ગૂગલ-ફેસબુકના વધતા પ્રભુત્વ પર લગામ નાખવાનો યુકેનો પ્રયાસ

 

લંડન: બ્રિટિશ સરકારનો નવો કાયદો ગૂગલ-ફેસબૂકને વધારે મોટો નાણાંકીય ફટકો મારી શકે છે. નવા કાયદાના લીધે ટેક જાયન્ટ ગૂગલ અને ફેસબૂકે અખબારો અને અન્ય મીડિયા આઉટલેટ્સને તેમના અહેવાલોનો ઉપયોગ કરવા બદલ નાણાંકીય ચૂકવણી કરવાની ફરજ પડી શકે છે.  આ કાયદો ઓસ્ટ્રેલિયન મોડેલની સિસ્ટમના આધારે લાવવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં આ દિશામાં બનાવવામાં આવેલા કાયદામાં વિવિધ પ્લેટફોર્મ્સને ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન્સ સાથે પેમેન્ટ્સ ડીલ માટે પ્રોત્સાહિત કરાય  છે. હવે જો વાટાઘાટો નિષ્ફળ જાય તો સ્વતંત્ર આર્બિટર યોગ્ય લાગે તે ભાવ નક્કી કરશે. આમ બ્રિટિશ સરકારે બ્રિટનની અખબારી સ્વતંત્રતા પર ગૂગલ-ફેસબૂકના વધતા જતા પ્રભુત્વને રોકવાનો પ્રારંભ કર્યો છે.

ટેકનોલોજી કંપનીઓના ઓનલાઇન એડ પર પ્રભુત્વ અને ગ્રાહકો તથા કારોબારીઓના હિતો માટે આ પ્રકારનું પ્રભુત્વ નુકસાનકારક હોવાની ચિંતા વચ્ચે યુકેના કલ્ચર સેક્રેટરી નેડિન ડોરિસ ગૂગલ-ફેસબૂક પર લગામ આણતુંં બિલ રજૂ કર્યુ હતું. ટેકનોલોજી કંપનીઓની વધતી જતી સત્તાને અંકુશમાં રાખવા યુકે કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (સીએમએ)ના નેજા હેઠળ રચાયેલા ડિજિટલ નિરીક્ષક ડિજિટલ માર્કેટ્સ યુનિટ (ડીએમયુ) દ્વારા નવા તંત્રનું નિયમન કરવામાં આવશે.

આ એકમ ગૂગલ જેવા સર્ચ એન્જિન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા અલ્ગોરિધમની તપાસ કરશે. ઘણા અખબારી સંગઠનો માને છે આ પ્રકારના સર્ચ એન્જિન્સ તેમના પરની ડાયરેક્ટ સર્ચ ઇન્ક્વાયરીને ડાબેરી ઝુકાવવાળા અખબારી સંગઠનો તરફ અયોગ્ય રીતે લઈ જાય છે. તેની સાથે લોકોના વાંચન અને ન્યૂઝને ફિલ્ટર કરવામાં આવે છે. તેનાથી ન્યૂઝની ગુણવત્તા ઘટે છે, તેથી આ પ્રકારના સર્ચ એન્જિન્સે ચૂકવણી કરવી જ જોઈએ.

યુકેના ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગના સ્ત્રોતે જણાવ્યું હતું કે નવુ તંત્ર સ્પર્ધા તરફી હશે અને પ્રેસની સસ્ટેનેબિલિટીને ટેકો આપશે. નવુ તંત્ર મોટા પ્લેટફોર્મ્સ અને પ્રકાશકો વચ્ચે અસંતુલનને પહોંચી વળવાનું મહત્ત્વનું કાર્ય કરશે. આ પગલાંના લીધે પ્રકાશકોને અલ્ગોરિધમ અંગે વધારે પારદર્શિતા જોવા મળશે તથા તેના લીધે તેના ટ્રાફિક અને આવકમાં વધારો કરી શકાશે