ખેલાડીઓ સાથે થતા રાજકારણ પર આધારિત સ્પોર્ટ્સડ્રામા ‘મુક્કાબાજ’

 

 

રમતગમત અને ખેલાડીઓ સાથે થતા રાજકારણ પર આધારિત ફિલ્મ ‘મુક્કાબાજ’ સ્પોર્ટ્સ ડ્રામા છે. ‘મુક્કાબાજ’ના કેન્દ્રમાં શ્રવણ (વિનીતકુમાર સિંહ) છે. તે સામાન્ય માનવી છે. તે સન્માનભેર જીવન જીવવા માગે છે, તેના માટે તે દરરોજ લડતો રહે છે. મુક્કાબાજીમાં ઉત્તર પ્રદેશના માઇક ટાયસન બનવાની તેની ઇચ્છા છે. તેનામાં હિંમત પણ છે અને તાકાત પણ છે. ફિલ્મમાં એકસાથે શાબ્દિક લડાઈ ચાલતી રહે છે, જે સમાજનો અરીસો દર્શાવે છે અને તેના પર ટિપ્પણી પણ કરે છે.

શ્રવણને પોતાની મુક્કાબાજી પર ભરોસો અને વિશ્વાસ છે. બરેલીનો સ્થાનિક ગુંડો ભગવાનદાસ મિશ્રા (જીમી શેરગિલ) સ્થાનિક બોક્સરોને પ્રમોટ કરે છે. જોકે શ્રવણ તેની સામે નમવાનું પસંદ કરતો નથી. ભગવાનદાસ ગુસ્સે થઈને તેને બરબાદ કરવાની ધમકી આપે છે.

વાર્તામાં રસપ્રદ વળાંક આવે છે, જ્યારે શ્રવણને ભગવાનદાસની ભત્રીજી સુનયના (જોયા હસન) સાથે પ્રેમ થાય છે. ભગવાનની તાકાત લોકોનો ડર અને નબળાઈ છે, જ્યારે શ્રવણ માટે તેનો આત્મવિશ્વાસ તેની ઢાલ છે. ભગવાનદાસ અને સુનયના બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. ફિલ્મમાં જાતિની રાજનીતિની સાથે સાથે રમતગમત અને કાર્યાલયમાં રાજનીતિ જોડાયેલી છે.

‘મુક્કાબાજ’ સામાજિક પાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અનુરાગ કશ્યપે ફિલ્મમાં મધ્યમ વર્ગીય પરિવારનાં સુખદુઃખ, સામાન્ય પિતા-પુત્ર (શ્રવણ અને તેના પિતા), પતિ-પત્નીના સંબંધોને અનોખી રીતે દર્શાવ્યાં છે.

ફિલ્મમાં વિનીતકુમાર, જોયા હસન, જિમી શેરગિલ, રવિ કિશન, દીપક તલવાર છે. રવિ કિશન પોતાનો શાનદાર અભિનય આપે છે, તો જીમી શેરગિલે અફલાતૂન અભિનય આપ્યો છે. બન્નેએ પોતપોતાના પાત્રને ન્યાય આપ્યો છે. નેતાજીના રોલમાં જિમીએ સારો અભિનય આપ્યો છે. વિનીતકુમાર આ ભૂમિકા માટે વાસ્તવમાં બોક્સિંગ શીખ્યો હતો. ‘પૈતરા..’ અને ‘બહુત હુઆ સમ્માન’ જેવાં ગીતો અગાઉથી જ લોકપ્રિય થઈ ગયાં છે. ફિલ્મના સંવાદોમાં અલાહાબાદ અને બનારસનો ટચ છે.

સ્પોર્ટ્સમાં રસ ધરાવતા દરેક જણે આ ફિલ્મ જોવી જોઈએ.

અનુરાગ કશ્યપ કહે છે, મુક્કાબાજ પ્રામાણિક આત્મકથા છે

અનુરાગ કશ્યપની નવી ફિલ્મ ‘મુક્કાબાજ’ની વિવેચકોએ પ્રશંસા કરી છે. ‘મુક્કાબાજ’ના ડિરેક્ટર અનુરાગ કશ્યપ કહે છે કે ‘મુક્કાબાજ’ ફિલ્મ રમતગમતની સૌથી વધુ ચિંતા કરે છે.

45 વર્ષીય અનુરાગ કશ્યપ કહે છે કે તેઓને શા માટે બોલીવુડ બાયોપિક ગમતી નથી અને પોતાના ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શન વિશે જણાવે છે.

અનુરાગ કશ્યપ માને છે કે આપણા ભારતદેશમાં રમતગમતની ખૂબ જ વરવી અને ખરાબ પરિસ્થિતિ છે. આપણા દેશમાં રમતગમત ક્ષેત્રે કોઈ ભવિષ્ય હોય તેવું લાગતું નથી. ભારતમાં એવા ઘણા ગોલ્ડ મેડલિસ્ટ છે, જેઓ ચાની દુકાન ચલાવે છે. અહીં કોઈ પણ ચેમ્પિયન બની જાય છે અને આપણે તેને સ્વીકારીએ છીએ, પરંતુ ચેમ્પિયન બનતાં પહેલાં લાંબી પ્રક્રિયા થતી હોય છે, જેની સાથે આપણને કોઈ લેવાદેવા નથી. અત્યારે બોલીવુડમાં બાયોપિક બનાવવાની ફોમ્યુર્લા ચાલી રહી છે, જેમાં પણ સ્પોર્ટ્સ બાયોપિક તો નોંધપાત્ર છે. સ્પોર્ટ્સ બાયોપિકમાં મનોરંજન માટે જરૂરિયાત મુજબ સુધારાવધારા થતા રહે છે.

અનુરાગ કશ્યપ ઉમેરે છે કે રમતગમત વિશેની ફિલ્મ બનાવવા છતાં અમારી સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે. લોકો મને કહે છે કે ‘મુક્કાબાજ’ સ્પોર્ટ્સના વિરોધમાં તો નથી ને? હું કહું છું કે ‘મુક્કાબાજ’ રમતગમતની વધુ ચિંતા કરે છે. ભારતમાં રમતગમત ક્ષેત્રમાં આવનારા મોટા ભાગના ખેલાડીઓનો હેતુ સરકારી નોકરી મેળવવાનો હોય છે, પછી તે ઝારખંડના તીરંદાજ આદિવાસીઓ હોય કે બોક્સર હોય કે કુસ્તીબાજ હોય.

અનુરાગ કશ્યપ માને છે કે આપણી બોક્સિંગની ફિલ્મની વિચારણા પણ હોલીવુડની ફિલ્મથી પ્રેરિત હોય છે. ફિલ્મના અંતમાં દેશભક્તિ માટે રાષ્ટ્રગીત ઉમેરવાની પણ એક ફોર્મ્યુલા બની ગઈ છે.