‘ગુજરાત ટાઇમ્સ’ના કટારલેખક રમેશ ઠક્કર સનદી સેવા નિવૃત્ત

 

અમદાવાદઃ  ‘ગુજરાત ટાઇમ્સ’નાં લોકપ્રિય કટાર લેખક અને ગુજરાત સરકારમાં લાંબો સમય સનદી સેવા સફળ રીતે પૂર્ણ કરીને રમેશ ઠક્કર ગત મહિને સેવા નિવૃત્ત થયા હતા. જ્યાં તેમનાં વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભાવભીની વિદાય આપી હતી.

છેલ્લાં છ વર્ષથી અમેરિકાથી પ્રસિદ્ધ થતા લોકપ્રિય ગુજરાતી અખબાર ‘ગુજરાત ટાઇમ્સ’માં ‘સપ્તક’ પૂર્તિને લાખો વાંચકોએ હોંશભેર બિરદાવી છે. ‘સપ્તક’માં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનાં અનેક નામાંકિત લેખકો તેમની કોલમથી વાચકોને વિવિધતાસભર માહિતી અને જ્ઞાન આપતા રહે છે. આ પૈકીના ગુજરાત સરકારમાં સનદી અધિકારી (ઞ્ખ્લ્) તરીકે સેવા બજાવતા રમેશ ઠક્કર પણ ‘ગુજરાત ટાઇમ્સ’ અને ‘સપ્તક’ પરિવારનો એક ભાગ બની ચૂક્યા છે.

તેમનાં જીવનલક્ષી અને માર્મિક લેખો અમેરિકાસ્થિત વાચકોએ માણ્યા છે. સતત ૩૮ વર્ષથી દીર્ઘકાલીન સેવાઓ આપીને છેલ્લા ત્રણ વર્ષથી મહિસાગર જિલ્લાનાં અધિક નિવાસી કલેકટર તરીકે સેવાઓ આપીને તેમનો કાર્યકાળ પૂરો કર્યો છે.

તેમનાં વિદાય સમારંભમાં જિલ્લા કલેકટર શ્રી બારડ સહિત સાહિત્યપ્રેમીઓ, સ્થાનિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓએ રમેશભાઈનો લાગણીસભર કાર્યક્રમ યોજ્યો હતો.

રમેશ ઠક્કર ગુજરાત સરકારમાં મધ્યાહન ભોજન યોજના, જિલ્લા પુરવઠા અધિક્ષક, જમીન સુધારણા, પ્રાંત અધિકારી, માધ્યમિક શિક્ષણ બોર્ડ – વાઇસ ચેરમેન, અમદાવાદમાં અધિક નિવાસી કલેકટર જેવી મહત્ત્વની જગ્યાઓ પર પ્રમાણિક અને નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી. તેમનાં કાર્યકાળમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને IAS અધિકારી અપર્ણાએ તેમને શ્રેષ્ઠ અધિકારી તરીકે પણ બિરદાવ્યા હતાં.

સરકારી નોકરી ઉપરાંત સાહિત્યમાં વિશેષ રૂચિ ધરાવતા રમેશ ઠક્કરનાં પંદર પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. તેમણે કવિતા, વાર્તા, નિબંધ અને કટારલેખન ક્ષેત્રમાં લેખનવૃતિ કરી છે. ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં સાહિત્ય સભાઓનું પણ આયોજન કરેલ છે