ગોટલીઃ એક ઉત્તમ પોષક આહાર, કેરી કરતાં ગોટલી વધારે આરોગ્યપ્રદ


ભારતમાં 20 મિલિયન ટન જેટલી કેરી અને બટાકાનું ઉત્પાદન થાય છે. કેરીની ગોટલીમાં બટાકા કરતાં વધુ પોષક તત્ત્વો હોય છે. ગોટલીમાં સારા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ, તેલ, વિટામિન્સ અને અન્ય તત્ત્વો રહેલાં છે. ભારતમાં અંદાજિત 80% જેટલા લોકોમાં વિટામિન બી-12ની ઊણપ જોવા મળે છે. વિટામિન બી-12ની ઊણપ મગજ, ચેતાતંતુને નુકસાન કરે છે, જેથી યાદશક્તિ ઓછી થવાની તકલીફ થાય છે.
ગોટલીમાં વિટામિન બી-12 પણ રહેલું છે, જેથી ગોટલી ભારતીયો માટે ખાલી જરૂરિયાત મુજબની જ નહિ, પણ બહુ જ અગત્યનો ઉપયોગી આહાર છે. અમારો સર્વે બતાવે છે કે ગોટલી જરૂરિયાત મુજબનો ઉત્તમ ખોરાક છે. માત્ર 100 ગ્રામ જેટલી ગોટલીમાં બે કિલો જેટલી કેરીમાં હોય તેટલાં પોષક તત્ત્વો રહેલાં છે. ઉપર મુજબની માહિતીથી સ્પષ્ટ થાય છે કે ગોટલી શાકાહારી લોકો માટે એક ખાસ ઉમદા આહાર બની શકે. છતાંય આપણે માત્ર કેરીનો રસ ખાઈએ છીએ, જ્યારે એમાં ઓછાં પોષક તત્ત્વો છે. ગોટલીમાં સારા પ્રમાણમાં પોષક તત્ત્વો હોવા છતાં પણ તેને ફેંકી દઈએ છીએ. ગોટલીને ફેંકીને માત્ર ગંદકી નથી ફેલાવતા, પરંતુ આપણે એક સારા ખોરાકનો પણ વ્યય કરીએ છીએ, કે જે કરોડ રૂપિયા જેટલું ઉપયોગી નીવડી શકે તેમ છે. આ લેખનો હેતુ એ છે કે, ગુજરાત તેમ જ ભારતભરના લોકો વધુમાં વધુ ગોટલીમાં રહેલાં પોષક તત્ત્વો વિશે જાણે, સમજે અને વધુમાં વધુ સદુપયોગ કરતા થાય.
ઉત્પાદનઃ કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે. ભારતમાં કેરીની સીઝન એપ્રિલથી જૂન સુધીની હોય છે. ભારત સરકારે પ્રસિદ્ધ કરેલા ડેટાના આધારે 2015માં ભારતમાં 18.5 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થયું હતું, જેમાં 6 ટકા જેટલું એટલે કે 1.2 મિલિયન ટન તો માત્ર ગુજરાત રાજ્યે જ કર્યું હતું. આ ઉત્પાદન કેળા પછીનું સૌથી વધુ ઉત્પાદન છે. કેરીનું આટલું ઉત્પાદન વિશ્વમાં માત્ર ભારતદેશ જ કરે છે.
ગોટલી અને કેરીઃ કેરીમાં મોટું બીજ રક્ષાકવચમાં હોય છે, જેને ગોટલો કહે છે. જ્યારે તેમાં અંદર રહેલા બીજને ગોટલી કહે છે. આપણે ગોટલીનો બહુ જ ઓછો ઉપયોગ કરીએ છીએ. આપણે ગોટલીનો ઉપયોગ તેને શેકીને મુખવાસ તરીકે કરતા હોઈએ છીએ કે જે ભોજન દરમિયાન મુખવાસ તરીકે લેવામાં આવે છે. કેરીની જુદી જુદી જાતોના આધારે ગોટલીની સાઇઝ નાની-મોટી હોય છે. કેરીનો 20 ટકા જેટલો ભાગ ગોટલી રોકે છે.
હેતુઃ આ લેખનો હેતુ લોકોમાં ગોટલી અને કેરીનાં પોષક તત્ત્વો વિશે જાગૃતતા લાવવા માટેનો છે. કેરી, કેરીની છાલ અને ગોટલીમાં રહેલાં પોષક દ્રવ્યો પર ઘણાં બધાં સંશોધનો કરવામાં આવ્યાં છે અને પ્રકાશિત કરવામાં આવ્યાં છે તો ફરી વખત આ તત્ત્વો/દ્રવ્યોની ચકાસણી કરવાની જરૂર જણાતી નથી. સ્પષ્ટરૂપે, અમે માત્ર ગોટલીનું મહત્ત્વ નથી સમજાવતા, પરંતુ લોકોને ઉપયોગી થાય તે માટે અમે બીજા પ્રસિદ્ધ થયેલા લેખો અને સંશોધનોના આધારે ગોટલી, બટાકા, બદામ તેમ જ કેરીના રસમાં રહેલાં પોષક દ્રવ્યોની સરખામણી કરવાનો પ્રયાસ કર્યો છે.
ગોટલીનું પોષણ મૂલ્યઃ ઘણા વૈજ્ઞાનિકો માને છે કે ગોટલીમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ, તેલ, વિટામિન્સ અને અન્ય તત્ત્વો રહેલાં છે. હકીકતમાં કેરીના રસમાં ખૂબ ઓછાં પોષક તત્ત્વો હોય છે અને 80% તો પાણીનો ભાગ જ હોય છે. 27% કાર્બોહાઇડ્રેટ સાકરનું પ્રમાણ વધારે હોય છે. આમ છતાંય આપણે સ્વાદ અને સુગંધના લીધે રસ ખાઈને ગોટલી ફેંકી દઈએ છીએ. ગોટલીના તેલમાં આશરે 44% જેટલો સંતૃપ્ત ફેટી એસિડ હોય છે, જ્યારે અંદાજિત 52% જેટલો અસંતૃપ્ત ફેટી એસિડ હોય છે. ગોટલીમાં મુખ્યત્વે બધા જ આવશ્યક અમીનો એસિડ હોય છે. ગોટલીમાં જરૂરિયાત મુજબના પોષક અણુઓ તથા વિટામિન્સ પણ હોય છે. કેરી રોજિંદી જીવનજરૂરિયાત મુજબનાં બધાં જ પોષક તત્ત્વો ધરાવે છે. કેરીના રસમાં 80% પાણી, 17% કાર્બોહાઇડ્રેટ ખાસ શર્કરા હોય છે. રસના 3% ભાગમાં જરૂરી પોષક તત્ત્વો, જેવાં કે રેસા, વિટામિન્સ કે અન્ય તત્ત્વો રહેલાં છે. અહીં આપેલા કોઠા ઉપરથી જોઈ શકાય છે કે રસ કરતાં ગોટલીનું પોષણ મૂલ્ય વધારે છે. માણસની શારીરિક ચયાપચયની ક્રિયામાં પ્રોટીનનો ખૂબ મહત્ત્વનો ફાળો હોય છે. પ્રોટીનનો બંધારણીય એકમ અમીનો એસિડ છે. મુખ્યત્વે આવશ્યક 9 અમીનો એસિડમાંના 8 અમીનો એસિડ ગોટલીમાં બહોળી માત્રામાં હોય છે. આ અમીનો એસિડ શરીરમાં બની શકતા નથી, પરંતુ બાહ્ય ખોરાક વડે મેળવવામાં આવે છે.
વિટામિન્સ અને મિનરલ્સઃ માણસની સામાન્ય વૃદ્ધિ અને વિકાસ માટે વિટામિન આવશ્યક છે. વિટામિન બીજા પોષક ઘટકોનું સરળ પદાર્થમાં રૂપાંતરણ કરી શરીરને મેળવવા માટે મદદ કરે છે. વિટામિન ‘ડી’ સિવાય બીજા કોઈ પણ વિટામિન માણસના શરીરમાં બનતાં નથી, જેથી તે ખોરાક વડે મેળવવામાં આવે છે. મુખ્યત્વે 13 વિટામિન્સ (એ, સી ડી, ઈ, કે, બી-1, બી-2, બી-3, બી-5, બી-6, બી-7, બી-9 અને બી-12) શરીરની તંદુરસ્તી માટે આવશ્યક છે. આમાંના ‘સી’ વિટામિન ગોટલીમાં છે. વિટામિન સી, ઈ અને એ બીજા ફળ અને અન્ય સ્રોત વડે મળી શકે છે, પણ વિટામિન બી-12 મળવું અતિ મુશ્કેલ છે કે જે ગોટલીમાં 0.12 એમ.જી./100 ગ્રામ જેટલું હોય છે. આ સિવાય તેવા ઉપયોગી પોષક ઘટકો પણ રહેલા છે, જેમાં મેગ્નેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન મુખ્ય છે. આ ઘટકો પણ શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે અતિ મહત્ત્વનાં છે.
વિટામિન બી-12 અને ગોટલીઃ વિટામિન બી-12 કે જે સયાનોકોલબામિન તરીકે પણ જાણીતું છે. આ વિટામિનની ઊણપ શાકાહારી તથા વૃદ્ધાવસ્થામાં વધુ જોવા મળે છે, જેના લીધે બહેરાશ, યાદશક્તિ ઓછી થવી અને ચેતાતંતુને પણ નુકસાન થાય છે. આ સાથે આ વિટામિન રક્તકોષોના બંધારણમાં પણ મહત્ત્વનો ફાળો ધરાવે છે. વિટામિન બી-12 માટે શાકાહારીઓમાં ખૂબ ઓછા સ્રોત છે. ભારતમાં વધુ લોકો શાકાહારી હોવાથી વિટામિન બી-12ની ઊણપ 80% લોકોમાં જોવા મળે છે. તો ગોટલીમાં આ વિટામિનની માત્રા 0.12 એમ.જી./100 ગ્રામ જેટલી છે. એટલે કે વિટામિન બી-12ની જરૂરિયાત કરતાં 90 ગણું વધારે છે. ગોટલી વિટામિન બી-12 માટે મહત્ત્વનો ફાળો ભજવી શકે છે.
અન્ય તત્ત્વોઃ આ સાથે ગોટલીમાં ટેનિન નામનું પણ દ્રવ્ય રહેલું છે કે જે ચા તથા કોફીમાં પણ જોવા મળે છે. ટેનિનના લાભ અને ગેરલાભ બન્ને છે. ટેનિન શરીરમાંથી હાનિકારક જીવાણુને દૂર કરે છે અને કેન્સર સામે પણ રક્ષણ આપવામાં મદદ કરે છે, પરંતુ જો એ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો બીજાં તત્ત્વો સાથે સંકલિત થઈને પાચન થવા દેતું નથી, પરંતુ ગોટલીને શેકવામાં કે બાફવામાં આવે તો ટેનિનની અસર નાબૂદ કરી શકાય છે. જો ગોટલીને બટાકા તેમ જ અન્ય, જેવાં કે બદામ, પીસ્તાં, કાજુ સાથે સરખાવવામાં આવે તો તેના સમકક્ષ જૈવ રાસાયણિક તત્ત્વો રહેલાં છે. બટાકામાં 75 ટકા ભાગ પાણી હોય છે અને તેલનો ભાગ નહિવત્ હોય છે, જ્યારે ગોટલીમાં થોડા પ્રમાણમાં તેલની માત્રા પણ હોય છે.
ગોટલી એક સંપૂર્ણ ખોરાક છે. ગોટલીનું મિલ્ક બનાવીને તેને રોટલી અને અન્ય ખોરાક સાથે ઉપયોગમાં લઈ શકાય છે. આ સાથે કેરીના રસ કરતાં 10-100 ઘણાં વધુ પોષક તત્ત્વો ગોટલીમાં રહેલાં છે. ગોટલીની અવનવી વાનગીઓ બનાવીને તેને ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે તો ઘણાં પોષક તત્ત્વો મળે. ગોટલી એ બહોળા પ્રમાણમાં પેદા થતો ઉત્તમ ખોરાક છે, જેને ફેંકી દેવા કરતાં વધુ ખોરાક તરીકે ઉપયોગમાં લેવો જોઈએ.
મિશનઃ કેરી અને કેરીનો રસ ખાવો એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણે ગોટલીનો બગાડ કરીએ છે જે પોષક તત્ત્વોથી ભરપૂર છે. 90 ટકા જેટલી કેરી તો માત્ર ઘરે જ ખાવાના ઉપયોગમાં લેવાય છે. જો લોકો ગોટલીનાં પોષક તત્ત્વોનું મહત્ત્વ સમજે અને કેરીની સીઝન દરમિયાન ગોટલી ભેગી કરવાનું ચાલુ કરે તો એને એક સારા ખોરાક તરીકે આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય.

ડો. ગોરધન એન. પટેલ અમેરિકાના ખ્યાતનામ વૈજ્ઞાનિક છે. ઇંગ્લેન્ડની બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી 1974થી અમેરિકાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. હાલ ન્યુ જર્સીમાં જે. પી. લેબોરેટરીનું સંચાલન કરે છે. વિશ્વ લેવલે તેઓનાં સંશોધનો અત્યંત જાણીતાં છે. ત્વરિત એકસ-રે ફિલ્મની શોધ, આરોગ્ય સૂચવતાં સ્ટિકર, પ્લાસ્ટિક પર પ્લેટિંગની શોધ જેવી 55થી પણ વધારે શોધોના તેઓ પેટન્ટ ધરાવે છે. આપણા માટે ગર્વની બાબત તો એ છે કે તેઓ પાટણ જિલ્લાના મણુંદના વતની છે. કેરી કરતાં ગોટલીમાં આરોગ્યપ્રદ ગુણો હજાર ગણા વધારે છે. આ તેઓનું આગવું સંશોધન છે. ગુજરાતીઓ કેરી ખૂબ ખાય છે પણ હવે ગોટલીને ફેંકી ન દેતાં તેને વધારે પ્રમાણમાં ખાવી જોઈએ.