ગુજરાત લો સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડવાની અનેરી પહેલ

અમદાવાદઃ અમદાવાદની ગુજરાત લો સોસાયટી સંચાલિત અને હવે જીએલએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ એસએમપીઆઇસી કોલેજને તેની શિક્ષણ-સામાજિક ક્ષેત્રે ઉમદા યોગદાન બદલ અનેક એવોર્ડ મળેલા છે. 1927થી શરૂ થયેલી સંસ્થાના અસ્તિત્વના નવ દાયકામાં જીએલએસની 30 શૈક્ષણિક સંસ્થાઓમાં 25,000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જીએલએસના મોભી વિઝનરી લીડર સુધીરભાઈ નાણાવટી ગુજરાત હાઈ કોર્ટના અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ છે. તેઓએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટતાનાં ધોરણો હાંસલ કરવા 2015માં જીએલએસ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. જીએલએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સનો ભાગ બનેલી એસ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ સમગ્ર ભારતમાં કોમર્સ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે. આ સંસ્થા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે, જેમાંની એક ચેરિટીની પ્રવૃત્તિ છે. અમદાવાદની કોલેજમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી વિવિધ ડેઝ સેલિબ્રેશન થાય છે. છેલ્લાં પાંચ વર્ષથી એસ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ દ્વારા આ બધા ડેઝની ઉજવણી અલગ રીતે કરાય છે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાત દિવસની ઉજવણી દરમિયાન ફન ડેઝ ઉપરાંત વિદ્યાર્થીઓને સમાજ તથા દેશ અને અર્થતંત્રના પ્રશ્નો તરફ સભાન કરતા ડેઝ, જેવા કે નો વેહિકલ ડે, એન્ટિ-ટોબેકો ડે, ગ્રીન ડેની ઉજવણી થાય છે. આ બધા દિવસો દરમિયાન વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મની બચાવી વિવિધ ચેરિટી કરે છે. આ પ્રવૃત્તિઓનું આયોજન કોલેજના આચાર્ય અને જીએલએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન ડો. અશ્વિન પુરોહિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.