ગુણવાનનું સાતત્ય જાળવો

ગુણવાન’ શબ્દ ‘ગુણ’ પરથી બનેલો છે, ‘મોટા કોશ’માં ‘ગુણ’ શબ્દના શ્રી રતિલાલ નાયકે વિવિધ અર્થો આપ્યા છે, જેમ કે  જાતિસ્વભાવ, મૂળ લક્ષણ, ધર્મ, સદ્ગુણ, પ્રકૃતિના ત્રણ ગુણ સત્ત્વ, રજસ, તમસ, અસર, ઉપકાર, દોરી, દોરડું, સ્વરોનો ફેરફાર, ગુણવૃદ્ધિમાંનો પ્રથમ, કૃતિનું રસપ્રદ લક્ષણ વગેરે ‘ભગવદ્ગોમંડલ’માં પણ ‘ગુણ’ના 14 અર્થો આપેલા છે.

‘ગુણવાન’ શબ્દનો ‘ગુણવાળા હોવું’ મતલબ કે ઉત્તમતા અથવા સદ્ગુણયુક્ત હોવું એવો અર્થ પણ ઘટાવી શકાય.

જૈન ધર્મમાં ‘ગુણસ્થાન’ શબ્દની ચર્ચા મળે છે, જેનો અર્થ છ,ે જ્ઞાનના અથવા આત્માના વિકાસની ચૌદમાંની કોઈ એક ભૂમિકા, આધ્યાત્મિક વિકાસની ઊતરતી-ચઢતી ભૂમિકા. શાસ્ત્રો કહે છેઃ ‘મનુર્ભવ’ એટલે માણસ બનો. ‘માણસ’ બનવું એટલે સાચા અર્થમાં માનવતાયુક્ત બનવું, સદાચારી બનવું, ગુણવાન બનવું, શીલવાન બનવું. જીવનને ઉજાળવું હોય તો ગુણવાન બનવું પડે અને બગાડવું હોય તો દુર્ગુણોને જીવનમાં છુટ્ટો દોર આપવો પડે. જીવનનું ધ્યેય શું છે? કેવળ ‘જન’ બનવાનું નહિ, પણ ‘સજ્જન’ બનવાનું. સદ્ગુણોની વૃદ્ધિથી જ જીવન ગુણવાનયુક્ત બની શકે. સજ્જનો માટે તપ, દાન, શમન, દમન (ઇન્દ્રિયોનું દમન), લજ્જા, સરળતા તથા પ્રાણીઓ પર દયા – આ સાત ગુણોને સ્વર્ગનાં મહાન પ્રવેશદ્વાર ગણાવવામાં આવ્યાં છે. વેદવ્યાસને મતે ક્ષમા, શાંતિ, સંતોષ, પ્રિય બોલવું, કામક્રોધનો ત્યાગ, શિષ્ટાચારનું અને શાસ્ત્રાનુસાર કર્મ – આ સઘળા શ્રેષ્ઠ મનુષ્યના માર્ગો છે. તેવી જ રીતે માણસે, સત્ય, દાનશીલતા, કર્મણ્યતા, ક્ષમા તથા ધૈર્ય આ  ગુણોનો ત્યાગ ન કરવો જોઈએ. મનુષ્યની ખ્યાતિ વધારે તેવા દસ ગુણો કયા? એનો ઉચ્ચાર ‘મહાભારત’ના ‘ઉદ્યોગપર્વ’માં આપવામાં આવ્યો છે. બુદ્ધિ, યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા આવા આ ગુણો માણસની ખ્યાતિમાં વૃદ્ધિ કરે છે.

કયા ગુણો માણસને સ્વર્ગપ્રાપ્તિ કરાવી શકે છે? આવા દસ ગુણો છે – સત્ય, અહિંસા, ઉત્તમ સ્વભાવ, શાસ્ત્રજ્ઞાન, વિદ્યા, શીલ, કુલીનતા, બળ, શૂરતા અને ચમત્કારપૂર્ણ વાત કહેવી – આ દસ ગુણો સ્વર્ગનો હેતુ બને છે.

ગુણવાનવાળું જીવન ‘શીલયુક્ત’ જ હોય. ‘શીલ’ શબ્દ ‘શીલન’ પરથી નિર્મિત છે, જેનો અર્થ છે, સારી વસ્તુઓનો વારંવાર અભ્યાસ અને જીવનમાં પ્રયોગ. બૃહસ્પતિ નીતિસારમાં એ વાત સમજાવવામાં આવી છે કે, જેવી રીતે બ્રાહ્મણનું આભૂષણ વિદ્યા છે, પૃથ્વીનું આભૂષણ નૃપતિ છે, આકાશનું આભૂષણ ચંદ્રમા છે, તેવી જ રીતે શીલ સર્વનું આભૂષણ છે. શીલવાન માણસે પોતાના પરિચય માટે ‘આઇડેન્ટિટી કાર્ડ’ ઉર્ફે ‘પરિચયપત્ર’ આપવો પડતો નથી. શીલવાન વ્યક્તિની આભા આપોઆપ પ્રગટ થઈ સામેની વ્યક્તિને પ્રભાવિત કરતી હોય છે. એટલે જ શીલને સર્વોત્તમ આભૂષણ કહેવામાં આવ્યું છે. સ્વયંભૂદેવે સરસ વાત કરી છેઃ એવા સ્વર્ગનો પણ શો અર્થ જ્યાં ચારિત્ર્યનું ખંડન થતું હોય? જો હું શીલથી વિભૂષિત હોઉં તો મારે બીજું જોઈએ પણ શું? જેનું ‘શીલ’ નષ્ટ થયું તેનું સર્વસ્વ નષ્ટ થયું. કલ્હણે શીલનષ્ટતાનો ક્રમ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે પહેલાં વિષયલોલુપતાને કારણે અપયશનો ઉદય થાય છે, તે પછી નિંદાસ્પદ ઇચ્છાઓ જન્મે છે. પહેલાં ધર્મનો નાશ થાય છે, પછી કુળ-પરંપરાગત સ્પૃહણીય સ્વાભિમાન નષ્ટ થાય છે. પહેલાં પૂર્વજોનું ગૌરવ માણસ શંકાની નજરે જુએ છે. પછી જીવનને, પણ માણસ સંદેહની નજરે જુએ છે. શીલરૂપી, ચિંતામણિનો વિનાશ થતાં એવી કઈ વસ્તુ છે, જેનો નાશ થતો નથી? ગુણવાનયુક્ત જીવન માટે માણસે સતત પોતાની વાણી, વર્તન, ક્રિયા, વ્યવહારો વગેરે પર ચાંપતી નજર રાખવી પડે છે, કારણ કે માણસનું મન ચંચળ છે. એને બદલાતાં વાર નથી લાગતી. એટલે માણસે જીવનમાં શુદ્ધિ પર વિશેષ ધ્યાન આપવું પડે. સત્યમ્ શિવમ્ અને સુંદરમ્ને નજર સમક્ષ રાખી જીવવાથી જીવનમાં શુભત્વ અને શિવત્વનો ઉદય થાય છે. એ થકી મનુષ્યનાં કર્મો વિદ્યા, ધર્મ, શુભ સંસ્કાર અને ઉત્તમ જીવનશૈલી જળવાઈ રહે.

ગુણવાનયુક્ત જીવન જીવવા માટે માણસે જીવનમાં શ્રેષ્ઠતાના ઉપાસક બનવું પડે. જે મળે છે તે ‘લાભપ્રદ’, પણ હિતકર અને શુભસાધક છે ખરું? આ પાયાનો પ્રશ્ન પૂછીને જ માણસે વ્યવહાર ધર્મનું પાલન કરવું પડે.

સદાચારી અથવા ગુણવાનયુક્ત જીવન એ ‘હરિનો મારગ’ છે, એટલે કાયર, ગણતરીબાજ, લોભી, સ્વાર્થી, કપટી કે ભોગવાદી માણસ ગુણવાનયુક્ત જીવનનો આગ્રહી હોતો નથી, કારણ કે એવા માણસો માટે ‘ધન’ એ જ ધર્મ છે, સ્વહિત સાધના એ જ જીવનનું પરમ કર્તવ્ય છે, એટલે નૈતિકતા, નેકી, પ્રામાણિકતા, ત્યાગ, પરોપકાર, સાદગી અને ઉત્તમ અનુકરણીય ગુણોના સેવન અને પરિપાલનમાં તેને રસ હોતો નથી! ગુણવાનયુક્ત જીવન માટે પ્રાર્થના કરતો સામવેદનો ઋષિ કહે છે, ‘હે ઇન્દ્ર અને અગ્નિ, અમને પાપયુક્ત કાર્યોમાં જોતરશો નહિ, અમને હિંસાયુક્ત કામોથી અળગા રાખજો અને નિંદાત્મક પ્રવૃત્તિમાં પણ અમને જોડશો નહિ. મતલબ કે સદાચાર એ જ શ્રેષ્ઠ ધર્મ છે. કથની અને કરણીમાં એકતા, અંદરથી અને બહારથી પરિશુદ્ધ રહેનાર વ્યક્તિ જ સદાચારી કહેવાય.’

પ્રશ્ન એ છે કે જીવનમાં ગુણવાનનું સાતત્ય જાળવી રાખવાનું શક્ય છે ખરું? હા, અવશ્ય, એ માટેની જાગૃતિ, દઢ સંકલ્પબદ્ધતા, નિરંતર આત્મદર્શન, મનોનિગ્રહ અને ચારિત્ર્યને નિશ્ચલ રાખવા માટે કષ્ટ સહેવાની તૈયારી.

માણસમાં ‘વિવેક એટલે કે સારાનરસાની સમજ, વાચન, જ્ઞાન, વિદ્યોપાસના, વ્રત, કથાશ્રવણ, સત્સંગ વગેરેથી જાગ્રત થાય, પણ એકલા વિવેકથી મનનો સંયમ સાધી શકાતો નથી, એટલે ‘વિવેક’ સાથે ‘વૈરાગ્ય’ને પણ જગાડવો પડે. ‘વૈરાગ્ય’ એટલે ત્યજવા કે છોડવા યોગ્ય વસ્તુ છોડી દેવાનું દઢ મનોબળ. વિવેક અને વૈરાગ્ય એ બંનેનો માણસના ચારિત્ર્યમાં સંગમ થાય તો ગુણવાનયુક્ત જીવન જળવાઈ રહે. આવું નિર્મળ જીવન કેવું હોય? બસવેશ્વરજી તેનું વર્ણન કરતાં કહે છે કે ઈશ્વર આપણે માટે પૂજ્ય હોય, અહિંસા એ જ ધર્મ હોય, અધર્મથી પ્રાપ્ત થનાર વસ્તુનો અસ્વીકાર એ જ વ્રત છે. ઇચ્છાત્યાગી જીવન એ જ તપ છે. કોઈની સાથે કપટ ન કરવું એ જ ભક્તિ છે. સુખ-દુઃખ વગેરે દ્વંદ્વોની સ્થિતિમાં અનાસક્ત રહેવું એ જ સમયાચાર છે, એ જ સત્ય છે. હે દેવ! આપ તેના સાક્ષી છો. ગુણવાનાની યાત્રા માટે કોઈ રાજપથ તૈયાર નથી હોતો. મમત્વ ત્યજી સમત્વ સાધી નિષ્કપટી બનો એટલે તમે જાતે જ ગુણવાનનો ‘હાઈવે’ તૈયાર કરી શકશો.

 

લેખક સાહિત્યકાર છે.

ભાષા જાય તો સંસ્કૃતિ જાય… તો એનો ઉપાય ખરો ?

રોહિત શાહ

આપણે આ પૃથ્વી પર આવ્યા ત્યારે તદ્દન નવા અને તદ્દન અજાણ્યા જગતમાં આવ્યા હતા! આપણે નવી ભાષા અને નવી સંસ્કૃતિ સાથે જોડાયા હતા. પછી આપણે એ ભાષાને અને એ સંસ્કૃતિને આપણાં સમજી લીધાં… આપણું વહાલ ક્યારે વળગણ બની બેઠું એની ખબર પણ ન રહી.

ફાધર વાલેસે એક સરસ લેખ લખ્યો છેઃ ‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય.’

એટલે કે દરેક ભાષા સાથે એની પોતાની સમગ્ર સંસ્કૃતિ જોડાયેલી હોય છે. જ્યારે કોઈ ભાષા ભુલાય છે ત્યારે એની સાથે જોડાયેલી ભાષા પણ ભુલાઈ જતી હોય છે. તમે ‘નમસ્તે’ કહેવાને બદલે ‘ગુડ મોર્નિંગ’  કહેશો ત્યારે બે હાથ જોડીને સામેની વ્યક્તિને આદર આપવાની સંસ્કૃતિ નહિ જ ટકે. 26મી જાન્યુઆરીએ અને 15મી ઓગસ્ટે આપણે ધ્વજવંદનના પ્રોગ્રામ વખતે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ, વંદન ક્યાં કરીએ છીએ?

મારી દષ્ટિએ ભાષા તો અભિવ્યક્તિનું એક માધ્યમ જ માત્ર છે. તમે કઈ ભાષામાં વાત કરો છો એના કરતાં તમે કેવી ભાષામાં વાત કરો છો એ મહત્ત્વનું છે, સ્ટાઇલ ઓફ પ્રેઝન્ટેશનનું મહત્ત્વ છે.

અને જગતની કોઈ પણ ભાષા ક્યારેય એકદમ જતી નથી રહેતી, એ ધીરે-ધીરે બદલાતી રહેતી હોય છે.

મારે તો એમ કહેવું છે કે ભાષા બદલાય છે, તેમ તેમ સંસ્કૃતિ પણ બદલાય છે. એક ભાષા જાય છે તો બીજી ભાષા આવે પણ છે, એક સંસ્કૃતિ જાય છે તો બીજી નવી સંસ્કૃતિ આવે પણ છે!

તમે માર્ક કર્યું જ હશે કે કોઈ પણ એક ભાષાના શબ્દભંડોળમાં બીજી અનેક ભાષાઓના શબ્દો ભળેલા હશે જ. કોઈ નવી વસ્તુની શોધ થાય ત્યારે એ વસ્તુનું નવું નામ, એની શોધ કરનાર પોતાની ભાષાના આધારે આપે છે અને બીજી ભાષાના લોકોએ એ જ નામ સ્વીકારવું પડતું હોય છે. ક્રિકેટની રમત ગુજરાતી લોકોની શોધ નથી તેથી વિકેટ, પીચ, એમ્પાયર, રન, હીટવિકેટ, ઓવર, ક્લીનબોલ્ડ વગેરે શબ્દો ગુજરાતી ન હોવાં છતાં આપણે એ સ્વીકારી જ લીધા છે ને!

એવી જ રીતે વિવિધ ભાષાઓના લોકો પરસ્પરના સતત કોન્ટેકટમાં આવે છે ત્યારે પણ એમની અરસપરસની ભાષાના શબ્દોની ભેળસેળ થતી રહે છે. ‘ટિકિટબારી’, ‘ડબલસવારી’, ‘લાઠીચાર્જ જેવા શબ્દોમાં તો રીતસર અંગ્રેજી અને ગુજરાતી શબ્દોનું જોડાણ સ્પષ્ટ જોઈ શકાય છે. ‘રિસિપ્ટ’ પરથી આપણે ‘રસીદ’ અને ‘ડોક્ટર’ પરથી આપણે ‘દાક્તર’ શબ્દ બનાવી લીધા છે.

એક ભાષાની અનેક બોલીઓ હોય છે. ગુજરાતીમાં કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય. આમ એક જ ભાષા હોવા છતાં, એમાં વૈવિધ્ય જોવા મળે છે.

આમ દુનિયાની દરેક ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થતું રહે છે.

ભાષા સાથે એની સંસ્કૃતિ જોડાયેલી હોય જ છે, પરંતુ એ કારણે બીજી કોઈ ભાષા સાથે આભડછેટ પાળવાની જરૂર નથી હોતી. આજના સાયબર યુગમાં અંગ્રેજી ભાષા અનિવાર્ય બની ગઈ છે, એ સત્ય સ્વીકારવામાં સંકોચ કે વિલંબ ન જ કરી શકાય. આપણી પોતાની માતૃભાષાનો અનાદર કરવાની કે એની ઉપેક્ષા કરવાની વાત જ નથી, પણ સમયની સાથે ચાલવું આવશ્યક છે, એ સમજવાની આ પ્રેક્ટિકલ વાત છે.

આપણને આપણી ભાષા અને આપણી સંસ્કૃતિ પ્રત્યે વળગણ હોય એ સ્વાભાવિક છે, એ માટે ગૌરવ હોય તો પણ ભલે હોય… છતાં પરિવર્તન એ પ્રકૃતિનો શાશ્વત કાનૂન છે. પરિવર્તન નથી હોતું ત્યાં તાજગી પણ નથી હોતી. નર્યું બંધિયારપણું અને છલોછલ વાસીપણું રહે છે.

સમયની ટ્રેન આગળ ચાલતી રહેશે, તો જ ગતિ-પ્રગતિ થશે ને! ટ્રેન આગળ દોડતી રહેશે અને નવાં નવાં સ્ટેશનો આવતાં જ રહેશે, નવા લોકો મળશે, નવી આબોહવા મળશે, નવાં નવાં દશ્યો મળશે, નવી તાજગી મળશે…

– અને એની મજા કંઈ ઓછી નહિ જ હોય. નવી પ્રાપ્તિ… નવી સંસ્કૃતિ… નવી સુગંધ!

જૂની વસ્તુ-વ્યક્તિ કે પરિસ્થિતિ ગમે તેટલી સારી અને ગમે તેટલી પ્રિય હોય તો પણ એક ક્ષણે તો એ આપણાથી છૂટી જ જાય છે અથવા આપણે એનાથી અનિચ્છાએ પણ છૂટવું જ પડતું હોય છે. નવું બધું અજાણ્યું જરૂર હશે, પણ એ હંમેશાં ખરાબ અને ખોટું જ હશે એવો ડાઉટ આપણને કમજોર અને રૂઢિજડ બનાવી મૂકે છે.

હવે નવી ભાષા કે નવી સંસ્કૃતિની વાત આપણને પસંદ નથી આવતી. આપણે ડરી જઈએ છીએ કે નવી સંસ્કૃતિ માફક નહિ આવે તો? આપણો એ ડર આપણને જૂની સંસ્કૃતિને જોરથી અને બળપૂર્વક પકડી રાખવા ફોર્સ કરે છે. નવું કશું પણ જોઈને આપણે ભડકી ઊઠીએ છીએ અને હોબાળો કરવા મંડી પડીએ છીએ.

આપણને એક તરફ જૂનું બધું છીનવાઈ જવાનું જોખમ ડરાવે છે, તો બીજી બાજુ નવું બધું ખરાબ અને ખતરનાક જ હશે એવી શંકા ડરાવે છે. ક્યારેક આપણે નવું નવું મેળવવું તો હોય છે, પણ જૂનું છોડવાની આપણી દાનત કે તૈયારી નથી હોતી. એટલે ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ની માળા જપવા બેસી જઈએ છીએ. માણસ ફક્ત સ્વાર્થી જ નથી હોતો, થોડો લુચ્ચો પણ હોય છે હોં !

કંકુના થાપા જશે તો ફોટોગ્રાફ આવશે. ફાનસ અને દીવડા જશે તો એલઈડી લાઇટો આવશે. સાડી અને ધોતિયાની સંસ્કૃતિ જશે તો નવા ડ્રેસની અને જીન્સની સંસ્કૃતિ આવશે. પત્રલેખન જશે તો વોટ્સએપ અને ઇ-મેઇલ આવશે.

ભાષાને અને સંસ્કૃતિ વહેતાં પાણી જેવાં છે. એમને કોઈ બાંધી ન શકે. એમને બાંધવાનો ઉદ્યમ કરનાર ખુદ બંધિયાર બની જશે અને ખોવાઈ જશે. માણસ જો બુદ્ધિશાળી અને વિચારશીલ પ્રાણી હોય તો એણે સમયથી આગળ ચાલવું જોઈએ. સમયથી આગળ ચાલવાની ઓકાત ન હોય તો એટલીસ્ટ સમયની સાથે ચાલવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ.

 

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here