
ગાંધીનગરઃ ગુજરાત સરકારે મંગળવારે વિધાનસભામાં સન 2018-2019નું રૂ. 1,83,666 કરોડનું કદ ધરાવતું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. જુલાઈ, 2017થી વેટ સહિતના કરવેરા નાબૂદ કરી તેના સ્થાને જીએસટીના અમલ પછી પ્રથમ વાર રાજ્યનું ટેક્સફ્રી બજેટ આવશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ ગુજરાત સરકારે પરમિટધારકો, વિદેશી પ્રવાસીઓ માટે આયાત થતા વિદેશી દારૂ પર વસૂલવામાં આવતી આબકારી જકાત અને અન્ય ફીમાં વધારો કરી રૂ. 106.32 કરોડનો નવો વેરો લાદ્યો છે. સરકારના બજેટમાં રૂ. 783.02 કરોડની પુરાંતનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. વિજય રૂપાણી સરકારે તેના પ્રથમ બજેટમાં કરવેરામાં કોઈ રાહત આપી નથી. નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યું હતું. રૂ. 1,83,666 કરોડનું કદ ધરાવતા અને રૂ. 889.34 કરોડની પુરાંત દર્શાવતા બજેટમાં સન 2017-2018ના સુધારેલા અંદાજ કરતા રૂ. 14828 કરોડનો વધારો સૂચવ્યો છે.
કૃષિલક્ષી આ બજેટમાં યુવાનો માટે વધુ રોજગારીની તકો ઊભી કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. કૃષિ માટે રૂ. 6755 કરોડ, નહેરો બનાવવા રૂ. 4018 કરોડ, સાડા ત્રણ લાખ યુવાનો માટે રોજગારી ઊભી કરવા રૂ. 785 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ બજેટમાં બસસ્ટેશનોને આધુનિક બનાવવા રૂ. 100 કરોડની જોગવાઈ કરાઈ છે. અંતરિયાળ વિસ્તારોમાં પરિવહન સેવા વધુ સુદઢ કરવા 1640 નવી બસ સંચાલનમાં મૂકવા રૂ. 410 કરોડની જોગવાઈ છે. રક્ષાશકિત યુનિવર્સિટીના વિકાસ માટે રૂ. 46 કરોડની જોગવાઈ કરાઈ છે.
વૃદ્ધ પેન્શન સહાય અને દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત સાત લાખ લાભાર્થીઓને પેન્શન આપવા રૂ. 474 કરોડની જોગવાઈ થઈ છે. જળસંચયનાં વિવિધ કામો, જેવાં કે ચેકડેમ, તળાવો ઊંડાં કરવાં, જળાશયોમાંથી કાંપ દૂર કરવા, રિચાર્જ વેલ-ચેકડેમોની મરામત માટે રૂ. 257 કરોડની જોેગવાઈ થઈ છે.
ભાજપ સરકારે વધુ એક સંવેદનશીલ નિર્ણય લઈને રાજ્યમાં સૌથી વધારે આવકાર્ય બનેલી મુખ્યમંત્રી અમૃતમ અને મા-વાત્સલ્ય યોજનામાં હવેથી રૂ. ત્રણ લાખની તબીબી સારવાર, દવાનો ખર્ચ સરકાર ભોગવશે. હવેથી વાર્ષિક રૂ. છ લાખ સુધીની કુટુંબની આવક હોય તેવા પરિવારના સિનિયર સિટિઝનોને પણ આ બન્ને યોજનાનો લાભ મળશે. ની રિપ્લેસમેનટ અને હિપ રિપ્લેસમેન્ટ માટે રૂ. 40 હજારથી રૂ. 80 હજાર સુધીની સહાયની યોજના જાહેર કરાઈ છે. નીતિન પટેલે કહ્યું કે આજના સમયમાં દવા અને ઓપરેશનોનો મોટો ખર્ચ થાય છે અને ગરીબ-મધ્યમ વર્ગના પરિવારમાં સિનિયર સિટિઝનોની સારવારનો ખર્ચ ચિંતાનો વિષય બને છે ત્યારે અમારી સરકાર તેમની પડખે ઊભી રહેશે. ગુજરાત સરકારે પોતાના બજેટમાં એક વર્ષમાં 30 હજાર સરકારી ભરતીની જાહેરાત કરી છે. ખાનગી ક્ષેત્રો યુવાનો માટે એપ્રેન્ટિસશિપ માટે પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના જાહેર કરાઈ છે. રૂ. 785 કરોડની ફાળવણી કરી સાડા ત્રણ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે. ચાર લાખ યુવાનોને ભરતીમેળાના માધ્યમથી ખાનગી એકમોમાં રોજગારી મળશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ ખાનગી એકમોમાં યુવાનો એપ્રેન્ટિસશિપ માટે જોડાય તે હેતુથી તેઓને ખાનગી એકમો દ્વારા ચૂકવવામાં આવનારા વળતર ઉપરાંત સ્નાતકને માસિક રૂ. 3000, ડિપ્લોમાધારકને રૂ. 2000 અને અન્યોને રૂ. 1500 માસિક ધોરણે એક વર્ષ સુધી ચૂકવવામાં આવશે.