ગુજરાત વિકાસના પંથે હતું તો મુખ્ય પ્રધાન કેમ બદલ્યાઃ શિવસેનાનો સવાલ

 

મુંબઈઃ ગુજરાતમાં અચાનક મુખ્ય પ્રધાન બદલી નાખવામાં આવ્યા અને પહેલી વખત વિધાનસભ્ય બનેલા ભુપેન્દ્ર પટેલને મુખ્ય પ્રધાન બનાવી નાખવામાં આવ્યા હતા. આ કાર્યપદ્ધતિ સામાન્ય રીતે કોંગ્રેસ સાથે સંકળાયેલી જોવા મળે છે. જે રીતે મુખ્ય પ્રધાન બદલી નાખવામાં આવ્યા છે તેના પરથી ગુજરાતના વિકાસનો ફૂગ્ગો ફૂટી ગયો હોવાનું સ્પષ્ટ થાય છે. 

શિવસેનાના મુખપત્ર સામનામાં મંગળવારે કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના લોકોમાં કોરોનાની લહેર વખતે આરોગ્યતંત્ર ભાંગી પડ્યું તેની નારાજગી હતી. વિજય રૂપાણી મુખ્ય પ્રધાન હતા. આવી જ રીતે પાટીદાર સમાજ નારાજ હોવાનું પણ ભાજપના ધ્યાનમાં આવ્યું હતું. આથી મુખ્ય પ્રધાન બદલવામાં આવ્યા છે. જો ગુજરાત વિકાસના પંથે હતું તો પછી અચાનક મુખ્ય પ્રધાન કેમ બદલવામાં આવ્યા? એવો સવાલ સામનામાં કરવામાં આવ્યો છે.