ગુજરાત સરકારની મૂંઝવણ : રાજયમાં મિનિ લોકડાઉન ચાલુ રાખવું કે એમાં છૂટછાટ મૂકવી,,,

 

 ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોવાની અધિકૃત માહિતી મળી હતી. સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના મહત્વના શહેરો અને નગરોમાં ક્રમશઃ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. રોજ આવતા નવા કેસ ધીરે ધીરે ઘટી રહ્યા છે, પરંતુ કોરોના હજી શાંત થયો નથી.રાજ્ય સરકારે રાજ્યના 36 શહેરોમાં રાતના કરફયુની જાહેરાત કરી હતી, તેની મુદત 12મેના પૂરી થાયછે. આથી મિનિ લોકડાઉન બાબત સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય લઈ લે એવી સંભાવના છે. જોકે સરકારે જે નિયંત્રણો સાથે મિનિ – લોકડાઉન જાહેર કર્યું છે એમાં તો જીવન જરૂરિયાતની ચીજ- વસ્તુઓ, દવાઓ, કરીયાણું, દૂધ, શાકભાજીના દુકાનદારો, હોટેલ તેમજ રેસ્ટોરન્ટને છૂટ આપવામાં આવી હતી. ગત 4 મેથી તો ગુજરાતના શહેરોમાં મોટાભાગના બજારો અને દુકોનો બંધ છે, વેપારીઓની આર્થિક હાલત દિન- પ્રતિદિન બગડી રહી છે. દરેક ધંધામાં મંદીનું વાતાવરણ છે. લોકોની રોજી- રોટી છિનવાઈ ગઈ છે. ભૂખ, બેકારી અને બીમારીને કારણે ગુજરાતનું જનજીવન માંદલું અને સુસ્ત બની રહ્યું છે, એવું લાગે જ છેકે, ગુજરાતની પ્રજાની સલામતી અને સુખાકારી માટે હાલની સરકારને જાણે કશી પડી જ નથી. ગુજરાતના સત્તાના સૂત્રો સક્ષમ હાથોમાં રહ્યા નથી. વિવિધ વેપારી સંગઠનોએ સરકારને અપીલ કરી હતી કે, તેમને તેમનો રોજગાર, તેમની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવે.