ગુજરાત વિધાનસભામાં સંસદીય ગરિમા કાજે પીછેહઠ

0
1020
ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારી અને ગાળાગાળીનાં દશ્યો વિધાનસભામાં જોવા મળ્યાં. (ફાઇલ ફોટો)

ગુજરાતમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે બજેટસત્રમાં મુદ્દાઓની ચર્ચા ઝાઝી ન થઈ, પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિને લજવે એવાં મારામારી અને ગાળાગાળીનાં દશ્યો વિધાનસભામાં જોવા મળ્યાં. બજેટસત્રની સમાપ્તિ વખતે 99 સભ્યોવાળા ભાજપ અને 77૆4 સભ્યોવાળી કોંગ્રેસ વચ્ચે બુચ્ચા થઈ જતાં એકાએક સત્રસમાપ્તિના આગલા દિવસે જ વિધાનસભામાં બેઉ બાજુના ધારાસભ્યો વચ્ચે જુગજુગના પ્રેમનાં દર્શન થયાં. વિધાનસભાના અધ્યક્ષ અને વડોદરાના ધારાશાસ્ત્રી રાજેન્દ્ર ત્રિવેદીની હોદ્દે વરણી સર્નાનુમતે થઈ. ગૃહના નેતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી બેઉએ સાથે મળીને ત્રિવેદીને અધ્યક્ષપદની ખુરસી સુધી દોરી જવાનું પસંદ કર્યું. જોકે ભાજપમાંથી રાજીનામું આપીને તટસ્થ અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવવાનો સંકલ્પ કરનાર રાજેન્દ્રભાઈ સામે બે સપ્તાહમાં જ વિપક્ષના ધારાસભ્યોને અન્યાયની લાગણી થવા લાગી. સત્તા પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા રહેલા અધ્યક્ષ માટે ઘી ઢળે તોયે ખીચડીમાં જેવો ઘાટ થયો. વીફરેલા કોંગ્રેસી ધારાસભ્યોએ અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આણવાનું નક્કી કર્યું.
ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
ઓછામાં પૂરું વિધાનસભાનું સત્ર ચાલતું હતું ત્યારે જ રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી આવી. ભાજપના ચાર સભ્યોની નિવૃત્તિ સામે માત્ર બે જ સભ્યો રાજ્યસભામાં જાય અને બીજી બે બેઠકો કોંગ્રેસને ફાળે જાય એવું સંખ્યાબળ હોવાથી સત્તાપક્ષે ત્રીજી બેઠક મેળવવાનો ખેલ પાડવાનું વિચારવા માંડ્યું. ગૃહમાં ધાંધલધમાલનાં દશ્યો વધ્યાં. એક તબક્કે તો ગાળાગાળી અને મારામારી પર સત્તા પક્ષ અને વિપક્ષ આવી ગયા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉતાવળે દરખાસ્ત રજૂ કરીને કોંગ્રેસના પ્રતાપ દૂધાત (પટેલ) અને અમરીશ ડેર (આહિર)ને ત્રણ-ત્રણ વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી. ગૃહે ધાંધલધમાલ વચ્ચે એને મંજૂર કરી. હકીકતમાં ગુજરાત વિધાનસભાની નિયમાવલિમાં વધુમાં વધુ ‘સત્ર સમાપ્તિ સુધી’ની જ સજા કરવાની જોગવાઈ છે, પણ અન્ય રાજ્યોમાં ત્રણ-ચાર વર્ષ સુધી અમુક સભ્યોને સસ્પેન્ડ કરાયાના દાખલાને આધારે ઉતાવળિયું પગલું ભરવામાં આવ્યું. મામલો બીચક્યો. ગુજરાતમાં અગાઉ 17 વખત વિધાનસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી છે, પણ એ પાછી ખેંચાઈ છે. અવિશ્વાસની દરખાસ્ત રજૂ થાય એ સંસદીય ગરિમાને માટે કલંક ગણાય. એટલે સત્તા પક્ષ તરફથી વિપક્ષની આ દરખાસ્ત પાછી ખેંચવા મંત્રણા ચલાવાઈ. સામે પક્ષે ધારાસભ્યોને સજા કરવાની મુદત ઘટાડીને નિયમાનુસાર ‘સત્ર સમાપ્તિ સુધી’ કરવા આગ્રહ સેવાયો. છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. સમાધાન થયું.
કોંગ્રેસ મક્કમ રહેતાં કમને સમાધાન શક્ય બન્યું
ગુજરાત વિધાનસભામાં ડિસેમ્બર, 2017ની ચૂંટણીમાં સારી એવી સંખ્યામાં યુવાન ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા છે. ભાજપની ચિંતન બેઠકો અને પ્રશિક્ષણ વર્ગો – શિબિરોની પરંપરા હોવા ઉપરાંત કોંગ્રેસ કરતાં માંડ દસ બેઠકોની હેરાફેરીમાં આસમાની સુલતાની થઈ શકવાના સંજોગો જોતાં સત્તા પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓ સાવધ રહે છે. શરૂઆતના દિવસોમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ નાણાં ખાતું મેળવવા માટે રીતસર ત્રાગું કર્યું, એ પછી બીજા પણ કેટલાક ધારાસભ્યોનો અસંતોષ પ્રગટવા માંડ્યો હતો એને સવેળાના આડા હાથ દેવાનું કામ મોવડીમંડળે કર્યું અને ફુગ્ગામાંથી એક વાર હવા કાઢી નાખ્યા પછી ફરીને અસંતોષનો વંટોળ પેદા થવાનું અશક્ય બન્યું છે. જોકે ભાજપમાં એક વાર બળવો થવાનો અનુભવ હોવાથી ફરી એવા સંજોગો સર્જાય નહિ, એ માટે ખાસ્સી તકેદારી રાખવામાં આવે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ બનાવી ભોપાલ મોકલવા પાછળની લાંબી ગણતરીઓ મોવડીમંડળે રાખી હશે. વચ્ચે વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી બદલાય છે એવી અફવાઓ ઊડતી રહે છે, પણ આગામી લોકસભા ચૂંટણી લગી રાજ્યમાં ઝાઝો ફેરફાર કરવા જતાં સત્તા પક્ષમાં નવા ભડકા થવાના સંજોગો ટાળવા હાલ પૂરતી તો માંડવાળ કરાઈ છે. ચૂંટણી પછી બજેટસત્ર તોફાની બન્યું, પણ કોંગ્રેસે નમતું આપ્યું નહિ, એટલે છેલ્લા દિવસ પૂર્વે સમાધન શક્ય બન્યું.
સામે પક્ષે કોંગ્રેસમાં મોવડીઓ ચૂંટણી હાર્યા છે. જે વડીલો ધારાસભામાં ચૂંટાયા છે એમાં કુંવરજી બાવળિયા કે વીરજીભાઈ ઠુમ્મર જેવાને લોકસભે જવાની હોંશ અકબંધ છે. કોંગ્રેસના નવા યુવા અધ્યક્ષ રાહુલ ગાંધી જૂના અને નવા નેતાઓ કે પછી વડીલો અને યુવા નેતાઓ વચ્ચે સમતુલા જાળવી પક્ષને ગુજરાત સહિત દેશમાં બેઠો કરવા સક્રિય બનવા કૃત સંકલ્પ છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી પાટીદાર યુવક છે. 41 વર્ષના ધાનાણી ત્રીજી વાર ચૂંટાયા છે અને અમરેલી જિલ્લાની તમામ છ બેઠકો પર કોંગ્રેસ જીતી છે. જોકે ધાનાણી તથા એમના પક્ષના વડીલો અને યુવા ધારાસભ્યો વચ્ચે હજી સુમેળ જામ્યો હોય એવું લાગતું નથી. પક્ષનું માળખું પણ રચાવાનું બાકી છે. આવા સંજોગોમાં પરેશ ધાનાણીના નેતૃત્વમાં ‘શેડો મિનિસ્ટ્રી’ની સક્રિયતા હજી વિધાનસભામાં જોવા મળી નહિ. જોકે તોફાની બારકસ જેવા ધારાસભ્યોને સંસદીય પરંપરા મુજબ વર્તવાનો સંદેશ બજેટસત્રમાં મળી ચૂક્યો છે. સાથે જ ચૂંટણીલક્ષી વિજયની તૈયારી કરવાની છે.
પ્રજાના પ્રશ્નોની ચર્ચાને બદલે સમય વેડફાયો
વિધાનસભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય, સરકાર ગંભીરતાપૂર્વક એના ઉત્તર વાળે અને પ્રજાને સંતોષ થાય એવી કાર્યવાહી સરકાર પાસે વિપક્ષ કરાવી શક્યાનો સંતોષ લે એવું ઝાઝું બન્યું નહિ. ગૃહમાં પ્રશ્નોત્તર કાળમાં મંત્રીઓ થકી લાંબાં લાંબાં ભાષણો કરીને વધુ પ્રશ્નોની ચર્ચા હાથ ધરવાનું ટાળવાનો સત્તા પક્ષનો વ્યૂહ સફળ થતો લાગ્યો. વિપક્ષનો અસંતોષ વધ્યો. વિપક્ષની વાત ‘પોઇન્ટ ઓફ ઓર્ડર’ પર પણ સાંભળવા કે કહેવા દેવાની અધ્યક્ષની તૈયારી નહિ હોવાની ફરિયાદ કોંગ્રેસ તરફથી સતત થઈ. મામલો મારામારી સુધી પહોંચવા પાછળ પણ સત્તા પક્ષના સભ્ય થકી ઉશ્કેરણી અને ગાળાગાળી કરાયાની ફરિયાદ કોંગ્રેસે કરી. વિધાનસભામાં મારામારીનાં દશ્યોનાં અમુક જ ફુટેજ બહાર આવ્યાં, જ્યારે ભાજપના ધારાસભ્યોએ અમરીશ ડેરને નીચે પટકીને ગડદાપાટુ કર્યું હોવાના કે ભાજપના જગદીશ પંચાલને જ મારવા ભણી પ્રતાપ દૂધાત કેમ દોડી ગયા, એ બધાનો ઉત્તર ગૃહની કાર્યવાહીનો સંપૂર્ણ ફુટેજ પ્રસારિત થાય તો જ મળે, એવું વિપક્ષનું માનવું હતું.
વિધાનસભામાં ધાંધલ-ધમાલ વચ્ચે ગૃહની કાર્યવાહીને આગળ વધારવામાં આવી. બજેટની દરખાસ્તો પરની ચર્ચા ટળી. બજેટની વિભાગવાર ચર્ચા થાય તો સરકારની ત્રુટિઓ બહાર આવે એવી ગણતરી હોવાથી સત્તાપક્ષે ગૃહ શાંતિથી ચાલે તેમાં રસ લીધો નહિ હોવાનું વિપક્ષનું કહેવું હતું. દર વખતે થાય છે એમ વિધાનસભાની કાર્યવાહી પૂરી થવાના છેલ્લા દિવસે જ ગુજરાત સરકારના વિવિધ વિભાગોને લગતા કેગ (કોમ્પ્ટ્રોલર ઓફ ઓડિટર જનરલ)નો અહેવાલ ગૃહમાં મુકાયો. એના પર વિશદ અભ્યાસ અને ચર્ચાના અભાવે વિપક્ષને પોતાની ભૂમિકા મૂકવાની તક મળી શકી નહિ. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી ‘કેગ’ના અહેવાલોમાં ગુજરાત સરકારને જણાવાતી ‘આર્થિક શિસ્ત’ની જાળવણી માટે યોગ્ય પગલાં લેવાનું ભાગ્યે જ શક્ય બને છે.
ભાજપ અને કોંગ્રેસ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં
ગુજરાતમાં અત્યારથી લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણી નિર્ધારિત સમયે જ આવશે, એવી ખાતરી કેન્દ્રમાં સત્તારૂઢ એવા ભાજપ થકી વારંવાર અપાયા છતાં વિપક્ષોને એમની વાતમાં ભરોસો બેસતો નથી. ભાજપનું સંગઠન માળખું કાયમ ચૂંટણીના મોડમાં જ હોય છે. સામે પક્ષે કોંગ્રેસે પણ આળસ ખંખેરીને પોતાના માળખાને અંતિમ સ્વરૂપ આપવાનું છે. કોંગ્રેસનું માળખું નવા અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી રચાવાના સંજોગો આકાર લઈ રહ્યા છે. એના પહેલા તબક્કા તરીકે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નાયબ દંડક અને 40 વર્ષીય એવા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. મિતભાષી અમિત ભણેલા-ગણેલા તો છે જ, સાથે જ રાજ્યના ઓબીસી સમાજમાંથી આવે છે. એમના સદ્ગત દાદા અને ચરોતરના સાંસદ રહેલા ઈશ્વરભાઈ ચાવડાના પ્રતાપે જ માધવસિંહ સોલંકી ગુજરાતના રાજકારણમાં સિક્કો જમાવી શક્યા હતા. હજી હમણાં સુધી પ્રદેશ પ્રમુખ રહેલા ભરતસિંહ માધવસિંહ સોલંકીના સગા મામાના પુત્ર અમિત ઉત્તર ગુજરાતના ખેરાળુના 1952થી ધારાસભ્ય રહેલા શંકરજી ઓખાજી ઠાકોરનાં દીકરીના જમાઈ છે. સ્વ. શંકરજી મહદ્ અંશે કોંગ્રેસમાં રહ્યા અને છેલ્લે ચીમનભાઈ પટેલની સરકારમાં કૃષિમંત્રી હતા. એમના પુત્ર ભરતસિંહ ડાભી ખેરાળુના ભાજપી ધારાસભ્ય છે અને અગાઉની મુદતમાં સંસદીય સચિવ હતા. ભાજપના સંગઠનની પાંખ અને સરકાર કાયમ ચૂંટણીના મોડમાં હોય છે. કોંગ્રેસ પણ હવે 40ની આસપાસના યુવાનોના હાથમાં સંસદીય પાંખ અને સંગઠનની ધુરા સુપરત કરીને લોકસભાની ચૂંટણી માટેની તૈયારીમાં મચી પડવા તત્પર છે. કર્ણાટક વિધાનસભા પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ ઉપરાંત ઈશાન ભારતમાં મિઝોરમની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ અને વિપક્ષનો ખરાખરીનો જંગ જામશે. એ પછી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના વિપક્ષો વચ્ચે ‘ફાઇટ ટુ ફિનિશ’નો જંગ ખેલાશે.

લેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here