‘ગુજરાત ટાઇમ્સ’ના પૂર્વ આસિસ્ટન્ટ એડિટર ઠાકોર પટેલનું અવસાન

 

અમદાવાદઃ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક – મીડિયા ક્લબના સભ્ય ૮૮ વર્ષીય ઠાકોરભાઈ પટેલનું અમદાવાદ સ્થિત બુધવારે તેમના ઘરે દુઃખદ અવસાન થયેલ. તેઓ અમેરિકાથી પ્રસિદ્ધ થતા ‘ગુજરાત ટાઇમ્સ’ના પૂર્વ આસી. એડિટર હતા. તેમણે અમેરિકા ખાતે ઇન્ડિયા એબ્રોડ વર્તમાન પત્રમાં કામ કરેલ. તેમણે ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતા અખબાર ગુજરાત સમાચાર, જયહિંદ અને સમભાવમાં પણ કામ કરેલ. તેઓ મજદૂર યુનિયનના લીડર પણ હતા. આ ઉપરાંત તેઓ રાજકીય નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તે માટે પ્રાર્થના.

અમેરિકામાં ચાલતા ડાયસ્પોરા અખબારની અને એમાં પણ ગુજરાતી અખબારની સૌ પ્રથમ આઉટ પોસ્ટ કચેરી અમદાવાદ ખાતે ‘ગુજરાત ટાઇમ્સ’ પ્રકાશનની શરૂઆત કરનાર ઠાકોરભાઈ પટેલ હતા. એમના મોટા ભાઈ રાજ્યસભાના સભ્ય હતા. ગુજરાતી ભાષાના વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલે ઠાકોરભાઈ માટે એક ખાસ પુસ્તક પણ લખેલ છે. ‘માય બેસ્ટ ફ્રેન્ડ ઠાકોરભાઈ પટેલ’ નામના આ પુસ્તકમાં દેવેન્દ્રભાઈએ ઠાકોરભાઈ સાથેના ૫૦ વર્ષના સંબંધોનું શબ્દ નિરૂપણ કર્યું છે. ઠાકોરભાઈ પટેલ મૂળ ખેડાના હતા. ત્યાર બાદ તેઓ ઉત્તર ગુજરાતના તલોદમાં સ્થાયી થયા. બાદમાં તેમની ત્રણેય દીકરીઓને અમેરિકા ભણાવી. તેઓ અમેરિકાના સિટીઝન થયા. છતાં પણ ગુજરાતી ભાષા, ગુજરાતીપણું અને ગુજરાત પ્રત્યેનો લગાવ એમણે છોડ્યો નહતો. તેઓ વિશ્વ ગુજરાતી સમાજમાં મહત્ત્વના હોદ્દા પર રહીને લાંબા સમય સુધી અનેક સેવાઓ આપી હતી