ગુરુ તો મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે

0
3030


અષાઢ સુદ પૂનમને ગુરુપૂર્ણિમા કહેવાય છે. ગુરુ વિશે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દરેક ગુરુના શિષ્ય આ દિવસે તેમની પાદ્યપૂજા કરે છે અને તેમને ગુરુદક્ષિણા અર્પણ કરે છે.
ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલો છે. ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ. શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીવો પ્રગટાવનાર ગુરુ. ગુરુ જીવનશિલ્પી છે. ગુરુ મહાપુરુષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે, જેને જીવન મૃત્યુથી ઘેરાયેલું લાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેનામાં જિંદગીનું સત્ય જાણવાની અભિલાષા પ્રગટી છે એવા લોકો જ સાચા ગુરુને શોધી શકે છે. પરમાત્માને શોધવા માટે કોઈ કૈલાસ, કાશી કે કાબામાં જવાની જરૂર નથી. પરમાત્મા ત્યાં છે જ્યાં સદ્ગુરુનો વાસ છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
ગુરુપૂર્ણિમાના દિવસે વ્યાસપૂજા કરવાની પરંપરા છે. વ્યાસ મહર્ષિ શંકરાચાર્યના રૂપમાં ફરી અવતીર્ણ થયા, એવી ભાવિકોની શ્રદ્ધા છે. એટલા માટે સંન્યાસીઓ તે દિવસે વ્યાસપૂજા તરીકે શંકરાચાર્યની પૂજા કરે છે.
ગુરુનું માહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખૂબ વર્ણવ્યું છે. હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમ કે,
શ્રી ગુરુઃ બ્રહ્મા ગુરુઃવિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરઃ
ગુરુઃ સાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ
વળી,
ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય
અર્થાત્, ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે, કેમ કે ગુરુએ આપેલા જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીવડા સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.
શાસ્ત્રો, ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયાં છે.
ગુરુ દત્તાત્રેયે 24 ગુરુ બનાવ્યા હતા. શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો. મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવનવિકાસનું માર્ગદર્શન આપે છે.
એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મૂકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો., અને જ્યારે ગુરુ દ્રોણે દક્ષિણામાં તેનો અંગૂઠો માગી લીધો ત્યારે વિનાસંકોચ આપી દીધો હતો, નહિતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત. ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય!
ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાંય વર્ષોથી ચાલી આવી છે. સાંદીપનિ ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામાએ કોઈ પણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાં છે. આ દષ્ટાંત એ સૂચવે છે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈ ભેદ હોતો નથી. એની આગળ સૌ શિષ્યો એકસમાન હોય છે.
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ ગુરુ પદમ,
મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,
મોક્ષ મૂલમ ગુરુ કૃપા..
અર્થઃ ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે, પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે, ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષપ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.
ગુરુનું માહાત્મ્ય સમજવા માટે અને એમના પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ કરવા માટે દર વર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાના દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.
મહર્ષિ વેદવ્યાસ ભવિષ્યોત્તર પુરાણમાં ગુરુપૂર્ણિમા વિશે એમના આ સંસ્કૃત શ્લોકોમાં આ પ્રમાણે લખ્યું છેઃ
મમ જન્મદિને સમ્યક્ પૂજનીયઃ પ્રયત્નઃ૤
આષાઢ શુક્લ પક્ષેતુ પૂર્ણિમાયાં ગુરૌ તથા૤૤
પૂજનીયો વિશેષણ વસ્ત્રાભરણધેનુભિઃ૤
ફલપુષ્પાદિના સમ્યગરત્નકાંચન ભોજનૌઃ૤૤
દક્ષિણાભિઃ સુપુષ્ટાભિર્મત્સ્વરૂપ પ્રપૂજયેતાા એવં કૃતે ત્વયા વિપ્ર મત્સ્વરૂપસ્ય દર્શનમ્૤૤
અર્થઃ અષાઢ શુક્લ પૂર્ણિમાએ મારો જન્મદિવસ છે અને એ ગુરુપૂર્ણિમાનો પણ દિવસ છે. આ દિવસે સુંદર વસ્ત્ર, આભૂષણ, ગાય, ફળ, પુષ્પ, રત્ન, સ્વર્ણ, ભોજન, દક્ષિણા વગેરે સમર્પિત કરી વિવિધ રીતે ગુરુને અર્પણ કરવાથી હે વિપ્ર, તારા ગુરુમાં તું મારા સ્વરૂપનાં દર્શન કરીશ.
ગુરુનું ઋણ શિષ્ય ઉપર ચડેલું હોય છે. આમ ગુરુપૂર્ણિમા આવા પૂજનીય ગુરુને યાદ કરી એમને આદરપૂર્વક વંદન કરવાનો દિવસ છે.
આ ગુરુપૂર્ણિમાના દિને મારા જીવનના ઉત્કર્ષમાં શરૂઆતથી આજદિન સુધી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો અને મહાનંભાવોને યાદ કરું છું અને કોટિ કોટિ હાર્દિક વંદન કરું છું.
શ્રી ગુરુઃ બ્રહ્મા ગુરુઃ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરઃ
ગુરુઃ સાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ
ગુરુ એ જ બ્રહ્મા છે, ગુરુ એ જ વિષ્ણુ છે, ગુરુ એ જ મહાદેવ છે. ગુરુ સાક્ષાત સ્વરૂપ છે તેવા ગુરુદેવને હું પ્રણામ કરું છું .
ગુરુપૂર્ણિમા એટલે ગુરુ એ આપેલા જ્ઞાનરૂપી નવા જીવનનું ઋણ ચૂકવવા માટે આદરપૂર્વક ગુરુનું પૂજન અને વંદન કરવાનો દિવસ. મનુષ્યના જીવનમાં જન્મ આપનાર માતા પછી શિક્ષિત કરનાર ગુરુનું જ્ઞાન વિશિષ્ટ છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જીવનનું ઘડતર કરે છે. ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.
ગુરુનું મહત્ત્વઃ દુઃખી-પીડિત સંસારી જીવ ધર્માચરણનો આધાર લે, તો જ એમને જીવનમાં સુખ-શાંતિ મળશે, આ દેખાડવા માટે ઈશ્વર જ ગુરુરૂપમાં અવતાર લે છે. એટલું જ નહિ, પણ ભૂતલ પર ધર્મને થઈ રહેલી હાનિ રોકીને સમાજમાં ધર્મતેજની નિર્મિતિ માટે પણ ઈશ્વર અવતાર લે છે. આ જગત્માં આનંદમય જો કંઈ હોય, તો તે કેવળ ઈશ્વરી તત્ત્વ છે. એટલે જ કે આનંદપ્રાપ્તિ માટે આપણે ઈશ્વરપ્રાપ્તિ કરવી જોઈએ. ઈશ્વરપ્રાપ્તિ એટલે ઈશ્વર સાથે એકરૂપ થવું તથા ઈશ્વરના ગુણ પોતાનામાં લાવવા. ઈશ્વરપ્રાપ્તિ માટે શરીર, મન અને બુદ્ધિની સહાયતાથી પ્રત્યેક દિવસ ઓછામાં ઓછો બે-ત્રણ કલાક પ્રયત્ન કરવો, આને જ સાધના કહેવાય છે. એકલાએ સાધના કરી લઈને સ્વબળ પર ઈશ્વરપ્રાપ્તિ કરી લેવાનું ઘણું કઠિન હોય છે. તેને બદલે અધ્યાત્મમાંની અધિકારી વ્યક્તિની, અર્થાત્ ગુરુ અથવા સંતની કૃપા, જો સંપાદન કરીએ, તો ઈશ્વરપ્રાપ્તિ વહેલાં થાય છે.
સાધનાનું મહત્ત્વઃ સુખ મળે, તે માટે જ આપણામાંના પ્રત્યેકની પડાપડી હોય છે. સર્વોચ્ચ અને સાતત્યથી મળનારું સુખ એટલે આનંદ. ટૂંકમાં, આનંદપ્રાપ્તિ આ પ્રાણીમાત્રના જીવનનો એકમેવ હેતુ હોય છે, પણ તે કેવી રીતે મેળવવો, આ બાબત કોઈ પણ શાળામાં અથવા મહાવિદ્યાલયમાં ભણાવવામાં આવતી નથી, તે કેવળ અધ્યાત્મશાસ્ત્ર જ શીખવે છે. આપણી આજુબાજુમાં, સમાજમાં અને દેશભરમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર, ખૂન, બળાત્કાર, રમખાણો ઇત્યાદિ બાબતોથી આપણે હતાશ અને ઉદાસ બની જઈએ છીએ. તેની સામે સાક્ષીભાવથી કેવી રીતે જોવું, તે વિજ્ઞાન કહી શકતું નથી. આપણા જીવનમાંની અનંત અડચણો અને દુઃખોનો ઉત્તર વિજ્ઞાન પાસે નથી, પણ અધ્યાત્મશાસ્ત્ર જ સર્વ સહન કરવાની ક્ષમતા કેવી રીતે વધારવી, તે આપણને શીખવે છે.
ગુરુકૃપાયોગ અનુસાર સાધનાઃ સ્થૂળ કરતાં સૂક્ષ્મ શ્રેષ્ઠ છે. અણુબોમ્બ કરતાં પરમાણુબોમ્બ પરિણામકારક હોય છે, તેવી રીતે જ ગુરુકૃપા સ્થૂળ કરતાં સૂક્ષ્મ દ્વારા અધિક કાર્ય કરે છે. કળિયુગમાં ગુરુકૃપાયોગ અનુસાર સાધના આ ઝડપથી આધ્યાત્મિક ઉન્નતિ સાધ્ય કરી આપે છે. ગુરુકૃપાયોગમાં અન્ય સર્વ યોગ સમાયેલા હોય છે. ગુરુકૃપા અખંડ ટકાવી રાખવા માટે ગુરુદેવે કહેલી સાધના જીવનભર સાતત્યથી કરતાં રહેવાનું આવશ્યક હોય છે. એ જ ગુરુકૃપાયોગ અનુસાર સાધના એમ છે!
વ્યક્તિ તેટલી પ્રકૃતિઓ અને તેટલા સાધનામાર્ગ, આ ગુરુકૃપાયોગ અનુસાર સાધનાનો સિદ્ધાંત છે. ગુરુકૃપાયોગ અનુસાર સાધનાના પ્રમુખ તત્ત્વો આ પ્રમાણે છે.
1. આવડત અને ક્ષમતા અનુસાર સાધના
2. અનેકમાંથી એકમાં જવું
3. સ્થૂળમાંથી સૂક્ષ્મ ભણી જવું
4. સ્તર અનુસાર સાધના
5. વર્ણ અનુસાર સાધના
6. આશ્રમ અનુસાર સાધના
7. કાળ અનુસાર સાધના
8. તત્ત્વ અનુસાર સાધના.
ગુરુકૃપાયોગ અનુસાર સાધનામાં વ્યષ્ટિ સાધના (વ્યક્તિગત આધ્યાત્મિક પ્રગતિ માટે કરવાની સાધના) અને સમષ્ટિ સાધના (સમાજની આધ્યાત્મિક પ્રગતિ માટે કરવાની સાધના) આમ બે પ્રકારે સાધના કરવામાં આવે છે. વ્યષ્ટિ સાધનામાં કુળાચાર, ધર્માચરણ, સ્વભાવદોષ નિર્મૂલન, નામજપ, સત્સંગ, સત્સેવા, અહમ્-નિર્મૂલન, ત્યાગ, ભાવજાગૃતિ અને સાક્ષીભાવ આ સોપાન આવે છે, જ્યારે સમષ્ટિ સાધનામાં અધ્યાત્મપ્રસાર, રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ, ક્ષાત્રધર્મ, પ્રીતિ અને અનિષ્ટ શક્તિઓના ત્રાસના નિવારણાર્થે નામજપ આ તબક્કાઓ આવે છે. કાળને અનુસરીને વ્યષ્ટિ સાધનાને 30 ટકા અને સમષ્ટિ સાધનાને 70 ટકા મહત્ત્વ છે.
ગુરુપૂર્ણિમાને દિવસે અન્ય કોઈ પણ દિવસ કરતાં ગુરુતત્ત્વ 1000 ગણું વધારે કાર્યરત હોય છે; એટલા માટે શિષ્યોને ગુરુસેવાથી વધારે લાભ થાય છે.
ગુરુપૂજનની વિધિઃ એક ધૂત વસ્ત્ર આગળ પાથરીને તેના પર ગંધ વડે પૂર્વથી પશ્ચિમ તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ એવી બાર લીટીઓ દોરાય છે. તે જ વ્યાસપીઠ છે. પછી બ્રહ્મા, પરાત્પરશક્તિ, વ્યાસ, શુકદેવ, ગૌડપાદ, ગોવિંદસ્વામી અને શંકરાચાર્યનું તે વ્યાસપીઠ પર આવાહન કરીને તેમની ષોડશોપચારે પૂજા કરાય છે. આ જ દિવસે દીક્ષાગુરુ અને માતાપિતાની પણ પૂજા કરવાનો રિવાજ છે. તામિલનાડુમાં આ વ્યાસપૂજા જેઠ પૂર્ણિમાને દિવસે કરે છે. કુંકોણમ્ અને શૃંગેરી આ શંકરાચાર્યના દક્ષિણ ભારતના પ્રસિદ્ધ પીઠો છે. આ સ્થાને વ્યાસપૂજાનો મહોત્સવ થાય છે.
ગુરુપરંપરામાં વ્યાસને સર્વશ્રેષ્ઠ ગુરુ માનવામાં આવ્યા છે. સર્વ જ્ઞાનનો ઉગમ વ્યાસ પાસેથી જ થાય છે, એવી ભારતીયોની ધારણા છે.
મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
આપણા ઘણા સંતકવિઓએ પણ ગુરુમહિમા ગાયો છે. તેમનાં પદો આ પ્રમાણે છેઃ
અમારાં રે અવગુણ રે
ગુરુજીના ગુણ તો ઘણા રે જી..
ગુરુજી! અમારા અવગુણ
સામું મત જોય..
ગુરુજી અમારા દીવો રે,
ગુરુજી અમારા દેવતા રે જી,
ગુરુજી અમારા પારસમણિને રે તોલ… અમારાં…
(દાસી જીવણ)
***
સતગુરુ બિનાં બાત કૈસી,
સત સાહેબ બિનાં બાત કૈસી
કોઈ મિલે સંત ઉપદેશી
હે જી કોઈ મિલે આપણા દેશી… (ભવાનીદાસ)
***
સતગુરુ તારણ હાર
હરિ ગુરુ તમે મારા તારણહાર
આજ મારી રાંકુંની અરજું રે
ખાવંદ ધણી
સાંભળજો… ગુરુજીએ શબદ સુણાયો રે
(રૂખડિયો વેલો)
ગુરુના કાર્યમાં સહભાગ
પોતાની ક્ષમતા અનુસાર સહભાગી થવું, એ જ ખરી ગુરુદક્ષિણા છે. ગુરુપૂર્ણિમાના નિમિત્તે ધર્મસેવા અને ધર્મ માટે યોગદાન કરીને ગુરુકૃપા પ્રાપ્ત કરવાનો આ સુર્વણ અવસર ખોઈ ન બેસશો. આ વર્ષે ગુરુપૂર્ણિમા 27 જુલાઈના દિવસે છે.
ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુતત્ત્વનો અધિક લાભ લેવા માટે આ કરો!
1. ગુરુસેવા અથવા ગુરુપૂર્ણિમા ઉત્સવકાર્યમાં યથાશક્તિ સહભાગી થાવ!
2. પોતાનાં સગાંવહાલાં, મિત્રમંડળી, સહયોગી ઇત્યાદિને પણ ગુરુપૂર્ણિમા મહોત્સવ વિશે કહો અને સંસ્કૃતિરક્ષાના અખંડ દીપકની અમરજ્યોત બનો!
3. ગુરુતત્ત્વ ગ્રહણ કરવા માટે નામજપ અને ગુરુને પ્રાર્થના કરો!
4. ગુરુકાર્ય/ધર્મપ્રસારકાર્ય માટે ધન અથવા અન્ય સ્વરૂપે ત્યાગ કરો!
ધર્મકાર્યમાં સહાભાગ એ જ સાચી ગુરુદક્ષિણા!
રાષ્ટ્ર તથા ધર્મકાર્ય હેતુ દાન જ સત્પાત્રે દાન છે. આવું દાન ઈશ્વરચરણોમાં અર્પિત થવાથી તે ક્યારેય નિષ્ફળ જતું નથી. ધર્મકાર્યમાં આ સહભાગ ધર્માચરણ જ છે. ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ હેતુ યોગદાન આપવું, ગુરુદક્ષિણા જ છે! શ્રી ગુરુ દ્વારા અપાયેલા જ્ઞાન તેમજ કૃપાનું ઋણ આપણે ચૂકવી શકતા નથી.