ભારતીય-અમેરિકનોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સન્માનિતોમાં નીચે મુજબના છ ભારતીય-અમેરિકનોનો સમાવેશ થયો છેઃ
– રવિ ચૌધરી, ડિરક્ટર ઓફ કોમર્શિયલ સ્પેસ એન્ડ ફેડરલ એવિયેશન, ભૂતપૂર્વ લેફ્ટેનન્ટ કોલોનિયલ ઇન એરફોર્સ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી
– પ્રશાંત ભારદ્વાજ, પ્રોફેસર, એજ્યુકેશન
– રાજેશ મહેતા, 25 વર્ષીય ફિઝિશિયન, મેડિસીન
– રામ રેડ્ડી, એન્ટરપ્રિનિયોરશિપ
– જય મંડલ, ફોટો જર્નલીઝમ
– સ્વાતિ શર્મા, આર્ટ્્સ એન્ડ કલ્ચર
વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસમાં કોમ્યુનિટી અફેર્સ મિનિસ્ટર, અનુરાગ કુમાર ભારતીય રાજદૂત નવતેજ સરના તરફથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
વર્જિનિયા લેજિસ્લેટિવ હાઉસ ડેલિગેટ્સ માર્ક કીમ અને જેનિફર બોયસ્કો પણ હાજર રહ્યા હતા. તેમની સાથે ગોપિયો ઇન્ટરનેશનલ ચેરમેન ડો. થોમસ અબ્રાહમ અને અગ્રગણ્ય ભારતીય અને અમેરિકી સામુદાયિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અંજલિ તનેજા દ્વારા અમેરિકા અને ભારતનાં રાષ્ટ્રગીતોનું ગાન કરવામાં આવ્યું હતું. આ પછી ગણેશ વંદના સુમંગલા ભંડારી દ્વારા રજૂ થઈ હતી. ગોપિયોના પ્રેસિડન્ટ અને ગોપિયો ઇન્ટરનેશનલ ચેરમેનનાં પ્રવચનો રજૂ થયાં હતાં.
ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો વિશેની ચર્ચા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પછી કાર્યક્રમનું સમાપન થયું હતું.