ગુજરાત વિધાનસભા ચૂંટણી: બીજા તબક્કામાં સરેરાશ ૫૯ ટકા મતદાન

 

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં થયું. ગુજરાત ચૂંટણીના બંને તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં ૬૫.૮૪ ટકા અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં ૫૩.૫૭ ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં સરેરાશ ૫૮.૮૦ ટકાથી વધુ મતદાન થયું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કાની ચૂંટણીમાં ૮૩૩ ઉમેદવારોનો સમાવેશ થાય છે. બીજા તબક્કાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને ઉત્તર પ્રદેશના રાજયપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદબહેન પટેલે શીલજમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ અમદાવાદની વિદ્યાસાગર હાઇસ્કૂલમાં મતદાન કર્યુ હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ૬૧.૪૫ ટકા મતદાન થયું છે. મતદાન પૂર્ણ થવાના થોડા સમય પહેલા જ કલોલમાં ફરી હોબાળો થયો હતો. કલોલના પૂર્વ વિસ્તારના એક બુથમાં ભાજપના કાર્યકરો ઘૂસી જતા કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો. પોલીસ અને સલામતી રક્ષકોનો કાફલો કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયો હતો. જયાં એકઠા થયેલા લોકોને વિખેરી મતદાનમાં સમય માત્ર એક કલાક હોવાથી મતદાન કરવા લોકોને સમજાવ્યા હતા. ઊંઝા વિધાનસભામાં આવતા કરલી ગામે બુથ નજીક ભાજપના સ્ટિકરવાળી ઇનોવા ગાડી આવતાં આપ અને ભાજપના ઉમેદવારો-કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ હતી. જોકે પોલીસ આવીને મામલો શાંત પાડયો હતો. દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં નાની ઘરનાળ ગામે કોરોના પોઝિટિવ બાબુભાઇ દેસાઇએ પીપીઇ કીટ પહેરીને કોવિડ પ્રોટોકોલ સાથે મતદાન કર્યુ હતું. મધ્ય ગુજરાતની ૬૧ બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. 

ગુજરાતમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં ૬૨.૦૪ ટકા અને અમદાવાદમાં સૌથી ઓછું ૫૩.૧૬ ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાત દાહોદમાં ૫૫.૮૦ ટકા, ખેડામાં ૬૨.૬૫ ટકા, મહીસાગરમાં ૫૪.૨૬ ટકા, પંચમહાલમાં ૬૨.૦૩ અને વડોદરામાં ૫૮ ટકા જેટલું મતદાન નોંધાયું છે. વડોદરાની સરસ્વતી સ્કૂલમાં મોબાઇલ લઇને આવનાર લોકોને મતદાન મથકમાં પ્રવેશ ન આપતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે યોગ્ય વ્યવસ્થા ન કરતા લોકોને મત આપ્યા વગર જ જવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. મોબાઇલ માટે અલગ કાઉન્ટર અથવા સૂચના મૂકવા મતદારોએ માંગ કરી હતી. બીજી તરફ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકમાં મોબાઇલનો ઉપયોગ થતો પણ જોવા મળ્યો હતો. 

વિધાનસભાના બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો ઉપર થયેલ મતદાન જોઈએ તો અમદાવાદ-૫૩.૩૭, ગાંધીનગર- ૫૯.૧૪, મહેસાણા- ૬૧.૦૧, સાબરકાંઠા- ૬૫.૮૪, બનાસકાંઠા- ૬૫.૬૫, અરવલ્લી – ૬૦.૧૮, પાટણ- ૫૭.૨૮, દાહોદ- ૫૫.૦૮, પંચમહાલ- ૬૨.૦૩, વડોદરા- ૫૮.૦૦,  છોટાઉદેપુર- ૬૨.૦૪, મહિસાગર- ૫૪.૨૬, ખેડા- ૬૨.૬૫, આણંદ- ૫૯.૦૪ ટકા નોંધાયેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ છે. જયારે તેમના માતા હીરા બાએ ગાંધીનગરમાં મતદાન કર્યુ હતું. મતદાન બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. હું દેશના તમામ નાગરિકોનો આભાર માનું છું. તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા કરાવવા બદલ હું ચૂંટણીપંચને અભિનંદન પાઠવું છું.

મતદાન મથકમાં મોબાઈલ નહીં લઈ જવા દેવાના નિયમના પગલે સંખ્યાબંધ મતદારો અટવાયા હતા અને ઘણી જગ્યાએ આ મુદ્દે રકઝકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ચૂંટણી તંત્રે મતદાન મથકમાં મોબાઈલ નહીં લઈ જવા દેવા પર પ્રતિબંધ મુકયો છે. જોકે ઘણા મતદારો એવા હતા જેઓ વોટ આપીને સીધા કામ ધંધે અથવા તો બીજા કોઈ કામસર જવા માંગતા હોવાથી મોબાઈલ લઈને આવ્યા હતા. મોબાઈલના નિયમના અમલને લઈને મતદાન મથકો પર વિરોધાભાસ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ સુરક્ષા કર્મીઓએ મોબાઈલ બહાર ટેબલ પર મુકીને અંદર આવવાનો આદેશ કર્યો હતો. તો કેટલાક મતદાન મથકો પર મોબાઈલ ખિસ્સામાં રાખવાની શરતે મતદારોને અંદર જવા દેવાયા હતા. જોકે મોબાઈલ બહાર નહીં મુકવા માંગતા મતદારો આ મુદ્દે દલીલબાજી કરતા પણ નજરે પડ્યા હતા. સમા વિસ્તારની સરસ્વતી સ્કૂલમાં મતદારોએ મોબાઈલ સાથે પ્રવેશ નહીં અપાતા હોબાળો મચાવ્યો હતો અને કહ્યુ હતુ કે, મોબાઈલ મુકવા માટે સુરક્ષા સાથેનુ અલગ કાઉન્ટર બનાવવુ જોઈએ.