ગોધરાકાંડનાં ૧૭ વર્ષ પછી નાણાવટી પંચનો રિપોર્ટ: મોદીના ‘રાજધર્મ’ પર મહોર

0
1025

અમદાવાદઃ ૨૦૦૨માં ગોધરાકાંડ પછી રાજ્યભરમાં ફાટી નીકળેલાં તોફાનોની તપાસ અંગે નિમાયેલા નાણાવટી-મહેતા કમિશનના તપાસ અહેવાલનો બીજો અને અંતિમ ભાગ બુધવારે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ પંચે નોંધ્યું છે કે ગોધરાકાંડ બાદ થયેલા હુમલાઓમાં તત્કાલીન રાજ્ય સરકારના કોઈ મંત્રીની ભૂમિકા નહોતી.
આ ઉપરાંત ત્રણ આઇ.પી.એસ. અધિકારીઓ આર.બી. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની વિશ્વસનીયતા પર પણ સવાલો કરવામાં આવ્યા છે. રમખાણો દરમિયાન ગેરરીતિ અને ભૂલો કરનારા પોલીસ અધિકારીઓ સામે સરકારે શરૂ કરેલી તપાસ જસ્ટિસ નાણવટી-મહેતા પંચની તપાસને કારણે અટકી પડી હતી. જસ્ટિસ નાણાવટી-મહેતા પંચે સરકારને આ તપાસ ફરી કરવાની ભલામણ કરી છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા બુધવારે વિધાનસભા સમક્ષ તપાસ પંચનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જી.ટી. નાણાવટી અને ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ અક્ષય મહેતાના દળદાર અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના કોઈ મંત્રીએ તોફાનો અને હુમલાઓને ઉશ્કેરણી કે પ્રેરણા આપી હોય એવા કોઈ પુરાવા નથી.
અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે આ રમખાણો આયોજિત નહોતાં અને એને રોકવા માટે સરકારે તમામ પગલાં લીધાં હતાં. જ્યારે કેટલાંક સ્થળો પર ટોળાંને કાબૂમાં લેવા માટે પોલીસ સક્ષમ નહોતી. અમદાવાદમાં થયેલાં કેટલાંક તોફાનો અંગે પંચે નોંધ્યું છે કે પોલીસે જ્યાં જરૂર હતી ત્યાં તેમની ધગશ અને કાર્યક્ષમતા દર્શાવી નથી. જોકે તમામ પુરાવાઓની ચકાસણીના અંતે નોંધવામાં આવ્યું છે કે પોલીસ તરફથી બેદરકારી દાખવવામાં આવી હતી એવું કહી શકાય તેમ નથી.
નરોડા પાટિયા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ચારથી પાંચ હજાર લોકોનાં ટોળાને ઉશ્કેરી લઘુમતી પર હુમલો કરાવ્યો એવી ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તેમજ ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
ત્યાર બાદ આરોપીઓ દ્વારા હાલ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે, જેથી આ ઘટના સંદર્ભે આરોપીઓ સામે કોઈ તારણ કાઢવું પંચને ઉચિત લાગતું નથી. નરોડા ગામનો બનાવ હાલ ન્યાયિક અને અદાલતની ચકાસણી હેઠળ હોવાથી આ આગેવાનોની સંડોવણી અંગે કોઈ અભિપ્રાય આપવો પંચને ઉચિત લાગતું નથી.
આ ઉપરાંત એક આક્ષેપ એવો હતો કે તત્કાલીન આરોગ્યમંત્રીએ મુખ્યમંત્રીના પરામર્શથી ગોધરાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલી ૫૮ વ્યક્તિનું રેલવે યાર્ડમાં બિનઅનુભવી તબીબો દ્વારા કાયદા વિરુદ્ધ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પંચનું તારણ છે કે રેલવે યાર્ડમાં પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય અશોક ભટ્ટનો નહોતો. રેલવે યાર્ડમાં પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય સ્થાનિક અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ પોસ્ટમોર્ટમ અનુભવી અને સક્ષમ તબીબો દ્વારા કરવામાં આવ્યું હોવાનું પંચનું તારણ છે.
૨૭મી ફેબુ્રઆરી, ૨૦૦૨ના રોજ ગોધરા સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં ગુજરાતમાં પ્રવેશેલા ૫૯ કારસેવકોને ડબ્બામાં જીવતા સળગાવવામાં આવતાં રાજ્યભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનો અંગેની તપાસ માટે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જી.ટી. નાણાવટી અને ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ કે.જી. શાહનો સમાવેશ કરતું તપાસ પંચ નીમ્યું હતું.
જસ્ટિસ કે.જી. શાહનું અવસાન થતાં જસ્ટિસ મહેતાને તેમની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ તપાસ પંચના અહેવાલનો પ્રથમ ભાગ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તપાસ પંચે અહેવાલનો બીજો અને અંતિમ ભાગ ૧૮ નવેમ્બર, ૨૦૧૪ના રોજ તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને સોંપ્યો હતો. જોકે ત્યારે આ અહેવાલ જાહેર કરાયો નહોતો. ગોધરાકાંડનાં ૧૭ વર્ષ બાદ તપાસ અહેવાલ જાહેર થયો! (ગુજરાત ટાઇમ્સ સંકલન)