ગુલાબનો રૂઆબ

0
1639

ઘણા રોગીઓ એવા જોવામાં આવતા હોય છે કે રોગ રોગીને વળગવાનો બદલે ઘણી વખત રોગી રોગને એવા તો વળગી રહ્યા હોય છે કે પોતાને કોઈક ભયંકર રોગ ચોંટી ગયો છે એમ ખોટી રીતે માનસિક રીતે પીડાઈને રોગી ચોવીસેય કલાક રોગના ભાર હેઠળ દબાઈને સોગિયો ચહેરો રાખી તેના મન અને મુખડા ઉપર ક્યારેય હસતી આનંદની રેખોઓ જોવા મળતી હોતી નથી અને આસપાસના વાતાવરણને આવા દર્દીઓ વધાર ગંભીર અને શોકગ્રસ્ત બનાવી પોતાની આસપાસ આનંદની એક પણ લહેર ફરકવા દેતા હોતા નથી. આવા સોગિયા વાતાવરણમાં રોગીઓ સાજા થવાને બદલે વિશેષ બીમારી ભોગવતા હોય છે.
રોગી જો હસતા ખીલતા ગુલાબના ફૂલ જેવો આનંદિત રહેવાનો પ્રયાસ કરે અને ગુલાબના ફૂલના સુગંધી વાતવરણ જેવો પમરાટ પ્રસરાવી ઉલ્લાસમય વાતવરણ ઊભું કરી શકે તો રોગી ગુલાબના ફૂલ જેવી ખિલખિલાટભરી ગુલાબી તંદુરસ્તી પામવા નસીબદાર બનતો હોય છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને ખીલતો બગીચો ન ગમતો હોય! આખા દિવસના માનસિક કે શારીરિક થાકને ઉતારવા વ્યક્તિ મોટે ભાગે લીલાછમ હરિયાળા બગીચામાં બેસવા કે ફરવા જવાનું વિશેષ પસંદ કરતી હોય છે અને એમાંય આવા બગીચામાં ગુલાબના છોડોની કતારો ઉપર હીંચકતાં ગુલાબોનાં ફૂલોનું અનુપમ કુદરતી સૌંદર્ય મનને ઔર બહેકાવી શરીર અને મનને અજબ પ્રફુલ્લિત બનાવી કોઈ નવી તાજગી અને સ્ફૂર્તિનો ધોધ અનુભવવા માણવા મળતો હોય છે.
ખિલખિલાટ હસતાં ગુલાબનાં આ ફૂલોનો ભાવ એવો હોય છે કે બીમાર વ્યક્તિને ત્યાં ખબરઅંતર પૂછવા જાવ ત્યારે શુભેચ્છાના પ્રતીક તરીકે તમે હાથમાં રાખેલું ગુલાબનું ફૂલ તેમને હાથમાં આપી શુભેચ્છા પાઠવો ત્યારે રોગી એક નવી તાજગી અનુભવી આ તંદુરસ્ત હસતા ગુલાબના ફૂલમાંથી પ્રેરણા લઈને જલદી તંદુરસ્તી મેળવવા પ્રયત્ન કરશે જ અને કરતો હોય છે. એ રીતે ગુલાબનું ફૂલ તંદુરસ્તી, શુભેચ્છા અને શાંતિનું પ્રતીક છે.
ઈશ્વરે આપણને અસંખ્ય જાતનાં ફૂલોની બક્ષિસ આપી છે. એમાંય ગુલાબનું ફૂલ તો ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે એમ કહીએ તો કહી શકાય કે એ તો ફૂલોની દુનિયાનો રાજા છે. દેખાવમાં ગુલાબી, સુંગંધમાં શ્રેષ્ઠ અને તેના રૂપ અને સૌંદર્યથી લોકો એવા તો મોહિત થઈ જાય છે કે જ્યાં જ્યાં આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં ત્યાં એ વસ્તુ કે વ્યક્તિની સુંદરતા વધી અદ્ભુત ભાવ ઊભો થઈ જાય છે અને એટલા જ ખાતર બહેનો પોતાના સૌંદર્યનો ભાવ ગુલાબના ફૂલને માથામાં કે અંબોડામાં ખોસીને તેની સરસ વેણીને ચોટલામાં પહેરી ઊભો કરી શકે છે. ભગવાનની તો આ પ્રિય ચીજ છે એટલે મંદિરમાં આપણે મઘમઘતાં ગુલાબો ચડાવતાં હોઈએ છીએ. સગાઈ કે લગ્નપ્રસંગે વરવધૂ ડોકમાં ગુલાબનો હાર પહેરી બીજા શણગાર સાથે ઓર વધારો કરતાં હોય છે, અને ઘણી વખત વરવધૂ ગુલાબના કે બીજાં ફૂલના હારની આપ-લેમાં લગ્નસંબધંની સાબિતી થઈ ગયાનું સ્વીકારાતું હોય છે.
ગુલાબનું ફૂલ સૌંદર્યમાં મોખરે છે, એટલું જ નહિ, પણ તેનામાં અનેક ઔષધીય ગુણોનો ભંડાર છે. તેનામાં મોટામાં મોટો ગુણ શીતળતાનો છે એટલે જ ઘણી વખત આપણે આનંદી અને હસમુખા સ્વાભાવવાળા માણસ માટે ગુલાબી માણસ, ખુશનુમાવાળી ઋતુને ગુલાબી ઠંડી કે સારી તંદુરસ્ત નમણી વ્યક્તિને ગુલાબી તંદુરસ્તી વગેરે માટે શબ્દપ્રયોગ કરતા હોઈએ છીએ. પચવામાં હલકું, ત્રિદોષહર, દુર્ગંધનાશક, શોથહર, વર્ણસુધારક, અમ્લપિત્તનાશક, બુદ્ધિવર્ધક, લોહી સુધારનાર, જ્વરનો નાશ કરનાર, વાજીકર, ત્રણરોપક, રેચક, લોહી બંધ કરનાર, આંખની ગરમી મટાડનાર વગેરે ઘણા રોગ ઉપર ઉપયોગી નીવડે છે. ખીલ માટે સૂકાં ગુલાબની પાંદડીનો પાઉડર એક ચમચી માખણ, સાકર સાથે સવાર-સાંજ છ માસ લેવું. લગાડવામાં સૂકા ગુલાબનો પાઉડર, લોધર, કપૂરકાચલી, સુખડનો સરખે ભાગે પાઉડર દિવસે અને રાત્રે પાણીમાં પેસ્ટ જેવો બનાવી છ માસ લગાવવો. (મરચું, રાઈવાળા પદાર્થો અને બહુ ખટાશ લેવાની બંધ રાખવી) ચોખ્ખાં વિશ્વાસલાયક શુદ્ધ ગુલાબજળનાં ટીપાં આંખમાં કાયમ નિયમિત નાખવાથી આંખની રોશની લાંબો વખત એક સરખી જળવાઈ રહે છે. આંખ લાલ રહેવી, આંખના ખીલ, તાપોડિયા, આંખની બળતરા કે આંખના રોગમાંથી બચી શકાય છે. કોઈ વખત આંખમાં મોતિયો, ઝામર, પડળ કે એવી જાતના આંખના રોગમાં ફાયદો થતો હોય છે અથવા તો કોઈ વખત બચી શકાય છે. તાજા ગુલાબની ત્રણચાર પાંદડી બે ચાર વખત સ્વચ્છ પાણીથી ધોઈ પછી તેને બે ચમચી સાકરનો પાવડર અને એક ચમચી આમળાનો પાવડર પાંદડી સાથે ચોળી ચાવીને ખાઈ જવાથી શરીરની બળતરા થતી નથી. શરીર કે ચહેરા પર દાઝેડા, કાળાશ, ઝીણી ફોલ્લીઓ, અળાઈ, વધારે પડતું માસિક આવવું, હરસમાંથી લોહી પડવું, આંખોની બળતરા, વારંવાર નસકોરી ફૂટવી, લોહીવિકાર, પેશાબમાં વારંવાર લોહી આવતું હોય કે શરીર કે ચહેરાનું સૌંદર્ય વધારવા આ પ્રયોગ ઘણો ઉત્તમ છે. આ પ્રયોગ સતત એક વર્ષ થઈ શકે તો ઉત્તમ રિઝલ્ટ મળે છે. ગુલાબના ફૂલમાં નિર્દોષ રીતે પેટ સાફ લાવવાનો ગુણ છે. એટલું જ નહિ, પણ આંતરડામાં નાનાં નાનાં ચાદાં પડ્યાં હોય, જૂની કબજિયાત હોય કે અવારનવાર અમ્લપિત્ત થઈ ખાટા ઓડકાર આવી છાતીમાં દાહ કે ખાટી ઊલટી થતી હોય, કાયમ ગેસ થતો હોય વગેરે આવા પેટના રોગ અને દોષ માટે ગુલાબનાં સૂકા ફૂલની પાંદડી દસ તોલા, ઓથમીજીરુ પાંચ તોલા, સાકર પાંચ તોલા, એલચી અઢી તોલા, સાકર તોલા દસ બધાનો પાઉડર બનાવી એક એક ચમચી સવારે રાત્રે ઠંડા પાણી સાથે અગર દૂધમાં લેવાય તો વિશેષ સારું.
જે વ્યક્તિને કાયમ મગજ ગરમ રહેતું હોય, વાતવાતમાં કે નમાલી બાબતમાં ગુસ્સો કે ક્રોધ આવી જતો હોય, સ્વભાવ બળતણિયો હોય, આખું શરીર કાયમ ગરમ જ રહેતું હોય, અવારનવાર મોઢામાં ચાંદાં પડતાં હોય, મગજની નબળાઈ રહેતી હોય, યાદશક્તિ ઓછી હોય, હૃદયની નબળાઈ રહેતી હોય, હૃદયનો થડકારો વધી જતો હોય. આવી બધી તકલીફ માટે સૂકાં ગુલાબનાં ફૂલની પાંદડી દસ તોલા, શંખાવલી પાંચ તોલા, અર્જુન અઢી તોલા, એલચી અઢી તોલા, સાકર દસ તોલા બધાનો પાવડર બનાવી એક એક ચમચી સવારે રાત્રે દૂધ સાથે લેવાથી ફાયદો મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here