ગુજરાત સહિત ભારતભરમાં ‘પદ્માવત’નો વ્યાપક વિરોધઃ ઠેર ઠેર હિંસક પ્રદર્શન

 

 

 

(ડાબે) અમદાવાદમાં ‘પદ્માવત’ના વિરોધમાં કેન્ડલ માર્ચ દરમિયાન સૂત્રોચ્ચાર કરી દેખાવો કરી રહેલા રાજપૂત સમુદાયના સભ્યો. (ફોટોસૌજન્યઃ એપી)

નવી દિલ્હીઃ વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણશાળીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવત’ની રિલીઝની પૂર્વસંધ્યાએ બુધવારે ગુજરાત સહિત ભારતભરમાં કેટલાંક રાજ્યોમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને હિંસા સર્જાઈ હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, નોઇડા, ગુડગાંવ, હરિયાણા, મધ્ય પ્રદેશમાં ક્ષત્રિય સંગઠનો દ્વારા ફિલ્મની રિલીઝ સામે વ્યાપક વિરોધ થયો છે. ગુજરાત, નવી દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર સહિતનાં રાજ્યોમાં રસ્તા રોકો, પથ્થરમારો, આગ ચાંપવાની ઘટનાઓ બની હતી. જમ્મુમાં થિયેટરમાં ભારે તોડફોડ પછી આગચંપી કરાઈ હતી. લખનૌમાં મોલ અને થિયેટરમાં તોડફોડ થઈ હતી. ગોરખપુરમાં હિંસાત્મક વિરોધના કારણે ફિલ્મ રિલીઝ કરવામાં આવી નથી. મહારષ્ટ્રમાં કરણી સેનાના 100થી વધુ કાર્યકરોની ધરપકડ થઈ છે. મલ્ટિપ્લેકસ થિયેટર એસોસિયેશને, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ફિલ્મ ન દર્શાવવા જાહેરાત કરી છે. સંબંધિત રાજ્ય સરકારોએ થિયેટરો, મોલ સહિતનાં જાહેર સ્થળોએ સુરક્ષા વધારી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારે કરેલી ફિલ્મની રિલીઝને રોકવાની પિટિશન ફગાવી દીધી હતી. આ પછી ક્ષત્રિય સંગઠનોએ તેમનો વિરોધ વ્યાપક કર્યો છે. રાજસ્થાનની કરણી સેનાએ ફિલ્મ રિલીઝ ન કરવા માટે પડકાર ફેંકી ધમકી આપી છે કે જો કોઈ હિંસા થશે તો તેમની જવાબદારી રહેશે નહિ. પોલીસે વિવિધ રાજ્યોમાં કરણી સેનાના માનવામાં આવતા કેટલાક કાર્યકરો-સભ્યોની અટકાયત કરી છે.
‘પદ્માવત’નો વિરોધ કરી રહેલા એક ટોળાએ ગુડગાંવમાં બુધવારે આતંક મચાવ્યો હતો. ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો હતો અને બસ સળગાવી દીધી હતી.
કરણી સેનાના વડા લોકેન્દ્રસિંહ કલવીએ ‘પદ્માવત’ના વિરોધમાં 25મી જાન્યુઆરીએ જનતા કરફયુનું એલાન પણ કર્યું હતું. કરણી સેનાનો દાવો છે કે આ ફિલ્મમાં રાજપૂતો અને ભારતના ઇતિહાસ સાથે ચેડાં કરાયાં છે.

અમદાવાદમાં ઠેર ઠેર વાહનોને આગ ચાંપવામાં આવી હતી. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ)

‘પદ્માવત’ ફિલ્મના કારણે ગુજરાત ભડકે બળી રહ્યું છે ત્યારે મલ્ટિપ્લેકસ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલી મહત્ત્વની જાહેરાત મુજબ સમગ્ર ગુજરાતના કોઈ પણ મલ્ટિપ્લેકસમાં ‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ નહિ થાય. એસોસિયેશનના પ્રમુખ દીપક આશરે કહ્યું કે અમારા માટે મુલાકાતીઓની સુરક્ષા મહત્ત્વની છે. હાલની સ્થિતિને જોતાં ફિલ્મ દર્શાવાય તો સુરક્ષા સામે સવાલો ઊભા થઈ શકે તેમ છે. ચાર રાજ્યો ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગોવામાં થિયેટરના માલિકોના એસોસિયેશને સામેચ ાલીને ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો છે. ‘પદ્માવત’ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થવાની નથી તે નક્કી થઈ ગયું હોવા છતાં અમદાવાદમાં ઠેર ઠેર વાહનોમાં આગ અને મોલ-શોરૂમમાં તોડફોડ કરી આતંક મચાવનાર 44 તોફાનીઓની પોલીસે ધરપકડ કરી છે. ઇસ્કોન ચાર રસ્તાથી ટોળાએ પીવીઆર, આલ્ફા મોલ, હિમાલયા મોલને નિશાન બનાવ્યા હતા. સીસીટીવીથી ઓળખાયેલા 70 તોફાનીની પોલીસ શોધ ચલાવી રહી છે.
ગુજરાતમાં ‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ ન થવાની હોવાથી વિરોધ પ્રદર્શનની જરૂર નથી આથી 25મી જાન્યુઆરીના ગુજરાત બંધના એલાનને રાજપૂત-ક્ષત્રિય સમાજ દ્વારા પાછું ખેંચાયું છે. જોકે ઉત્તર ગુજરાત, સુરેન્દ્રનગર સહિત જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.

અમદાવાદમાં ઇન્કમટેક્સ સર્કલ પર બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતા રાજપૂતો. (ફોટોસૌજન્યઃ એનડીટીવીડોટકોમ)