ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા છ યાત્રાધામોના વિકાસની કામગીરી

ગાંધીનગરઃ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યનાં છ મહત્ત્વનાં યાત્રાધામ અંબાજી, સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલિતાણા, ડાકોરના સર્વાંગી વિકાસની મહત્ત્વની કામગીરી હાથ ધરાઈ રહી છે. તેની સાથે 28 જેેટલાં નાનાં-મોટાં યાત્રાધામોમાં સુવિધા અંગે પણ વિચારણા થઈ રહી છે. 358 જેટલાં દેવસ્થાનોનો વિકાસ તેમ જ કૈલાસ માનસરોવર, શ્રવણ તીર્થદર્શન, સિંધુદર્શન અને યાત્રાધામોમાં ‘સ્વચ્છતા’ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકમેળાનો પ્રદેશ હોઈ યાત્રાધામોમાં ઊજવાતા મેળાને સહાય તથા સંતનગરીના પ્રોજેક્ટની અમલીકરણની કામગીરી પણ ‘સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન’ તરીકે સરકાર વિકાસ કરશે તેમ યાત્રાધામ વિભાગનો હવાલો સંભાળતાં મંત્રી દિલીપકુમાર વિરાજી ઠાકોરે જણાવ્યું હતું.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટભાઈ અધ્વર્યુએ જણાવ્યું હતું કે યાત્રાધામોને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા 80 જેટલા કલાસાધકો પ્રાચીન દેવાલયોના પુરાતત્ત્વ વિભાગ સાથે વિચારવિર્મશ કરી તેની જૂની ઓળખ લાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે. રેલવે સ્ટેશનો ઉપર પ્રાચીન દેવાલયોના પેઇન્ટિંગો પણ મૂકવામાં આવશે. તેટલું જ નહિ, પણ ટ્રેનના ડબ્બામાં તેમ જ વેઇટિંગ રૂમમાં પણ ધાર્મિક સ્થળોનાં ચિત્રો મુકાશે. કિરીટભાઈએ જણાવ્યું કે અમદાવાદ શહેરને હેરિટેજનો દરજ્જો મળ્યો છે ત્યારે પુરાણાં મંદિરોને પણ સાચવી પુનઃ ઓળખ આપવાનો પ્રયત્ન કરાશે.
યાત્રાધામમાં પ્રસાદ કાપડની થેલીમાં મળશે
પ્લાસ્ટિકની થેલીઓના વપરાશથી પ્રદૂષણ અને ગંદકીમાં વધારો થતાં 50 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે, જે અંતગર્ત રાજ્યનાં તમામ યાત્રાધામ પર કાપડની બેગનું વિતરણ કરવામાં યાત્રાધામ વિકાસ બોર્ડે નિર્ણય કર્યો છે. જ્યારે યાત્રાધામની બહાર વેપારી પ્રવૃત્તિઓ કરતા વેપારીઓને પણ એક વખત વિનામુલ્યે કાપડની થેલીઓ આપવામાં આવશે.
યાત્રાધામોને પ્લાસ્ટિકમુક્ત કરવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડ તથા ખાનગી કંપની સાથે ત્રણ મહિનાની અંદર બે કરોડ જેટલી કાપડની બેગ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 લાખ જેટલી કાપડની થેલી યાત્રાધામ અને સ્વચ્છતાના લોગો સાથે મંદિર અને મંદિરની બહાર વેપાર કરતા વેપારીઓને આપવામાં આવશે.