ગુજરાત વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી

ગુજરાત વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના રાજુલાના અમરીશ ડેર અને સાવરકુંડલાના પ્રતાપ દૂધાતને ત્રણ-ત્રણ વર્ષ માટે, જ્યારે કલોેલના બલદેવજી ઠાકોરને એક વર્ષ માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારીની વાઇરલ થયેલી તસવીરો.

ગાંધીનગરઃ ગાંધીના ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને લાંછન લગાડનારી શરમજનક ઘટનામાં બુધવારે ગુજરાત વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. ભૂતકાળમાં ભાગ્યે જ જોવા મળ્યાં હોય તેવાં છુટ્ટા હાથની મારામારી, બીભત્સ ગાળો આપવાનાં દશ્યો વિધાનસભામાં બન્યાં હતાં. સમગ્ર ઘટનાના અંતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના રાજુલાના અમરીશ ડેર અને સાવરકુંડલાના પ્રતાપ દૂધાતને ત્રણ-ત્રણ વર્ષ માટે, જ્યારે કલોેલના બલદેવજી ઠાકોરને એક વર્ષ માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ નિર્ણયના પગલે નારાજ કોંગ્રેસના તમામ સભ્યોએ વોકઆઉટ કર્યો હતો.

આ સમગ્ર ઘટનાના કેન્દ્રમાં વિક્રમ માડમ હતા. સવારે પ્રશ્નોત્તરી દરમિયાન તેમણે સવાલો પૂછવા હાથ ઊંચા કર્યા હતા, પરંતુ અધ્યક્ષે તેમને મંજૂરી આપી નહોતી. પ્રશ્નોત્તરી પછી નીતિન પટેલે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી વિપક્ષના નેતા સમય બગાડતા હોવાનું જણાવ્યું હતું. તેનો જવાબ આપવા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ઉપનેતા શૈલેશ પરમાર ઊભા થયા હતા. આ ચર્ચા પૂરી થતાં જામનગરના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. માડમે જણાવ્યું કે મને પ્રશ્ન પૂછવા દેવાતો નથી. અધ્યક્ષે તરત ટકોર કરી કે સવાલ પૂછવા દેવો કે નહિ તેનો નિર્ણય અધ્યક્ષે કરવાનો હોય છે. જોકે માડમ પોતાની વાતને વળગી રહ્યા અને અધ્યક્ષે વારંવાર તેમને બેસી જવાની સૂચના આપી.

આ ઘટનાક્રમમાં રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે ઝુકાવ્યું અને દલીલ કરી કે અમારી ટ્રેઝરી બેન્ચ-નેતાઓ કહે છે તો પછી તમે કેમ ના પાડો છો? તેઓ દલીલ કરીને પોતાની જગ્યા છોડી માડમ પાસે ગયા હતા. અંતે અધ્યક્ષે માડમ-ડેરને દિવસની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. માડમ ગૃહની બહાર નીકળી ગયા, જ્યારે ડેરને સાર્જન્ટો ગૃહની બહાર લઈ જતા હતા ત્યારે ભાજપના સભ્યોએ કોમેન્ટ કરી એટલે ડેર ઉશ્કેરાઈ ગયા હતા.

ઉશ્કેરાટભર્યા વાતાવરણમાં ધાંધલધમાલ અને શાસક-વિપક્ષના ધારાસભ્યો આક્ષે-પ્રતિઆક્ષેપ કરતા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને ભાજપના જગદીશ પંચાલ વચ્ચે બોલાચાલી થઈ હતી. દૂધાત પોતાની જગ્યાએથી પંચાલ તરફ ધસી આવ્યા અને માઇક તોડીને પંચાલને ફટકાર્યું હતું. પંચાલ જગ્યા પરથી ખસી જતાં તેમનો બચાવ થયો હતો. અધ્યક્ષે તરત જ દૂધાતને સત્રની સમાપ્તિ સુધી સસ્પેન્ડ કર્યા હતા અને ગૃહની કાર્યવાહી દસ મિનિટ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
આ ઘટના પછી ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી આક્રમક થયા હતા અને તેઓ ભાજપના અન્ય ધારાસભ્યો સાથે કોંગ્રેસના ધારાસભ્ય તરફ દોેડી ગયા હતા અને ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. વાત વણસી હોવાનો ખ્યાલ આવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મુખ્ય દંડક પંકજ દેસાઇ, જ્યારે કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, શૈલેશ પરમાર વગેરે ધમાલ અટકાવવા દોડી ગયા હતા અને પોતાના ધારાસભ્યોનો ઉશ્કેરાટ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. વિધાનસભામાં મારામારીની વાત વાયુવેગે સંકુલમાં ફેલાઈ ગઈ હતી.

પરેશ ધાનાણીએ કોંગ્રેસના સસ્પેન્શનના એકતરફી નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે કોંગ્રેસના સભ્યોને ઉશ્કેરનારા હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ સામે પણ આ પ્રકારની જ કાર્યવાહી કરવી જોઈએ. જોકે અધ્યક્ષે વિપક્ષની દલીલ નકારીને સરકારની દરખાસ્ત સ્વીકારીને ધ્વનિમતથી કોંગ્રેસના ત્રણેય સભ્યોના સસ્પેન્શનની જાહેરાત કરી હતી. પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના ધારાસભ્યોએ અભદ્ર ગાળો બોલતાં કોંગ્રેસના ધારાસભ્યે માઇક માર્યું હતું.

અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે મવાલી-ગુંડાગીરી જેવી લાંછનરૂપ ઘટનાને ચલાવી લેવાય નહિ. કોઈની પણ હત્યા થઈ શકે તેવો પ્રયાસ હતો અને આખી સાજિશ હોય તેમ લાગતું હતું. વિક્રમ માડમે કહ્યું કે આસારામ કેસમાં દીપેશ અને અભિષેકનાં મૃત્યુના મામલે સવાલ પૂછવા મેં અનેક વાર જણાવ્યું હતું, પરંતુ મને બોલવા દેવામાં આવતો નહોતો. પ્રતાપ દૂધાતે કહ્યું કે ભાજપના ધારાસભ્યો મને ગંદી ગાળો બોલતા હતા, ગાળો સહન કરવી મારા સંસ્કાર નથી એટલે આ ઘટના બની હતી.