ગુજરાત નગરપાલિકાની ચૂંટણીઃ ભાજપને 47, કોંગ્રેસને 16 પાલિકામાં સત્તા

 

ગુજરાતની 75 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. વલ્લભ વિદ્યાનગર નગરપાલિકામાં તમામ 24 બેઠક ભાજપ જીતી ગયો છે. (ડાબે) તમામ નવા ચૂંટાયેલા 24 સભ્યોએ ગાંધીનગર સચિવાલયની મુલાકાત લીધી હતી. તસવીરમાં મહેન્દ્રભાઈ પટેલ સહિત 24 સભ્યો સાથે આણંદના સાંસદ દિલીપભાઈ પટેલ-ભીખુ દલસાણિયા નજરે પડે છે.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી બે માસમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 75 નગરપાલિકામાંથી ભાજપે 47 નગરપાલિકામાં સત્તા મેળવી છે. જોકે 2013ની સરખામણીમાં ભાજપે 13 પાલિકામાં સત્તા ગુમાવી છે તેનો ફાયદો કોંગ્રેસનો ઓછો, પણ અપક્ષોને વધુ થયો છે. કોંગ્રેસને કુલ 16 પાલિકામાં સત્તા મળી છે, જે અગાઉ 13 પાલિકા પર કબજો હતો.

વિદ્યાનગરમાં વિજેતા ઉમેદવાર સમીર પટેલનું વિજય સરઘસ નીકળ્યું હતું. (તમામ ફોટોસૌજન્યઃ કિરણભાઈ પટેલ, કમ્ફી પરિવાર)

રાજ્ય ચૂંટણી કમિશનર વરેશ સિંહાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે 17મી ફેબ્રુઆરીએ 75માંથી 74 પાલિકા માટે મતદાન થયું હતું, જેમાં કુલ 2060 બેઠકોનો સમાવેશ થતો હતો. મતદાન અગાઉ જાફરાબાદ પાલિકાના તમામ 28 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા તે તમામ ભાજપના હતા. આ સિવાય બોરિયાવી પાલિકાની વોર્ડ નંબર ચારની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુથી માર્ચમાં યોજાશે. આમ 33 જિલ્લાની 74 પાલિકાની 2060 બેઠકો માટે હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપે 1167 બેઠક, કોંગ્રેસને 630, બહુજન સમાજ પાર્ટીને 15, એનસીપીને 28, અન્ય પક્ષોને 18, અપક્ષોને 202 બેઠકો મળી છે. 75 પાલિકાની કુલ 2116 બેઠકોમાંથી બાવન બેઠકો બિનહરીફ થઈ છે. કુલ 75 પાલિકામાંથી ભાજપને 47, કોંગ્રેસને 16 પાલિકામાં સત્તા મળી છે. છ પાલિકામાં મિશ્ર પરિણામ આવ્યાં છે. જ્યારે ચાર પાલિકામાં અપક્ષને સત્તા મળી છે, એક એનસીપી અને એક બીએસપીના ફાળે ગઈ છે. કોંગ્રેસને ધોરાજી, ભાયાવદર, ઓડ, બોરિયાવી, રાજુલા, દેવગઢબારિયા, ઝાલોદ, સલાયા, વિસાવદર, વંથલી, માણાવદર, ચોરવાડ, લુણાવાડા, રાધનપુર, તલોદ, ખેડબ્રહ્મા પાલિકામાં સત્તા મળી છે. બીએસપી પાસે છોટાઉદેપુર અને એનસીપી પાસે રાણાવાવ પાલિકા આવી છે. કાલોલ, ડાકોર, આંકલાવ, ખેડા, મહુધામાં અપક્ષને સત્તા મળી છે. નોંધનીય છે કે 2013ની ચૂંટણીમાં ભાજપ 75માંથી 65 નગરપાલિકા જીત્યો હતો, જ્યારે કોંગ્રેસ આઠ પાલિકા જીતી હતી અનેે 2018માં ભાજપે 47 અને કોંગ્રેસે 16 પાલિકામાં વિજય મેળવ્યો છે, જ્યારે છ નગરપાલિકાની કુલ સાત બેઠકોની પેટાચૂંટણીમાં બે બેઠકો ભાજપ અને પાંચ બેઠકો કોંગ્રેસને મળી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારની એક બેઠક ભાજપને મળી છે.

 

ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કહ્યું કે ગ્રામીણ વિસ્તાર સાથે સંકળાયેલા અર્ધશહેરી વિસ્તારોની પ્રજાએ વિકાસની રાજનીતિમાં પુનઃ વિશ્વાસ મૂક્યો છે. કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકી અને વિધાનસાભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે કોંગ્રેસશાસિત પાલિકાઓમાં 18નો વધારો થયો છે. આઠ નગરપાલિકામાં કોંગ્રેસ સમર્પિત ઉમેદવારોનો વિજય થયો છે.