ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર પદે જાણીતા શિક્ષણવિદ ડો. જયેન્દ્રસિંહ જાદવ

 

અમદાવાદઃ ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે ડો. જયેન્દ્રસિંહ જાદવની નિમણૂક થઇ છે. ડો. જાદવ શિક્ષણ સાથે સંવેદનાના શિલ્પી છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.કોમ, બી એડ, એમ ફિલ અને પીએચ.ડી.ની ડીગ્રી મેળવેલ છે. તેઓ ઉત્તમ વક્તા અને અતિ ઉત્તમ ઉદ્ઘોષકની સાથે સાથે સર્જનાત્મક લેખન પણ કરે છે. અત્યાર સુધીમાં એમના ૨૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે.   

આ ઉપરાંત ખૂબ જ અઘરી ગણાતી ઞ્ભ્લ્ઘ્ની પરીક્ષામાં તેઓ ત્રણ વખત સરકારી અધિકારી તરીકે પસંદ થયા છે, પરંતુ શિક્ષણ એ જ જીવન મંત્ર હોવાથી ખૂબ જ પ્રતિષ્ઠા અને ઉચ્ચ હોદ્દાવાળી સનદી અધિકારી તરીકે રેહવા કરતા પોતે અધ્યાપક એટલે કે શિક્ષક તરીકે રહેવાનું પસંદ કર્યું છે. છેલ્લાં ૧૨ વર્ષથી તેઓ ગુજરાતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તેમનો વિષય એકાઉન્ટન્સી છે પણ તેની સાથે શિક્ષણ, સાહિત્ય, અધ્યાત્મ  અને કલામાં તેમની અનન્ય રૂચી છે. રાષ્ટ્ર પ્રેમી સંગઠન શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હીના તેઓ રાષ્ટ્રીય સંયોજક છે. શિક્ષણમાં પરિવર્તન માટે નિઃસ્વાર્થ ભાવે તેઓ આખા દેશનો પ્રવાસ કર્યો છે. તેની નોંધ લઇ ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.

વર્તમાનમાં જાહેર થયેલ નવી શિક્ષણ નીતિ પર ડો. જાદવ ૨૦૧૫થી કાર્ય કરી રહ્યા છે. આ અંગેનો ઊંડો અભ્યાસ તેઓ ધરાવે છે. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિ-ગુજરાત રાજ્યના તેઓ સભ્ય છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્યમાં પણ લેખક તરીકે તેમની સેવાઓ તેમણે આપી છે