ગુજરાત સહિત દેશના આ 4 રાજ્યોમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો નોંધાયો

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19 સંક્રમણના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરના સરકારી આંકડામાં બે અઠવાડિયામાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં 3.5 ગણો વધારો જોવા મળ્યો છે. મોટાભાગના કેસ તે રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે જેમાં પહેલેથી જ વધુ કેસ હતા. દિલ્હીમાં ચાર જિલ્લા, કેરળ અને મહારાષ્ટ્રમાં બે-બે અને ગુજરાતના એક જિલ્લામાં સૌથી વધુ સાપ્તાહિક ટેસ્ટમાં પોઝિટીવ રેટ નોંધવામાં આવ્યો છે. કેન્દ્રના આંકડા અનુસાર 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 10 ટકા કે તેનાથી વધુ સાપ્તાહિક કેસ ધરાવતા જિલ્લાની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર 19 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 63 જિલ્લામાં 19-25 માર્ચના અઠવાડિયામાં રેટ 5થી 10 ટકા નોંધાયો. સૌથી વધુ સાપ્તાહિક કેસમાં વધારામાં દિલ્હી સામેલ છે. દક્ષિણ દિલ્હીમાં 13.8 ટકા ટેસ્ટ પોઝિટીવ દર, પૂર્વી દિલ્હીમાં 13.1 ટકા, ઉત્તર-પૂર્વી દિલ્હીમાં 12.3 ટકા અને મધ્ય દિલ્હીમાં 10.4 ટકા પોઝિટીવ મળ્યા. કેરળમાં વાયનાડ (14.8%) અને કોટ્ટાયમ (10.5%), ગુજરાતમાં અમદાવાદ (10.7%) અને મહારાષ્ટ્રમાં સાંગલી (14.6%) અને પૂણે (11.1%) સામેલ છે.