ગુજરાત સાયન્સ એકેડેમી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર એનાયત

અમદાવાદઃ ગુજરાત સાયન્સ એકેડેમી દ્વારા દર વર્ષે શિક્ષણ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપતા કોલેજ અને યુનિવર્સીટી પ્રાધ્યપકોની પસંદગી કરી સન્માન કરવામાં આવે છે. જે અંતર્ગત ગણપત યુનિવર્સીટીમાં આ સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં 55 વર્ષથી ઉપરની કેટેગરીમાં જીવ વિજ્ઞાન ક્ષેત્રમાં રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર સી. વી. એમ યુનિવર્સીટીની વિદ્યાનગરની આઈસ્ટાર કોલેજમાં ફરજ બજાવી ચૂકેલા ડો. નિર્મલ કુમારને વર્ષ 2021-22 માટે એનાયત કરવામાં આવ્યો છે. ગણપત યુનિવર્સિટીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ, પદ્મશ્રી ગણપતભાઈ પટેલના હસ્તે મેડલ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ તેમને બાયોલોજીકલ અને પર્યાવરણ શાસ્ત્રમાં ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા બદલ પ્રાપ્ત થયો હતો.
પ્રો. ડો. નિર્મલ કુમારને પર્યાવરણ અને બાયોલોજી વિજ્ઞાનના ક્ષેત્રમાં 37 વર્ષનો સંશોધન અનુભવ છે, UG, PG અને Ph. D સ્તરે 31 વર્ષનો અધ્યાપન અનુભવ છે. પ્રો. કુમારે તેમની કારકિર્દી દરમિયાન પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મિસૂરી, સિનસિનાટી યુનિવર્સિટી, યુ. એસ. એ. તેમજ જાપાન યુનિવર્સિટી સાથે આંતરરાષ્ટ્રીય એમઓયુ સ્થાપ્યા છે. ડો. નિર્મલ કુમારે પીએચડી માટે 19 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. તેમણે 22 પુસ્તકો અને 225થી વધારે રિસર્ચ પેપર્સ અને 13 સંશોધન પ્રોજેક્ટ પ્રકાશિત કર્યા છે. તેઓ વિવિધ સન્માનો અને પુરસ્કારોના પ્રાપ્તકર્તા રહ્યા છે. તેમને હરિ ઓમ આશ્રમ પુરસ્કાર, ડો. સી. કે. શાહ એવોર્ડ, અનુકરણીય કામગીરીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તેઓ 2009થી નેશનલ એન્વાયર્નમેન્ટલ એસોસિએશનના ફેલો છે, 2012થી અમેરિકન કેમિકલ સોસાયટી, યુએસએના સભ્ય છે. તેમનું જીવનચરિત્ર 2009માં વિશ્વ યુએસએ WHOમાં પ્રકાશિત થયું છે. ડો. કુમારે ગ્રીન કેમ્પસ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પર્યાવરણીય અને ટકાઉ વાતાવરણ માટે ગ્રીન ઓડિટ સેલ, CVMના સંયોજક તરીકે કામ કર્યું અને ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર, ગાંધીનગર દ્વારા પ્રશંસા એવોર્ડ મેળવ્યો. વર્ષ 2018,19, 20 અને 23 માટે ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા અને ગવર્નમેન્ટ તરફથી તેમને એપ્રિસિયેશન એવોર્ડ 2022 પ્રાપ્ત થયો છે. પ્રો. નિર્મલ કુમારે આ સન્માન માટે ચારુતર વિદ્યામંડળ CVMના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વ. ડો. સી. એલ. પટેલ તેમજ વર્તમાન ચેરમેન ભીખુભાઇ પટેલ, ઉપ પ્રમુખ મનીષભાઈ પટેલ અને સી. વી. એમ. મેનેજમેન્ટ અને આઈસ્ટાર કોલેજના સર્વ ફેકલ્ટીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.